નોબેલ પારિતોષિક વિજેતાઓના લિસ્ટ જોતાં જણાઈ આવે છે કે કેટલાક મહાન વિજ્ઞાાનીઓ ચૂકાઈ ગયા છે. શા માટે એમને નોબેલ નહીં મળ્યું હોય?
એ નેક્કલ ચાંડી જ્યોર્જ સુદર્શનનું નામ આપણા માટે અજાણ્યું છે. બે કારણથી અજાણ્યું છે. એક તો એ કે ૮૬ વર્ષના આયુષ્યમાંથી એ ૫૦ વર્ષ કરતાં વધુ સમય તો અમેરિકામાં રહ્યા હતા. ત્યાં જ મે ૨૦૧૮માં અવસાન પણ પામ્યા. બીજું કારણ એ કે તેમનું સંશોધન ભૌતિકશાસ્ત્ર જેવા વિષયમાં હતુ, જેમાં સામાન્ય માણસોને રસ ન પડે. પણ રસ પડે એવી વાત એ છે કે ઈ.સી.જી. સુદર્શન જિંદગીમાં કુલ ૯ વખત નોબેલ પ્રાઈઝ માટે નોમિનેટ થયાં હતા! એક પણ વખત તેમને ઈનામ મળી શક્યું નહીં. એથી પણ વધુ રસ પડે એવી વાત એ કે ડૉ.સુદર્શનના સંશોધનો પર કામ કરનારા અમુક વિજ્ઞાાનીઓને નોબેલ પ્રાઈઝ મળી ચૂક્યા છે!
વર્ષ ૨૦૧૯ માટેના નોબેલ પ્રાઈઝ જાહેર થવા લાગ્યા છે. નોબેલ પ્રાઈઝની ગણતરી દુનિયાના સર્વશ્રેષ્ઠ ઈનામમાં થાય છે. સ્વીડિશ ઉદ્યોગપતી અને ડાઈનામાઈટ જેવા વિસ્ફોટકના શોધક આલ્ફ્રેડ નોબેલે પોતાની પાછળ છોડેલી અઢળક સંપતિમાંથી દર વર્ષે ૬ વિવિધ ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર અપાય છે.
૧૯૦૧માં શરૂઆત થઈ ત્યારે તો વિષય પાંચ (રસાયણવિજ્ઞાાન, ભૌતિકશાસ્ત્ર, સાહિત્ય, શાંતિ અને મેડિસિન) જ હતા. પાછળથી 'બેન્ક ઑફ સ્વીડને' અર્થશાસ્ત્રની છઠ્ઠી કેટેગરી ઉમેરી. નોબેલ પ્રાઈઝની પ્રસિદ્ધિનું એક કારણ તેની સાથે અપાતી માતબર રકમ છે. આ વર્ષે દરેક કેટેગરીના વિજેતાને સરેરાશ ૯ લાખ ડૉલર (૬.૪ કરોડ રૂપિયા) જેવી રકમ મળી રહી છે. એવું ઈનામ મળે એ કોને ન ગમે?
બીજી તરફ ૧૯૦૧થી લઈને આજ સુધીમાં વારંવાર નોબેલ સમિતિની કામગીરી પર શંકા ઉઠતી રહી છે. ઘણી વખત એવું કહેવાયું છે કે નોેબેલ સમિતિએ યોગ્ય વિજ્ઞાાનીઓને પડતાં મુકીને ઓછા લાયક સંશોધકોને એવોર્ડ આપ્યા છે. ઘણી વખત તેમના પર પક્ષપાતનો આક્ષેપ થાય છે કે સમિતિ માત્ર યુરોપ-અમેરિકામાંથી જ વિજેતાઓ પસંદ કરે છે. આવા આક્ષેપો વિશેષ તો વિજ્ઞાાન અને શાંતિના ઈનામ વખતે થાય છે. ઈતિહાસ તપાસીએ તો એવું લાગે છે કે નોબેલ એવોર્ડ વિજેતા પસંદ કરતી સમિતિ પર થતાં આક્ષેપો સાવ ખોટા નથી.
૧૮૬૯માં રશિયાના વિજ્ઞાાની દમિત્રી મેન્ડેલિવે પૃથ્વી પરના તમામ તત્ત્વોને એકજૂથ કરીને ક્રમબદ્ધ ગોઠવતું આવર્ત કોષ્ટક (પિરિયોડિક ટેબલ) તૈયાર કર્યું. આખા વિશ્વમાં જે કોઈ તત્ત્વો ફેલાયેલા છે, એ બધાની રજૂઆત આ કોષ્ટકમાં થઈ છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે (વિજ્ઞાાનની દૃષ્ટિએ) આ કોષ્ટકની બહાર જગત શક્ય નથી. આવર્ત કોષ્ટકનું વધારે મહત્ત્વ ન સમજાય તો સમજવાની જરૂર પણ નથી કેમ કે એ ભૌતિકશાસ્ત્રના અભ્યાસુઓ માટે કામનું છે. પરંતુ આજનું ભૌતિકશાસ્ત્ર જે ટેબલ પર પથરાયેલું છે, તેના સર્જકને નોબેલ શા માટે નહીં મળ્યું હોય?
એવો બચાવ નથી થઈ શકે એમ કે ૧૯૦૧માં શરૂ થયેલું ઈનામ ૧૮૬૯માં સંશોધન કરનારા સંશોધકને કેવી રીતે આપી શકાય? કેમ કે ૧૯૦૭ સુધી મેન્ડેલિવ જીવ્યાં હતા. ૧૯૦૫ અને ૧૯૦૬ એ બે વર્ષે નોબેલ સમિતિ સુધી મેન્ડેલિવનું નામ આવ્યું. નોબેલ સમિતિની પેટા સમિતિ 'કમિટિ ઑફ કેમેસ્ટ્રી'એ મેન્ડેલિવનું નામ પસંદ કર્યું હતું.
અગાઉના દર વર્ષે કમિટિ ઑફ કેમેસ્ટ્રી જેનું નામ આપે તેને જ નોબેલ સમિતિ ફાઈનલ ગણીને સ્વીકારી લેતી હતી. પરંતુ ૧૯૦૬માં એવું ન થયું. નોબેલ સમિતિએ મેન્ડેલિવના નામ સામે અસહમતી દર્શાવી અને કહ્યું કે મેન્ડેલિવનું કામ જૂનું અને જાણીતું છે. એમાં શું ઈનામ આપવું? આવર્ત કોષ્ટક સાથે સંકળાયેલા સંશોધન કરનારા અન્ય વિજ્ઞાાનીઓને બેશક મેન્ડેલિનની હયાતીમાં જ નોબેલ પ્રાઈઝ મળ્યાં હતાં!
વર્ષો પછી ૧૯૨૧માં કેમેસ્ટ્રીનું નોબેલ જાહેર કરતી વખતે પ્રોફેસર એચ.જી.સોરોબામે ભાષણની શરૂઆતમાં પહેલું જ વાક્ય કહ્યું હતું : 'રસાયણ વિજ્ઞાાનને આગળ લઈ જવાનું કામ ગઈ સદીમાં મેન્ડેલિવે તૈયાર કરેલા આવર્ત કોષ્ટકે કર્યું છે...'
આજે રોટી, કપડાં, મકાન વગર ચાલે પણ ઈન્ટરનેટ વગર ન ચાલે એ વાત સાથે લગભગ આખુ જગત સહમત થશે. એ ઈન્ટરનેટ તો ૧૯૬૯માં 'આર્પાનેટ' નામે શોધાઈ ચૂક્યું હતું. પરંતુ ત્યારે તેનું નેટવર્ક મર્યાદિત હોવાથી અમેરિકાના સંરક્ષણ વિભાગની ચાર દીવાલો વચ્ચે જ બંધ હતું. તેને બહાર કાઢવાનું કામ કર્યું 'વર્લ્ડ વાઈડ વેબ (ડબલ્યુડબલ્યુડબલ્યુ)'એ. ૧૯૮૯માં વર્લ્ડ વાઈડ વેબની શરૂઆત સાથે જ ઈન્ટરનેટ જગવ્યાપી બનવાની શરૂઆત થઈ.
તો આ વેબના શોધકને નોબેલ મળવું જોઈએ કે નહીં? એમનું નામ ક્યારેય નોમિનેટ થયું નથી, ભવિષ્યમાં થાય એવી શક્યતા ઓછી છે. કેમ કે નોબેલ પ્રાઈઝ જે કેટેગરીમાં આપવામાં આવે છે, તેમાં સીધી રીતે વેબના સર્જક ફીટ બેસતા નથી. પરંતુ કમ્પ્યુટર સાયન્સમાં ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ)નું મોટું સ્થાન છે. માટે ટીમને કોઈ ફિઝિક્સ માટે નોમિનેટ કરે તો થાય.
ચોતરફથી ઘેરી વળેલા અંધકાર વચ્ચે પ્રકાશ કોણ આપે?
ના આપણે કોઈ આધ્યાત્મિક પ્રકાશની વાત નથી કરતાં. વાત કરીએ છીએ બલ્બની. હવેનો યુગ એલઈડી, સીએફએલ પ્રકારની લાઈટ્સનો છે. પરંતુ એ બધી લાઈટના મૂળમાં પીળો પ્રકાશ ફેલાવતો 'ઈન્કેન્ડેસન્ટ લાઈટ બલ્બ' છે. એ બલ્બ ડેવલપ (શોધ નહીં) કરવાનું કામ થોમસ અલ્વા એડિસને કર્યું હતું (બલ્બના શોધક તરીકે તો કુલ ૨૨ વ્યક્તિના નામ આવે છે!). એડિસને સતત મથીને ૧૮૭૯ની ૨૨ ઓક્ટોબરે પ્રથમ બલ્બ ચાલુ કર્યો જે ૧૩.૫ કલાક સુધી ચાલતો રહ્યો. જગતને પ્રકાશ મળવાની ત્યારે શરૂઆત થઈ.
પ્રકાશને બલ્બ દ્વારા લોકોના ઘરમાં પહોંચવાનો રસ્તો દેખાડનારા એડિસનને ભૌતિકશાસ્ત્રનું ઈનામ શા માટે નહીં આપ્યું હોય? નોબેલ પ્રાઈઝની શરૂઆત પછી ૩૦ વર્ષ સુધી એડિસન હયાત હતા. નોબેલ પ્રાઈઝના નિયમ પ્રમાણે કોઈ સંસ્થા-સમુહ કોઈનું નામ નોમિનેશન માટે મોકલે એ પછી જ પસંદ થઈ શકે. સમિતિ સામેથી કોઈનું નામ પસંદ કરતી નથી. મહાન વિજ્ઞાાની નિકોલા ટેસ્લા અને એડિસનનું નામ ૧૯૧૫માં નોમિનેટ થયું હતું. પણ સમિતિને એ નામોમાં રસ પડયો નહીં.
બીજું કારણ એ પણ હોઈ શકે કે બલ્બની શોધ વખતે તેનો શું ઉપયોગ કરવો એ સ્પષ્ટ ન હતું. સામાન્ય માણસો પોતાના ઘરમાં બલ્બ ફિટ કરવાનો વિચાર જ કરી શકતા ન હતા, કેમ કે એ માટે વીજળીનું નેટવર્ક ન હતું. એટલે એડિસનની શોધ મહત્ત્વની હોવા છતાં એ વખતે તો મોટા વર્ગ માટે બિનઉપયોગી હતી. લાઈટના વ્યાપક ઉપયોગની સ્થિતિ તો છેક પહેલાં વિશ્વયુદ્ધ પછી આવી હતી.
મકાન બનતાં પહેલા કાગળ પર આયોજન બને. મકાન બની ગયા પછી પણ એ કાગળના ભૂંગળા ખોલીને જોઈ શકાય કે કઈ પાઈપલાઈન ક્યાંથી ક્યાં જાય છે. આર્કિટેક્ચર દ્વારા તૈયાર કરવામાં આવેલો એ નકશો મકાનની બ્લુ પ્રિન્ટ છે. તો પછી માનવ શરીરની એવી કોઈ બ્લુ પ્રિન્ટ છે? હા! એ બ્લુ પ્રિન્ટનું નામ છે 'હ્યુમન જેનોમ'. જેનોમનો અર્થ થાય વંશસૂત્ર.
એટલે કે આપણા શરીર, આપણા વંશ-વારસા વિશેની માહીતીનું મૂળ. આ જેનોમ 'ડીએનએ' નામના એસીડનું બનેલું હોય છે. ડીએનએ કુદરતની એવી રચના છે, જે હજુ સુધી ઉકેલી શકાઈ નથી. ડીએનએ ઉકેલતા આવડી જાય તો શરીરમાં ક્યારે શું થશે, ક્યારે માથાના વાળ ખરવાની શરૂઆત થશે વગેરે જાણી શકાય. કેમ કે એ બધું ડીએનએમાં કુદરત નામના લેખકે લખેલું હોય છે.
એ તો ઉકેલવાનું શક્ય નથી, પરંતુ વંશસૂત્રની ગોઠવણ કેવી છે, એ બ્લુપ્રિન્ટ સૌથી પહેલી રજૂ કરવાનું કામ ૨૦૦૧માં અમેરિકાના વિજ્ઞાાની ક્રેગ વિન્ટરે કર્યું હતું. એ પછી જ તો ક્રેગે વંશસૂત્રની ઓળખ કેમ કરી શકાય તેની પદ્ધતિ શોધી એ પછી તો ઘણા વિજ્ઞાાનીઓએ બીજા સજીવોના જેનોમની બંધ પેટી પણ ખોલી. એટલું જ નહીં ડીએનએ વિશે થોડું-ઘણુ સંશોધન કરી શકનારા ઘણા વિજ્ઞાાનીઓને મેડિસિન કે રસાયણશાસ્ત્રનું નોબેલ પણ મળ્યું. ૭૨ વર્ષના ક્રેગ હજુ રાહ જૂએ છે.
આપણા જિન્સ (રંગસૂત્ર) ડીએનએથી બનેલા છે, પ્રોટીનથી નહીં એવી શોધ કરનારા વિજ્ઞાાની ઑસવાલ્ડ એવરી પણ નોબેલ પ્રાઈજ જીતી શક્યા ન હતા. નોબેલ સમિતિના સભ્ય આર્ને થેસિલસે તો કહ્યું પણ હતું કે ઑસવાલ્ડ નોબેલના હક્કદાર છે. એ ઑસવાલ્ડ જીવન દરમિયાન એકથી વધુ વખત નોબેલ માટે નોમિનેટ થયા હતા, પરંતુ વિજેતા ન થઈ શક્યા.
રોસલિન્ડ ફ્રેન્કલિન નામના મહિલા વિજ્ઞાાનીએ પણ ડીએનએ, આરએનએની રચના સમજવાનું કામ યુવા વયે કરી નાખ્યું હતું. તેમનું ૩૭ વર્ષની ટૂંકી વયે ૧૯૫૮માં અવસાન થયું હતું. તેમનું કામ આગળ ધપવનારા વિજ્ઞાાનીઓને બાદમાં નોબેલ મળ્યું હતું.
આપણે એટલે કે વિજ્ઞાાનીઓ બ્રહ્માંડને ઓળખે છે, તેના કરતાં નથી ઓળખતા એવું બ્રહ્માંડ બહુ મોટું છે. એમાંથી બહું થોડું પૃથ્વીવાસીઓને સમજાય છે. ન સમજાય એવી બે જાણીતી બાબતોના નામ છે 'બ્લેક હૉલ' અને 'ડાર્ક મેટર'. બ્લેક હૉલ એ એવો ખાડો છે, જે પોતાના પ્રચંડ ગુરુત્વાકર્ષણમાં પ્રકાશના કિરણો સહિતની તમામ ચીજોને ખેંચી શકે છે.
ડાર્ક મેટર એટલે એવું બ્રહ્માંડ જે હજુ સુધી આપણા ધ્યાને આવ્યું નથી. ડાર્ક મેટર અંગે નક્કર રજૂઆત ૧૯૬૮માં વેરા રૂબિન નામના મહિલા ખગોળશાસ્ત્રીએ કરી હતી. વેરા અને તેમના સાથી વિજ્ઞાાની કેન્ટ ફોર્ડ રેડિયો ટેલિસ્કોપ દ્વારા ગેલેક્સી અંગે અભ્યાસ કરી રહ્યાં હતા.
એ અભ્યાસ દરમિયાન જ તેમના ધ્યાને એવો પદાર્થ આવ્યો જે દેખાતો ન હોવા છતાં અસ્તિત્વ ધરાવતો હતો. ગેલેક્સીની રચનામાં પણ ડાર્ક મેટરનો ઘણો ફાળો હતો. એટલું જ નહીં સમગ્ર બ્રહ્માંડ ૮૫-૯૫ ટકા ડાર્ક મેટરનું બનેલું છે એવુ વેરા-કેન્ટ અને અન્ય વિજ્ઞાાનીઓના સંશોધનથી સાબિત થયું ત્યારે અવકાશ વિજ્ઞાાનમાં ખળભળાટ મચ્યો હતો. બ્રહ્માંડને જોવાની લાખો વિજ્ઞાાનીઓની દૃષ્ટિ વેરા રૂબિને બદલી નાખી હતી. વેરા-કેન્ટ બેશક નોબેલ માટે દાવેદાર હતા જ. પરંતુ એ ઈનામ તેમને છેવટ સુધી ન મળ્યું.
એ રીતે બ્લેક હોલ પર લાઈટ ફેંકવાનું કામ આઈન્સ્ટાઈન પછીના મહાન ભૌતિકશાસ્ત્રી ગણાતા સ્ટીવન હોકિંગે કર્યું હતું. ખાસ તો બ્લેક હોલ કઈ રીતે મૃત્યુ પામે એ થિયરી હોકિંગે રજૂ કરી અને તેની મજબૂત દલીલો તથા સાંયોગિક પુરાવાના આધારે ભૌતિકશાસ્ત્ર જગતે સ્વીકારી પણ લીધી. પરંતુ તેમને નોબેલ પ્રાઈઝ મળી શક્યું નહીં.
આ બન્ને કિસ્સામાં નોબેલ ન મળવાનું એક કારણ પ્રેક્ટિકલ પુરાવાનો અભાવ હતો. બ્રહ્માંડમાં કોઈક ઘટના બને તો તેના પુરાવા ધરતી સુધી પહોંચતા કરોડો વર્ષ લાગે. એટલે અમુક કરોડ વર્ષ પછી સાબિત થશે કે થિયરીમાં સાચા સાબિત થયેલા વેરા અને સ્ટીવન વાસ્તવમાં પણ સાચા જ હતા. ત્યારે તેમને નોબેલ મળશે!
૨૩ વર્ષના વિદ્યાર્થી આલ્બર્ટ શાત્ઝે રટગર્ઝ યુનિવર્સિટીની લેબોરેટરીમાં 'સ્ટ્રીપ્ટોમાઈસીન' નામની દવા શોધી કાઢી. એ દવા એન્ટિબાયોટિક હતી, જેનો આજે વ્યાપક ઉપયોગ અત્યારે થાય છે. એ તત્ત્વનો ઉપયોગ કરીને જે દવાઓ બનાવાઈ તેનાથી ટીબી, પ્લેગ.. સહિત ઘણા ઘાતક રોગને કાબુમાં લઈ શકાયા. આ તત્ત્વના શોધનારાને નોબેલ શા માટે ન આપવું?
આપવું જ જોઈએ. નોબેલ સમિતિ સુધી નામ પહોંચ્યુ. પણ પછી કોઈને એવો વિચાર આવ્યો કે જેમના માર્ગદર્શનમાં કામ કર્યું હતું એ વિજ્ઞાાનીને જ નોબેલ આપી દો. કેમ કે નોબેલ આપવા માટે આલ્બર્ટની ઊંમર બહુ નાની છે. એટલે ૧૯૫૨ના વર્ષનું મેડિસિનનું નોબેલ સેલમાન વોક્સમેનને મળ્યું, જેમની ટીમમાં આલ્બર્ટ કામ કરતાં હતા. પોતાના ગુરુને મળતો એવોર્ડ જોઈને આલ્બર્ટ કંઈ બોલ્યા નહીં એ એમની ખાનદાની. શિષ્યનું નોબેલ પ્રાઈઝ પોતાને મળ્યું અને એ લઈ પણ લીધું એ સેલમાનની ખાનદાની!
લિ મેઈટનર નામના મહિલા વિજ્ઞાાનીએ શોધી કાઢ્યું કે કઈ રીતે અણુનું વિભાજન થાય અને એનાથી ઊર્જા સર્જાય. લિએ આ સંશોધન એકલા કર્યું ન હતું. તેમના ગુરુ તરીકે ધૂરંધર જર્મન વિજ્ઞાાની હતા ઓટો હાન. ઓટો અને લિએ ૩૦ વર્ષ સુધી સાથે કામ કર્યું. એ દરમિયાન જ પરમાણુ ઊર્જાની ફોર્મ્યુલા મળી આવી.
પછી તો તેનો ઉપયોગ પરમાણુ ઊર્જા મેળવવા માટે થયો તો વળી અણુ બૉમ્બ પણ બન્યાં જેણે પહેલા વિશ્વયુદ્ધનો છેડો લાવી દીધો. ૧૯૪૪માં ઓટો હાનને આ જ સંશોધન માટે કેમેસ્ટ્રીનું નોબેલ પ્રાઈઝ મળ્યું, પરંતુ તેમની સાથે લિનો સમાવેશ કરાયો નહીં. સંયુક્ત રીતે બન્નેને નોબેલ આપી શકાય એવી ડિમાન્ડ ત્યારે જ વિજ્ઞાાન જગતે કરી હતી.
નોબેલ પ્રાઈઝની જાહેરાત થઈ ત્યારે લિએ પત્ર લખીને નોબેલ સમિતિને જાણ કરી હતી કે બેશક ઓટો આ ઈનામના હક્કદાર છે, પરંતુ યાદ રાખજો કે ન્યુક્લિયર વિભાજનની શોધમાં નાના એવો અમારો પણ ફાળો છે. લિ જીવન દરમિયાન ૪૮ વખત નોબેલ માટે નામાંકિત થયા હતા, પરંતુ આજીવન એ સન્માન મેળવી શક્યા નહીં.
૧૯૦૧થી લઈને આજ સુધીમાં વિવિધ ક્ષેત્રના ૯૩૫ ધૂરંધરોને કુલ મળીને ૫૯૦ નોબેલ પ્રાઈઝ એનાયત થયા છે. પરંતુ એ ૯૩૫ વિજેતાઓમાંથી સામાન્ય માણસો ઓળખતા હોય એવા વિજ્ઞાાનીઓ કેટલા? બીજી તરફ એ પણ હકીકત છે કે સરેરાશ વ્યક્તિને કદાચ એવા વિજ્ઞાાનીઓના નામ વધુ ખબર હોય, જેઓ ક્યારેય નોબેલ જીતી શક્યા નથી. એટલે એવું કહી શકાય કે નોબેલ ન મળ્યું હોવા છતાં અમુક વિજ્ઞાાનીઓ પૃથ્વીના પટ પર અમર છે, અમર રહેશે.


