મનોભાવ એટલે શું ? તેના પ્રકાર કેટલા ?
ફિટનેસ - મુકુંદ મહેતા
તમારા નસીબનો વાંક કાઢવાની વૃત્તિ રાખવાથી તમે વધારે નેગેટિવ એટીટયુડ વાળા થઈ જશો. કોઈ વાર એવું થાય પણ ખરું નસીબનો કે બીજા કોઈનો વાંક કાઢશો નહીં
મનોભાવ એટલે શું ? તમે જગતને કેવી રીતે જુઓ છો ? તમે તમારી જાતને જગતની દ્રષ્ટિએ કેવી રીતે જુઓ છો ? આ સવાલોના જવાબથી તમારો મનોભાવ (એટીટયુડ) નક્કી થાય. બીજી રીતે જણાવીએ તો તમારા જીવનમાં રોજેરોજ બનતા બનાવો પ્રત્યે તમારા મનોભાવ અને તમારી લાગણીઓ એટલે તમારી 'એટીટયુડ' કહેવાય.
પોઝિટિવ એટીટયુડ એટલે શું ?
પોઝિટિવ એટીટયુડ (હકારાત્મક મનોભાવ) એટલે તમારા જીવનમાં રોજેરોજ બનતા બનાવો, મુશ્કેલીઓ અને વ્યક્તિઓ પ્રત્યે તમારા મનોભાવ સરસ હોય આશાવાદી અને ઉત્સાહ પ્રેરક હોય. દરેક વસ્તુ, પ્રસંગ અને હકીકત પ્રત્યે તમારા મનના ભાવ તમારા મનને સતત આનંદ આપનારા હોય. પોઝિટિવ એટીટયુડ વાળી વ્યક્તિ પોતાના પરિચયમાં આવનારા બધાંમાં સારી વસ્તુ જ જોશે. કોઈ પણ જાતની ટીકા નહીં કરે એટલું જ નહીં પણ કોઈ તેને માટે ઘસાતું બોલશે કે મશ્કરી કરશે તો તેનો ગુસ્સે થઈને પ્રતીભાવ નહીં આપે પણ ગમે તે થાય (કમ વોટ મે) દરેક પ્રસંગને ગંભીરતાથી લેવાને બદલે દરેક પ્રસંગને સ્વાભાવિક રીતે લઈને દુન્યવી દ્રષ્ટિ ભલે ગંભીર ગણાતો હોય પણ તે પણ કાયમ રહેવાનો નથી એમ દ્રઢપણે માનીને તેને હસી કાઢશે દરેક વસ્તુમાં કે બનાવ માટે તેનો પ્રતીભાવ સરસ હશે... તેના મનનો ભાવ જો હકારાત્મક હશે તો તેના મનને શાંતિ મળશે. મનમાં દુખનો ભાવ નહીં રહે એટલું જ નહીં પણ તેનો આખો દિવસ સરસ જશે. આશાવાદી સ્વભાવને કારણે સતત આનંદમાં જ હશે. તેને કોઈ વાર કોઈના તરફથી ખરાબ અનુભવ થયો હોય ત્યારે પણ તે યાદ નહીં રાખે પણ તેને ભૂલી જશે.
નેગેટીવ એટીટયુડ એટલે શું ?
નેગેટીવ એટીટયુડ (નકારાત્મક મનોભાવ) એટલે તમારા જીવનમાં જે કઈ ખરાબ બને છે તે ફક્ત તમને થાય છે. પરીક્ષામાં નાપાસ થયા, ધંધામાં ધાર્યા પૈસા ના મળ્યા, બીજા લોકો કરતાં તમે પાછળ રહી ગયા. તમને જ લગ્નમાં યોગ્ય પાત્ર ના મળ્યું. તમારી દ્રષ્ટિએ તમારા જીવનમાં જે કઈ ખરાબ કે અણગમતું થયું એ ફક્ત તમને જ થયું હું મોડો જન્મ્યો, મને જે કહેવામાં આવ્યું હતું અથવા મારી જે કલ્પના હતી તે ચોક્કસ આ નહોતી એ પ્રકારની લઘુતાગ્રન્થીની લાગણી. જેની અસર તમારી વાણી, વર્તન અને વ્યવહાર પર પડે. તમે ખુલ્લા દિલે હસી પણ ના શકો. બીજાને માટે એ તમારા ઘરના હોય કે બહારના તમારા મનમાં ઈર્ષાનો ભાવ ઉત્પન્ન થાય. નાની નાની બાબતોમાં પણ કુટુંબીજનો સાથે, મિત્રો સાથે ઝગડો કરી બેસશે. કુટુંબના કે પોતાના કોઈ પણ નાના મોટા પ્રોબ્લેમ માટે પણ હીંમતથી સામનો કરી તેનું નિરાકરણ કરવાને બદલે અત્યંત દુખી થશે અને તેની અસરથી એકલા રહેવાનું પસંદ કરશે. સ્વભાવથી અતડો થઈ જશે અને મિત્રો તેમજ સગા વહાલામાં અપ્રિય થઈ જશે. નેગેટિવ એટીટયુડનો આધાર એ.
સતત નકારાત્મક વિચારો કરવાની વૃત્તિ : આ કામ મારાથી નહીં થાય, હું આને માટે લાયક નથી, મારાથી થશે જ એવી મને ખાત્રી નથી. એટલે સધી કે ઊભા હો ત્યારે હમણાં પડી જઈશ એવી લાગણી થાય આ બધાનું કારણ ફક્ત આત્મવિશ્વાસનો અભાવ ગણાય. અહીં એ પણ યાદ રાખવાનું છે કે તમારા શહેરના ટ્રાફિક, તમારા શહેરની આબોહવા અને વાતાવરણ, તમારે ટેલીફોનનું બિલ આપવાનું છે અને સાવ અજાણ્યા લોકોની સાથેના વાણી, વ્યવહાર અને વર્તન સાથે તમારે કઈ લેવા દેવા નથી. આવા પ્રસંગે નેગેટિવ વિચારો કરવાના ના હોય.
બી.તમારી સરખામણી બીજાની સાથે કરવાની વૃત્તિ : દુનિયામાં બધાં જ લોકો સરખા નથી હોતા. તમારી જાતની બીજાની સાથે સરખામણી કરવાની વૃત્તિ પણ તમારા મનમાં નકારાત્મક ભાવ (નેગેટિવ એટીટયુડ) ઉત્પન્ન કરી શકે છે. બીજા લોકો તમારા કરતાં વધારે પૈસા અને સુખ સમૃદ્ધિ વાળા છે અથવા તમારા કરતાં હોશિયાર છે એવા વિચાર કરવાનો અર્થ નથી કારણ તે તમારા હાથમાં નથી. આવી બાબતો માટે અદેખાઈ કરવાથી પણ નેગેટિવ એટીટયુડ ઉત્પન્ન થઈ શકે.
સી. ભૂતકાળ અને ભવિષ્યકાળ વિષે ચિંતા અને વિચારો કરવાની વૃત્તિ : 'આમ કર્યું હોત તો આમ થાત' થોડી રાહ જોઈ હોત તો સારી પત્ની મળી હોત કે સારી નોકરી મળી હોત એવા ભૂતકાળના વાહિયાત વિચારો કરવાનો અર્થ નથી જે થઈ ગયું છે તેમાં તમારાથી કોઈ ફેરફાર કરી શકાય તેમ નથી અને ભવિષ્ય તમારા હાથમાં નથી. તમારા ઈષ્ટ દેવે એ તો નક્કી કરેલું જ છે. માટે તે અંગે વિચારો કરીને કે ખોટી કલ્પનાઓ કરવાનો કોઈ અર્થ નથી. આવું કરવાથી નુકશાન એટલું થાય છે કે તમે ધીરે ધીરે નેગેટિવ એટીટયુડ વાળા થઈ જાઓ છો.ડી. તમને જાણી જોઈને પરેશાન કરનારા પ્રત્યેનું તમારું વલણ : એવા કેટલાય લોકો તમારા પરિચયમાં આવ્યા હશે અથવા આવશે જેઓ પોતાના આનંદ માટે (જસ્ટ ફોર ફન) તમને ખરાબ લાગે અને તમે હેરાન થાઓ તેવું જાણી જોઈને કરશે આવું થાય ત્યારે તેને અંગે શું કરવું એના વિચારો કરવાને બદલે તે અંગે દુર્લક્ષ કરવાથી તમારા મનોભાવને કોઈ તકલીફ નહીં થાય. આ માટે લાંબા વિચાર કરવાનો કે તે માટે તમારી ઊંઘ બગાડવાનો કોઈ અર્થ નથી. પણ એવું તમારાથી થતું નથી ત્યારે તમારી એટીટયુડ નેગેટિવ થઈ જાય છે.
ઈ. તમને કઈ થયું હોય તે માટે બીજાનો વાંક કાઢવાની વૃત્તિ : તમારા મનની નેગેટિવ એટીટયુડ બદલાય માટે તમારે માટે એ ખૂબ જરૂરી છે કે જે થયું તે સ્વીકારી લો. કોઈનો વાંક ના કાઢો. ફરી યાદ રાખો કે કોઈનો વાંક કાઢવાથી તમને જે થયું છે તે જતું રહેવાનું નથી.
એક દાખલો યાદ રાખો : તમે એરોપ્લેનમાં બેસો છો ત્યારે ''ટેક ઓફ'' અને ''લેન્ડીંગ'' પ્લેન ચલાવનારા 'પાયલોટ'ના હાથમાં છે. એની ઉપર તમને પુરો વિશ્વાસ છે અને તમને કઈ નહીં થાય એ વાત તમે ખાત્રીથી જાણો છો. એ જ રીતે તમારો જન્મ જેને 'પ્લેન'ની ભાષામાં 'ટેક ઓફ' કહેવાય અને તમારું મૃત્યુ જેને પ્લેનની ભાષામાં 'લેંડિંગ' કહેવાય તે તમારા ઈષ્ટ દેવના હાથમાં છે. આ રીતે તમને તમારા જન્મ અને મૃત્યુ સિવાય તમારા જીવનમાં કઈ પણ થઈ ગયું છે અને થવાનું છે ત્યારે જેમ તમે પ્લેનમાં મુસાફરી કરો ત્યારે ટેક ઓફ અને લેંડિંગના સિવાય મુસાફરી વખતે જે કઈ કરો કે કરવું હોય એટલું જ તમારા હાથમાં છે. તે જ રીતે તમે સારા વિચાર કરો કે ખરાબ, કોઈની સાથે બોલો કે ના બોલો, એ બધું જ, ફક્ત એટલું જ તમારા હાથમાં છે માટે જે કઈ નથી ગમતું તેને ભૂલી જાઓ અને સારી વાતો હોય તેજ યાદ રાખો તો તમે ''પોઝિટિવ એટીટયુડ''વાળા ઓટોમેટિકલી થઈ જશો.
હકારાત્મક મનોભાવ(પોઝિટિવ એટીટયુડ) રાખવાના ફાયદા : ૧. સતત સારા વિચારો આવે ૨. દરેક પ્રસંગ કે વ્યક્તિ માટે તમે સારી માન્યતા રાખતા થઈ જાઓ.૩. કોઈ પણ વખતે આવેશભર્યું વર્તન થાય નહીં પરિણામે 'આપણે સરસ છીએ તેવી લાગણી થાય.
મનોભાવ (એટીટયુડ) પોઝિટિવ રાખવાના સરળ રસ્તા : ૧. જીવનમાં જે વસ્તુઓ બની છે તે સરસ છે તેને યાદ રાખો, ૨. નકારાત્મક વિચારોવાળા અને તમને પરેશાન કરનારાથી દૂર રહો, ૩. તમારા વર્તન, વાણી અને વ્યવહારને ચોકખા અને અસરકારક રાખો, ૪. બીજા લોકોની ટીકા કરવાનું છોડી દો. તમારી શક્તિને નકામી વેડફો નહીં. ૫. જે જે વ્યક્તિઓ તમને ગમતી હોય તેનો સતત સહવાસ કેળવો. જેનું વર્તન તમને દુખ પહોંચાડે તેવું હોય તેનાથી દૂર રહો.
વૈજ્ઞાાનિકો એટીટયુડ બાબતમાં શું જણાવે છે : ૧. કોઈને પણ તે ૧૦૦ ટકા પોઝિટિવ એટીટયુડ વાળા છે કે નેગેટિવ એટીટયુડ વાળા એ થોડા પરિચયમાં આવ્યા પછી પણ નક્કી કરવાનું મુશ્કેલ છે કારણ એક જ બાબત કોઈને સારી લાગે જ્યારે બીજાને યોગ્ય ના પણ લાગે.
પોઝિટિવ એટીટયુડનો એક દાખલો : રમણભાઈએ રાત્રે સૂતી વખતે એક છરી ઓશિકા નીચે મૂકી અને સૂઈ ગયા. કોઈએ તેમણે પૂછ્યું કે ''રાત્રે ઓચિંતું કોઈ તમને પરેશાન કરવા આવે તેને મારવા માટે ઓશિકા નીચે છરી મૂકીને સૂઈ ગયા છો ?'' રમણભાઈએ હસતાં હસતાં જવાબ આપ્યો 'ના આજે મારી બર્થ ડે છે અને મારો મિત્ર મારી વર્ષ ગાંઠ વખતે હંમેશા રાત્રે જ મળવા આવે છે. આજે રાત્રે મળવા આવશે ત્યારે મોટી 'કેક' લઈને આવશે. એ કદાચ કેક કાપવા માટેની છરી ભૂલી ગયો હોય તેમ માનીને મે કેક કાપવા યાદ રાખીને ઓશિકા નીચે છરી રાખી છે.'
બીજો ગણત્રીનો દાખલો પણ જુઓ : અંગ્રેજી બારાખડીમાં નંબર આપવાના છે. . A=1, B=2, C=3, D=4, E=5, F=6, G=7, H=9, I=9, J=10, K=11,
L=12, M=13, N=14, O=15, P=16, Q=17, R=18, S=19, T=20, U=21, V=22, W=23, X=24, Y=25, Z=26.
Write LOVE, HATE, FRIEND and LIKE or any word describing LOVE Put number on the individual words
L O V E L=12, O=15, V=22, E=5, 12 + 15 + 22 + 5 = 54
HATE H=8, A=1, T=20, E=5 8+1+20+5 = 34
FRIEND F=6, R=18, I=9, E=5, N=14, D=4 6+18+ +9+5+14+4 = 56
LIKE L=12, I=9, K=11, E=5 12+9+11+5 = 37
ATTITUDE A=1,.T=20.T=20, I=9, T=20.U=21, D=4, E=5
1+20+20+9 +20+21+4+5 = 100
જોયું ફક્ત ATTITUDE ના શબ્દના દરેક આંકડાનો સરવાળો ૧૦૦ થાય છે. બીજા કોઈનો નહીં. માટે તમારી ATTITUDE હંમેશ પોઝિટિવ રાખો.