Get The App

શકરાભાઈનો શિયાળો .

હું, શાણી અને શકરાભાઈ - પ્રિયદર્શી

Updated: Nov 9th, 2019

GS TEAM

Google News
Google News
શકરાભાઈનો શિયાળો                                   . 1 - image


કાચી જેલમાં પુરાયેલા, વગર ગુનાએ સજા પામેલા કેદીઓ કહેવા લાગ્યા : 'હવે અમને બહાર કાઢો. અમે અકળાઈ રહ્યાં છીએ.'

શિયાળો શરૂ થઈ ચૂક્યો હતો. કબાટની કાચી જેલમાં ગરમ કપડાં જેલમાં સજા કાટતા હતાં.

શાણીબહેનને એમનો મૂગો અવાજ સંભળાયો. એ પહેલાં પણ શકરાભાઈનો શિયાળો શરૂ થઈ ચૂક્યો હતો. શિયાળાનો શરૂ શરૂનો આછો પવન પણ એમના નાજુક શરીરને સ્પર્શે ત્યાં જ એમને ઠંડીનો અનુભવ થવા માંડે.

એમણે જ કબાટમાં કેદ થયેલાં ગરમ કપડાંને બહાર કાઢવા દરખાસ્ત કરી હતી. શાણીબહેન સહેજ મલક્યાં ય ખરા કે 'એમને' ટાઢ ચડવી શરૂ થઈ ગઈ! ચાવીઓના ઝૂડાનો ઈજારો શાણીબહેનનો હતો. અલબત્ત ઘરની જાણીતી થઈ ગયેલી મંજરી વહુને પણ ચાવી વાપરવાનો અધિકાર ખરો.

શાણીબહેનને ઝૂમખામાંથી ગરમ કપડાં રાખવાના કબાટ માટેની સ્પેશિયલ ચાવી કાઢી. શકરાભાઈ કૂતુહલથી કયાં કયાં ગરમ કપડાં એમને માટે નીકળે છે તે જોવા શાણીબહેનની બાજુમાં ઊભા રહ્યા.

શાણીબહેને ચાવી લગાવી કબાટનું બારણુ સહેજ ખોલ્યું ત્યાં તો કેદમાં અકળાઈ રહેલાં ઠંડી સામે ઝઝૂમનારાં યોધ્ધાઓમાંથી એકાએક મૂછાળો વંદો બહાર કૂદી પડયો અને શકરાભાઈના શર્ટના કોલર પર ગળાને સ્પર્શી રહ્યો. એની 'ગલીપચી'થી શકરાભાઈ એકદમ ભડક્યા. એમની આખી જિંદગીમાં કોઈએ એમના ગળાને ગલીપચી કરી નહોતી. એ બે પગે ઊછળ્યા અને પડતા પડતા રહી ગયા.

શાણીબહેન ચિડાઈ ગયાં: 'આમ, શું ઠેકડા માર્યા કરો છો?'

'અરે પણ, અરે પણ...' પણ એ દરમ્યાન વંદા મહાશયે શર્ટના કોલરમાંથી શર્ટના ઉપરના ખુલ્લા બટનમાંથી પ્રગતિ કરવા માંડી.

શકરાભાઈ હાંફળા ફાંફળાં શરીરને કસરત કરાવતા હોય તેમ ધમપછાડા કરવા માંડયા. શાણીબહેન એમના 'સાહેબ'ની ભારી મુસીબતના ખ્યાલ વિના ચિલ્લાવા માંડયા.

શકરાભાઈએ છાતી પરનું બટન ખોલવા પ્રયત્ન કર્યો પણ શિયાળામાં શર્ટનું બટન પણ જક્કી થઈ ગયું હોય અથવા શકરાભાઈની આંગળીઓને ટાઢ વળગી હોય તેમ બટન ન ખૂલતાં એમણે જોરથી બટનને તોડી પાડયું.

વંદો આગળ વધવાની જગ્યા ના મળવાથી એમના શર્ટમાંથી નીચે કૂદી પડયો. હજી શિયાળો એની છટા દર્શાવે, ત્યાં જ શકરાભાઈના ઘરમાં બબાલ થઈ ગઈ.

એ જ વખતે પ્રોફેસર પ્યારેલાલ, શિયાળાની સવારે જરા 'ફ્રેશ' થઈને... જરા પગ છૂટો કરી આવીને પાછા વળતાં શકરાભાઈને મળવાની ઈચ્છાથી એમના ઘરમાં પ્રવેશ્યા તે ય આ બધી જફા જોઈ જરા ડઘાઈ ગયા, હસી પડયા. મજાકમાં પૂછ્યું : 'શાણીબહેન' ગરમ કપડાંનું બજાર માંડયું છે કે શું? ગરમ કપડાંનો આ ઢગલો, વેરાઇટી...!

શાણીબહેને બળાપો કાઢ્યો : 'આ તમારા ભાઈબંધને શિયાળો સહુથી પહેલા આભડી જાય છે. હજી તો ઠંડો પવન ફૂંકાયો નથી ને એમને ગરમ કપડાંની ઉતાવળ.'

પ્રોફેસર પ્યારેલાલ ગરમ કપડાંનો ગંજ જોતાં મંદમંદ હાસ્ય રેલાવી રહ્યા હતા.

ગરમ કપડાંમાં પાંચથી છ જુદી જુદી કક્ષાનાં લંબાઈનાં મફલર, શિયાળામાં માથાના રક્ષક માટે ગરમ અને જાડી કેપ, ત્રણ જોડી સ્વેટર; શાણી બહેનનાંય કપડાંની વખાર!

પ્રોફેસર પ્યારેલાલ મજાકના મૂડમાં હતા. શકરાભાઈ સામે જોઈ હસતા હસતા કહે : 'આપણા રાજકીય નેતાઓ એમની જીવરક્ષા માટે અંગરક્ષકો રાખે છે... અલબત્ત સરકારને પૈસે. તમે તો એમનાથી ય ચડયા. કેટકેટલા અંગરક્ષકો!'

પછી હસતાં હસતાં કહે : 'શકરાભાઈ! ભગવાને ય શરીરને, કેટકેટલાં અંગો આપીને પરેશાન કરી કીધું છે. રોગ તો ઠીક પણ તમને શિયાળાનો પવન નાકમાંથી, કાનમાંથી કે ગમે ત્યાંથી ઘૂસી જાય. શું કરશો? માથે મોઢે શાલ ઓઢીને બેસી રહેશો શકરાભાઈ! ઠંડીથી જેટલા બ્હીશો એટલી ઠંડી વળગશે. એના કરતાં સવાર સવારમાં ખુલ્લી હવામાં થોડુંક ફરી આવો, ચાલી આવો તો ઠંડી હવા પણ ધીરે ધીરે તમને અનુકૂળ થઈ રહેશે. તમને એના સ્પર્શની પણ લહેજત આવશે. ઠંડી સામે ઝૂકવા કરતાં ઝૂઝવાની નેમ રાખો.'

શકરાભાઈ મૂગા મૂગા સાંભળી રહ્યા. શાણીબહેને તરત કહ્યું : 'સવારના સાડા સાત વાગી જાય છતાં ગોદડામાંથી મોં બહાર કાઢતા નથી તે સવારે ઠંડીમાં ફરવા જશે?'

શકરાભાઈ નરમ થઈ ગયા: 'પ્રોફેસર! વાત સાચી છે. હું ઠંડીથી કે ગરમીથી સહેજે અકળાઈ જઉં છું.'

એટલામાં મંજરી અને મુન્નો બહાર ફરીને આવ્યા. પ્રોફેસર પ્યારેલાલે ટીખળ કર્યું : 'સવાર સવારે બંને સાથે આમ ચાલવા-ફરવા નીકળે...  તો...

મુન્નો કહે : 'એને લીધે મારે બહુ મોડું થઈ જાય છે. મને એકલા જવાની મઝા આવે છે. ઝડપથી ચાલી શકાય, મિત્રો મળે...'

મંજરી કટાક્ષમાં કહે : 'હું સમજી ગઈ.' પ્રોફેસર પ્યારેલાલને ફરિયાદ કરતા કહે : 'એને એકલા એકલા સખીઓ સાથે સત્સંગ કરવાની દાનત હોય છે. આ જમાનામાં પુરુષને રેઢા મૂકવા જેવો નથી.'

પ્રોફેસર પ્યારેલાલ મુન્ના સામે જોઈ હસી પડયા.

Tags :