Get The App

ભારતની યુવા ક્રિકેટ ટીમના સુકાની પ્રિયમે જિંદગીની હારની બાજીને જીતમાં પલ્ટી નાંખી

Sports ફન્ડા- રામકૃષ્ણ પંડિત

ઉત્તર પ્રદેશના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલો પ્રિયમ ગર્ગ અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કેપ્ટન્સી કરશે

Updated: Jan 12th, 2020

GS TEAM

Google News
Google News
ભારતની યુવા ક્રિકેટ ટીમના સુકાની પ્રિયમે  જિંદગીની હારની બાજીને જીતમાં પલ્ટી નાંખી 1 - image


સમય અને પરિસ્થિતિ ક્યારેય કોઈને અનુકૂળ હોતા નથી. પ્રત્યેક સંકલ્પ થાય તેની સાથે તેને હાંસલ કરવાની શંકાનો ઉદય સહજ છે. આ પછી તરત પોતાની ક્ષમતાની સામે પ્રશ્ન સર્જાય છે અને મોટાભાગે તો તે સંકલ્પનો વિકલ્પ શોધવાની દિશામાં અનાયાસ પ્રવાસ થઈ જ જાય. મન-ચક્રની આ સ્વાભાવિક ગતિને માત્ર મહેનત અને પ્રયાસથી જ તોડી શકાય છે. 

સંકલ્પની દ્રઢતા ત્યારે જ પ્રબળ બને છે, ત્યારે પ્રયત્નપૂર્વક તેને પકડી રાખવામાં આવે. નિષ્ફળતા માટે ભાગ્યને દોષ દેવાની મનોવૃત્તિને આયનો બતાવતા ગુજરાતીના વૈભવને છેક જ્ઞાાનપીઠ પુરસ્કાર સુધી વિસ્તાર આપનારા કવિ રાજેદ્ર શાહ એટલે જ કહી ગયા છે કે, આપણાં ઘડવૈયા બાંધવ ! આપણે...

પોતાના સંકલ્પને સતત પ્રયાસો થકી વધુને વધુ દ્રઢ કરવાની ફલશ્રુતિરુપે પરિસ્થિતિઓ પણ અનુકૂળ બનવા લાગે છે અને અચાનક જ સફળતાનો એવો દરવાજો ખુલી જાય છે કે, જેની કલ્પના પણ હોતી નથી. ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આવેલા નાનકડા શહેર કિલા પરિક્ષિતગઢમાં મધ્યમવર્ગીય પરિવારમાં ત્રણ બહેનો અને એક ભાઈની સાથે ઉછરી રહેલા પ્રિયમ માટે જિંદગીનું બીજું નામ સંઘર્ષ હતુ.

ભારતના કરોડો બાળકોની જેમ પ્રિયમ પણ તેંડુલકરને ટીવી પર બેટીંગ કરતાં જોતો અને વિચારતો કે, એક દિવસ હું પણ તેની સ્ટાઈલમાં જ ભારતીય ટીમ તરફથી બેટીંગ કરતો હોઈશ. પ્રિયમની જિંદગી કઠોર વાસ્તવિકતાથી ઘેરાયેલી હતી, પણ તેની આંખોમાં અંજાયેલા આ સ્વપ્નને તેણે ખુબ જ જતનપૂર્વક સાચવી રાખ્યું. 

સ્વપ્ન અને હકીકત વચ્ચેની ભેદરેખાને દૂર કરવા માટે તેણે દિવસ-રાત જોયા વિના મહેનત કરી અને આખરે તેની પસંદગી અંડર-૧૯ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમના કેપ્ટન તરીકે થઈ છે. દેશના જ નહિ, ઉત્તર પ્રદેશના નકશામાં પણ ધ્યાન દઈને શોધવું પડે તેવા શહેરમાંથી આવેલા પ્રિયમને માત્ર તેની લગન અને મહેનત છેક દેશના શ્રેષ્ઠ યુવા ક્રિકેટર બનવા સુધી લઈ ગઈ.

ઉત્તર પ્રદેશના આ જમણેરી મધ્યમક્રમના બેટસમેન પ્રિયમ પર તેંડુલકરની શૈલીનો ખુબ જ પ્રભાવ જોઈ શકાય છે. જુનિયર લેવલના ક્રિકેટમાં સંઘર્ષ કરનારા પ્રિયમે છેલ્લા એક વર્ષમાં ઘરઆંગણાના ક્રિકેટમાં પણ નોંધપાત્ર દેખાવ કરતાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અને આજ કારણે તેને દેશની યુવા ટીમને નેતૃત્વ પુરુ પાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. 

અંડર-૧૯ વર્લ્ડ કપમાં ભારતે ચાર વખત વિશ્વવિજય મેળવ્યો છે. વર્ષ ૨૦૦૦માં મોહમ્મદ કૈફ, ૨૦૦૮માં વિરાટ કોહલી, ૨૦૧૨માં ઉન્મુક્ત ચંદ અને ૨૦૧૮માં પૃથ્વી શોની કેપ્ટન્સીમાં ભારત યુથ ક્રિકેટમાં વિશ્વવિજેતા બની ચૂક્યું છે અને હવે આ દિગ્ગજોની હરોળમાં સ્થાન મેળવવા માટે પ્રિયમ પણ તૈયાર છે.

રણજી ટ્રોફીની પ્રથમ સિઝનમાં જ પ્રિયમે એક બેવડી સદી સહીત ૮૦૦થી વધુ રન ફટકાર્યા છે. દેશમાં ટોચની ટીમો વચ્ચે રમાતી વન ડે ક્રિકેટ મેચો કે જે લિસ્ટ-એ તરીકે ઓળખાય છે, તેમાં પ્રિયમે કમાલ કરી છે. અત્યાર સુધી ૧૯ લિસ્ટ-એ મેચો રમી ચૂકેલા પ્રિયમે ૪૭.૧૩ની સરેરાશથી બે સદી અને ચાર અડધી સદી સાથે ૭૦૭ રન ફટકાર્યા છે અને તેનો સ્ટ્રાઈકરેટ ૯૦.૮૭નો રહ્યો છે. આ જ કારણે પ્રિયમ ભવિષ્યમાં ભારતીય ટીમનો આધારભૂત મીડલ ઓર્ડર બેટ્સમેન બનવાની ક્ષમતા દર્શાવી ચૂક્યો છે.

મેરઠથી ૨૦ કિલોમીટર દૂર આવેલા કિલા પરિક્ષિતગઢની સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. આ શહેરમાં રહેતા નરેશ ગર્ગ અને કુસુમ દેવીના પરિવારમાં બીજા પુત્ર તરીકે પ્રિયમનું આગમન થયું. મધ્યમ વર્ગીય ગર્ગ પરિવાર ભારે સંઘર્ષ કરીને ગુજરાન ચલાવતો. સમય વહેતો ગયો અને પરિવારનો વિસ્તાર વધતો ગયો. પાંચ બાળકોના પરિવારનું ભરણ-પોષણ કરવું નરેશ અને કુસુમને માટે મુશ્કેલ બનવા માંડયું. મર્યાદિત આવકમાંથી ઘર ચલાવવા માટે ઘણી વખત સંઘર્ષ કરવો પડતો.

જોકે બાળકો તમામ ચિંતા અને પરેશાનીઓથી મુક્ત હોય છે. તેઓ ગમે તેવી પરિસ્થિતિમાં પણ હસવા-રમવાનું ખમીર ધરાવતા હોય છે અને આ જ બેફિકર બાળપણને મનુષ્ય જીવનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિનો એક ભાગ બની ગયેલા ક્રિકેટ તરફ શિવમ અને નાના ભાઈ પ્રિયમનું આકર્ષણ સહજ હતુ. કિલા પરિક્ષિતનગરમાં બાળકોની સાથે રબરના બોલથી ક્રિકેટ રમતો નાનકડો પ્રિયમ ઘણી વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની સ્ટાઈલમાં રમતો. તેણે બોલિંગમાં પણ રસ લેવા માંડયો હતો. 

સ્થાનિક લેવલે ક્રિકેટનું કોચિંગ લીધા બાદ પ્રિયમની આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રતિભાની પાંખોમાં સળવળાટ જોઈ શકાતો હતો. પ્રિયમની ક્રિકેટર તરીકેની પ્રતિભાને નિખાર આપવા માટે પિતા નરેશે તેના એક મિત્રના કહેવા પર તેને મેરઠના વિક્ટોરિયા ગાર્ડન ખાતે કોચિંગ કેમ્પમાં મુકવાનો નિર્ણય લીધો. ભારતીય ક્રિકેટમાં મેરઠના વિક્ટોરિયા ગાર્ડનનું વિશેષ મહત્વ છે. આ જ મેદાને પ્રવિણ કુમાર અને ભુવનેશ્વર કુમાર જેવા ફાસ્ટરો આપ્યા છે અને તે જ મેદાન પર અશ્વિની શર્મા અને સંજય રસ્તોગી જેવા અનુભવી કોચિસના માર્ગદર્શનમાં પ્રિયમનું ક્રિકેટનું પ્રશિક્ષણ શરુ થયુ.

પ્રિયમ માંડ માંડ ૧૧ વર્ષનો હતો, ત્યારે કુદરતે તેના માથા પરથી માતાનું છત્ર છીનવી લીધું. પાંચેય બાળકો પર જાણે વજ્રાઘાત થયો. નરેશ પોતે પણ અંદરથી ભાંગી પડયા હતા, પણ બાળકોની સામે જોઈ તેમના આંસૂને છુપાવી લીધા. ઘરમાં છવાયેલા ગમગીનીના વાતાવરણને દૂર કરવા માટે નરેશ ગર્ગ પ્રયાસ કરતાં રહેતા. પ્રિયમે હવે તેનું તમામ ધ્યાન ક્રિકેટ પર કેન્દ્રિત કર્યું. અહીં જ કોચિસે તેને બેટ્સમેન તરીકેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી. 

પરિવારની આથક મુશ્કેલીઓ છતાં પ્રિયમની વિશિષ્ઠ પ્રતિભા જોઈને તેના કોચિસે આપેલી સલાહ તેના પિતા નરેશ નજર સામે રાખતાં. પ્રિયમના કોચિંગમાં મુશ્કેલ ન પડે એટલા માટે નરેશે દુધ વેચવાથી લઈને છાપા નાંખવાનું તેમજ સ્કૂલ વેન ચલાવવાનું અને ટ્રકમાં માલ ભરવા જેવી છુટક મજૂરી પણ કરી. પ્રિયમને અહેસાસ હતો કે, તેના પિતા તેની કારકિર્દી માટે લોહી-પાણી એક કરી રહ્યા છે. હવે પ્રિયમ સામે આગળ વધવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.

ઉત્તર પ્રદેશના જુનિયર ક્રિકેટમાં એક બેટ્સમેન તરીકે કાઠુ કાઢનારા પ્રિયમે રાષ્ટ્રીય સ્તરના દિગ્ગજોનું પણ ધ્યાન ખેંચ્યું હતુ. જેમ જેમ તે ક્રિકેટમાં આગળ વધવા માંડયો તેમ તેમ તેને નવું શીખવા જાણવાની ભૂખ વધવા માંડી. ઉત્તર પ્રદેશના ટી-૨૦ સુપરસ્ટાર સુરેશ રૈનાથી લઈને ચેતેશ્વર પુજારા સુધીના ક્રિકેટરોની શૈલી અને તેમના સ્ટ્રોક્સ તેમજ તેમની માનસિકતાનો અભ્યાસ પ્રિયમે ખુબ જ સારી રીતે કર્યો છે અને આ જ કારણે તેની બેટીંગમાં વધુને વધુ નિખાર આવતો રહ્યો છે.

બે વર્ષ અગાઉ જ્યારે અંડર-૧૯ વર્લ્ડ કપ માટેની ટીમની પસંદગી થવાની હતી, ત્યારે માત્ર ૧૭ વર્ષની ઉંમર ધરાવતા પ્રિયમને પણ ટીમમાં સ્થાન મેળવવાનો દાવેદાર માનવામાં આવતો હતો. જોકે, કોચ દ્રવિડ અને પસંદગીકારોએ યુવા પ્રિયમની પ્રતિભાને વધુ પરિપક્વ થવાનો સમય આપવાનું નક્કી કર્યું. પ્રિયમ માટે આ નિર્ણયને સ્વીકારવો અત્યંત મુશ્કેલ હતો, પણ તેણે તેને સ્વીકારી લીધો. ઘણી વખત સખત મહેનત કરવા છતાં પણ તક માટે ઈંતજાર કરવો પડે છે. પ્રિયમનો આ ઈંતજારનો સમય પણ હવે પૂરો થઈ ગયો છે.

સાઉથ આફ્રિકામાં વિશ્વના ટોચના દેશોના ૧૯ વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ ક્રિકેટના મેગા મુકાબલામાં ટકરાશે, ત્યારે પ્રિયમ ભારતીય ટીમનુ સુકાન સંભાળશે. ભારત પર વિશ્વ વિજેતાનો તાજ જાળવવાનું દબાણ છે. આમ છતાં પ્રિયમ અને તેની ટીમ ભારતને ફરી વખત અંડર-૧૯ વર્લ્ડ કપમાં વિશ્વવિજેતા બનાવવા માટે તૈયાર છે.

Tags :