સર્જિકલ સ્ટ્રાઇક - કર્નલ આનંદ
કોણ વધુ ખતરનાક, આતંકવાદી, તકવાદી કે મતવાદી ?
- ઘનશ્યામ એમ. આચાર્ય (ભડલી, તા. જસદણ)
- આજકાલ તો મતવાદી સૌને ટપી ગયા છે !
દરેક નોકરીયાત અચાનક પ્રમાણિક બની જાય તો ?
- રસિક પઢિયાર (લાઠી સીટી)
- યાર ! આવું તો સ્વપ્નનું પણ નથી આવતું !
દિલ અપના ઔર પ્રિત પરાઈ કેમ ?
- બી.આર. શેખ (ખંભાત)
- આપણી જાતને બદલે બીજી વ્યક્તિ સાથે પ્રીત થઈ જાય તો એ પરાઈ જ ગણાય ને ? જાત સાથે પ્રીત કોણ કરે છે ?
આજનાં બાળકો તોફાની અને જિદ્દી કેમ છે ? પોતાનું ધાર્યું જ કેમ કરે છે ?
- ડી.કે. માંડવીયા (પોરબંદર)
- તમારા માતા-પિતાનો પણ તમારા વિશે આવો જ અભિપ્રાય હતો ?
રૂશ્વતખોરી અને એકબીજાના ગળા કાપવામાં જવાબદાર કોણ ?
- મીતલ શિંઘાનિયા (જામનગર)
- આપણે બધા જ !
સતયુગ ક્યારે આવશે ?
- સુમન વડુકૂળ (રાજકોટ)
- સતયુગ તો આવીને ગયો ને એની પાસેથી જ ટયુશન લઈને કળિયુગ આવ્યો છે !
ગુરૂ શિષ્યના સંબંધો તનાવયુક્ત કેમ છે ?
- કૃષ્ણકાંત સોનેજી (ધોરાજી)
- એકને ભણાવવું છે, બીજાને ભણવું નથી !
લોકસભા-વિધાનસભામાં મહિલા અનામતનું સૂરસૂરિયું થઈ ગયું કે શું ?
- ધવલ સોની (ગોધરા)
- તમારું ધ્યાન બીજે દોરવા સરકાર આટઆટલા વિવાદાસ્પદ અટકચાળા કરે છે તો પણ તમે હજી મહિલા અનામતનું ભૂલ્યા નથી ?
પતિ પાછળ પત્ની સતિ થઈ છે પણ પત્ની પાછળ કોઈ પતિ સતો થયો ખરો ?
- મણિબેન પટેલ (ઊંટડી, જિ. વલસાડ)
- પત્નીના કહ્યામાં રહે તે પતિ સતો જ ગણાય.
જે મા-બાપ જન્મે ત્યાંથી કમાતા ધમાતા થાય ત્યાં સુધી દીકરાઓને સાચવે છે, એ જ દીકરા મા-બાપને વૃદ્ધાશ્રમમાં કેમ મૂકી આવે છે ?
- ડાહ્યાભાઈ એલ. પટેલ (વડસાંગળ-ગણદેવી)
- જે દીકરો મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકે છે એ દીકરો ખરેખર તો વૃદ્ધાશ્રમમાં એના પોતાને માટે એડવાન્સ બુકીંગ કરાવતો હોય છે.
જીવનમાં નાનકડો ફોલ્ટ ઘણીવાર મોટા ડિફોલ્ટનું કારણ કેમ બને છે ?
- નૈષધ દેરાશ્રી (જામનગર)
- નાના ફોલ્ટની અવગણનાને કારણે.
આપ કયા દેશની કઈ રેજીમેન્ટમાં હતા અને આપને કર્નલની ડિગ્રી ક્યારે મળી ?
- એચ.કે. ત્રિવેદી (ભાવનગર)
- કર્નલ મારી વારસાગત ડિગ્રી છે !
ગેસની સબસિડી જતી કરવાની મોદીની અપીલથી જનતાએ સબસિડી જતી કરી. હવે ધારાસભા અને લોકસભાનાં કરોડપતિ સભ્યોને પેન્શન વિગેરે પોતાના સાલિયાણા બંધ કરવાની અપીલ ક્યારે કરશે ?
- આઈ.કે. ત્રિવેદી
(વલ્લભ વિદ્યાનગર)
- શું કામ બીચારા લોકસેવકોનાં પેટ પર લાત મારો છો ?
મહાબલીપુરમમાં નરેન્દ્ર મોદીએ કાળી કિનારવાળી સફેદ લૂંગી અને સફેદ શર્ટ પહેર્યા તેનું રહસ્ય શું ?
- વિભાકર જયન્તીલાલ પંડયા (રાજકોટ)
- એમ કરીને મોદી પોતાની જાતને છેતરતા હોય તો મહાબલીપુરમનાં લોકોને શું વાંધો હોઈ શકે ? ને તમને ય શું વાંધો હોઈ શકે ?
દારૂ અથવા ખૂનના આરોપીના ચહેરા પર કાળુ કપડું નાખી ચહેરો ઢાંકી દેવામાં કેમ આવે છે ?
- ખુશબૂ માલવ મારૂ (રાજકોટ)
- ગુનેગારની ય આબરૂ તો જાળવવી પડે ને ? પોલીસને ય વિવેક જેવું તો હોય ને ?
આ વિભાગમાં ડૉકટરો અને એડવોકેટ જેવી વ્યસ્ત વ્યક્તિઓ સવાલ પૂછે છે. શું તેઓને પ્રશ્ન પૂછવાનો કે વાંચવાનો સમય મળતો હશે ?
- મીના નાણાંવટી (રાજકોટ)
- હવે તમે જોજોને, મિનિસ્ટરો અને સચિવાલયના અધિકારીઓ પણ પ્રશ્ન પૂછતા થઈ જાશે.
રાહુલ ગાંધીના જન્માક્ષરમાં શું લગ્ન યોગ નથી ? કે પછી ગાંધી બાપુએ કોંગ્રેસને વિખેરી નાંખવાની વાતનું પાલન કરે છે? કોંગ્રેસ એમના પૂરતી સીમિત રહેશે ?
- સ્નેહલ બી. શાહ (અમદાવાદ)
- કોઈના વિના દુનિયાનું કોઈ કામ અટક્યું છે ખરું ? કોંગ્રેસનું પણ નહિ અટકે !
- વાહન ચલાવવામાં દંડની જોગવાઈ છે તો રોડ સારા કેમ બનાવતા નથી. દંડ અને ટેક્ષ ઉઘરાવવામાં જ સત્તાવાળાઓને રસ છે ?
- મુકુન્દરાય ડી. જસાણી
(બાબરા. સૌ)
- આ બધું તો તમે જાણો છો, પછી અમને શું કામ વચ્ચે નાખો છો ?
- અફીણ, ગાંજો, ચરસ જેવા નશીલા પદાર્થો વધુ વેચાય છે એનું કારણ શું ? શું ગુજરાતમાં પાબંદી નથી ?
- પ્રકાશ વડેરા (બગસરા)
- નશીલા પદાર્થો પર પાબંદી છે. હપ્તા ઉઘરાવવા પર પાબંદી નથી. હપ્તાની રકમ નીચેથી છેક ઉપર સુધી પહોંચે છે !
- કારણ વગર કોઈ પુરુષ રસોઈ કરે તો એ કુકર્મ ન કહેવાય ?
- હરિભાઈ એ. બકરાણિયા (જામનગર)
- કારણસર કુકર્મ કરે એને શું કહેવાય ?
- ફેબુ્રઆરીમાં અઠ્ઠાવીસ દિવસ જ કેમ હોય છે ?
- દિલીપ આર. વોરા (અમદાવાદ)
- આખા વર્ષના કેલેન્ડરનું સંતુલન જાળવવા એમ કરવું પડે છે. બધા કેલેન્ડરમાં ત્રીસ દિવસનો મહિનો હોય છે, ઈસ્વીસનમાં એકત્રીસ દિવસનો પણ મહિનો હોય છે. વિક્રમ સંવતમાં ક્યારેક બે અગિયારસ અને ક્યારેક કોઈ તિથિ ઉડાવી દેવામાં આવે છે.
- આપણું રેવન્યુ ખાતું નોન કરેપ્ટર હોત તો આપણા બાળકો સોનાના ઘૂઘરે રમતા હોત ને સ્ત્રીઓ સોનાનાં સાંકળા પહેરતી હોત.
- ડૉ. વી.પી. કાચા (અમદાવાદ)
- રેવન્યુ તંત્ર તો પહેલેથી જાણતું હતું કે સોનાનો આવો દુરુપયોગ કરવાની તમારી દાનત છે ? જાવ નહિ મળે સોનાના ઘૂઘરા અને સોનાના સાંકળા !
- માનવી રૂપિયા બચાવવા માટે જીવન કેમ વેડફી નાખે છે
- હારૂન ખત્રી (જામખંભાળિયા)
- કારણ કે એ જીવનનો અર્થ સમજતા નથી. એમને જીવતાં આવડતું નથી. પૈસા ખતમ થઈ જશે તો કાલે કમાઈ લેવાશે. જીવન ખોવાઈ જતાં પાછું મળતું નથી !
- ગાયને દોહીને કૂતરાને પીવડાવવું એટલે શું?
- રક્ષિત વોરા- 'ક્ષિતિજ' (ગાંધીનગર)
- પ્રજા પાસે ટેક્સ લઈને સાંસદોને પેન્શન આપવું !
સર્જિકલ સ્ટ્રાઇક
વાચકો (માત્ર) સાદા પોસ્ટકાર્ડ પર સવાલ મોકલાવી શકશે. એમાં પોતાનું નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનો રહેશે.
સવાલ પૂછવા માટેનું સરનામું
'સર્જિકલ સ્ટ્રાઇક વિભાગ', ગુજરાત સમાચાર, ખાનપુર, અમદાવાદ- ૩૮૦૦૦૧.