Magazines

પિતાની પીઠના ઉઝરડા કોઈ જોતું નથી

By GS TEAM
20 Jun 20266 mins read
પિતાની પીઠના ઉઝરડા કોઈ જોતું નથી

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- 'આપણા સમાજની તકલીફ જ એ છે કે, સંતાન માટે સ્ત્રીના પેટ ઉપર નવ મહિનામાં પડેલી કરચલીઓની ચિંતા બધાને થાય છે પણ એ જ સંતાન માટે બાપની પીઠ ઉપર આખી જિંદગી ઉઝરડા પડે તેને કોઈ જોવા નથી જતું...'

'સ ર, પ્લીઝ મને થોડું ઘણું કામ વધારાનું આપી દો, મારે ખરેખર પૈસાની અત્યારે બહુ જ જરૂર છે. દીકરીની ફી ભરવાની છે અને ચોમાસું માથે છે, ઘરમાં પણ થોડુંઘણું રિપેરિંગ કરાવવાનું છે.'- દુર્ગેશ કાકાએ ફિલ્મના સેટ ઉપર બેઠેલા આસિસ્ટન્ટ ડાયરેક્ટર આશિષને કહ્યું.

'કાકા, પ્લીઝ મને શરમમાં ન મુકશો. તમે થોડીવાર રાહ જુઓ, ડાયરેક્ટર આવે એટલે હું વાત કરીને કહીશ.' - આશિષે પોતાની અકળામણને કાબુ કરતા કહ્યું. 

'ભલે, હું રાહ જોઉં છું. સામે વેનિટીવાન પાસે બેઠો છું. કદાચ સેટ ઉપર ન દેખાઉં તો પ્લીઝ કોઈને ત્યાં મોકલજો.'- દુર્ગેશ કાકા હાથ જોડીને એટલું બોલ્યા અને જતા રહ્યા.

લગભગ કલાક પસાર થઈ ગયો અને ફિલ્મના નવા સીનનું બધું જ સેટઅપ થઈ ગયું. ફિલ્મનો હીરો જય ઠક્કર વેનિટીની બહાર આવ્યો અને બાજુમાં જ બનાવેલા ટેન્ટમાં અંદર ઘુસ્યો.

'જય ભાઈ સીન નાનકડો જ છે. તમારી કંપનીના એક ઘરડા એમ્પ્લોયી સાથે તમારી રકઝક થાય છે. તમે તેને થપ્પડ મારી દો છો અને પછી ગેટ આઉટ એવો ડાયલોગ બોલો છો. તમે તરત જ પાછળ ફરી જાઓ છો અને ઘરની સીડીઓ ચડવા લાગો છો.' - આશિષે જયને સીન સમજાવતા કહ્યું.

'સર, એક પ્રોબ્લેમ થયો છે, આપણી સાથે જે નટુ કાકા કામ કરતા હતા તેમને એક્સિડન્ટ થયો છે. આજે સવારે સેટ ઉપર આવતા હતા ત્યારે તેમની કાર ભટકાઈ છે... આંખ ઉપર થોડું વાગ્યું છે. તેઓ પંદર દિવસ નહીં આવે. આપણે તેમનો બોડી ડબલ લેવો પડશે.' - કાસ્ટિંગ ટીમના એક મેમ્બરે અચાનક જ અંદર આવીને કહ્યું. આશિષના ચહેરા ઉપર ચિંતા ઉપસી આવી.

'આશિષ કોઈ પ્રોબ્લેમ છે? કેમ ચિંતામાં દેખાય છે? જય રાત્રે ઉંઘ્યો નથી કે શું, તું પણ થાકેલો દેખાય છે?' - ત્યાં જ ટેન્ટમાં અંદર આવતાની સાથે જ ડાયરેક્ટર વિનોદ ભાનુશાળીએ કહ્યું.

'સર કશું જ નથી થયું. આપણા નટુ કાકાને એક્સિડન્ટ થયો છે. આજે તેમનો સીન છે. આજના ટોટલ ચાર સીન છે અને બધા એમના જ છે. સેટઅપ રેડી છે અને હવે મેસેજ આવ્યા કે તે પંદર દિવસ નહીં આવે. સમજાતું નથી શું કરવું?' - આશિષે ચિંતાજનક સ્વરે કહ્યું.

'એ ડોશાના વોર્નિંગ આપી દો કે, વધારે વાગ્યું ન હોય તો સેટ ઉપર આવી જાય નહીંતર એના બદલે બીજા કોઈને કાસ્ટ કરી લો.' - વિનોદ ભાનુસાળીએ બેફિકરાઈથી કહ્યું.

'સર, નટુ કાકા આપણા પ્રકાશભાઈના નજીકના સગા છે. તેઓ છેલ્લાં ચાળીસ વર્ષથી પ્રકાશભાઈના પરિવાર સાથે જોડાયેલા છે. તમે સહેજ વિચાર તો કરો, આપણે કેવી રીતે ના પાડી દેવાય.' - આશિષે ધીમે રહીને વિનોદભાઈના કાન પાસે જઈને વાત કરી.

'કેમ ભાઈ શેનો ગણગણાટ ચાલે છે? આજનું શિડયુલ મોડું છે કે પછી આજે આરામ છે?' - પ્રકાશ શ્રોફે ટેન્ટમાં એન્ટ્રી મારતા કહ્યું અને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

'સર તમે? અચાનક, સેટ ઉપર?' - વિનોદ ભાનુશાળી બોલ્યા.

'હા, હમણાં ત્રણ દિવસ અમદાવાદ જ છું. મારી ઈચ્છા છે કે, દરરોજ એકાદ ચક્કર મારું.' - પ્રકાશ શ્રોફે જવાબ આપ્યો અને હસી પડયા. બધાના ચહેરા મલકાઈ ઉઠયા.

'સર એક્ચ્યુલી અમે વાત કરતા હતા કે, નટુ કાકાને એક્સિડન્ટ થયો છે. તેમની આંખ ઉપર વાગ્યું છે. પંદર દિવસનો આરામ કરવો પડે તેમ છે. અમે તેમની જગ્યાએ કોને લેવા તેની ચર્ચા કરતા હતા.'  - વિનોદ ભાનુશાળી બોલ્યા.

'નટુ કાકા જેવું કોઈનું ફિગર હોય તેમને લઈ લો. સેટ ઉપર કોઈ મળી જશે. બાકીનું એડિટિંગ કરી લેજો. હા, પેલા દુર્ગેશ કાકાને બોલાવી લો. તેમણે આપણી ઘણી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું છે. બે વખત તો મેં તેમને નટુ કાકાની જગ્યાએ બોડી ડબલમાં લીધા છે.' - પ્રકાશ શ્રોફના મિત્ર દિવ્યેશે કહ્યું.

'વાહ દિવ્યેશ, તું હોશિયાર થતો જાય છે. તને કાસ્ટિંગમાં ખબર પડવા લાગી છે, - પ્રકાશ શ્રોફે ખુશ થતાં કહ્યું.

'સર, દુર્ગેશ કાકા સેટ ઉપર જ છે. સવારે જ મારી પાસે એક્સ્ટ્રા કામ માગવા આવ્યા હતા. બોલાવી લઉં? ' - આશિષે કહ્યું.

'ના, રાષ્ટ્રપતિને પત્ર લખીને મંજૂરી માગી જો.' - વિનોદ ભાનુશાળીએ કહ્યું અને બધા હસી પડયા. આશિષે ઈશારો કર્યો અને કાસ્ટિંગ સ્ટાફ બહાર દોડયો.

'જુઓ કાકા, હીરો તમને થપ્પડ મારશે અને પછી ડાયલોગ બોલશે. આ પહેલો સીન છે. ત્યારબાદ કલાક પછી બીજો સીન આવશે જેમાં તમારે હીરોના પગ પકડવાના છે અને તે તમને લાત મારશે. તારે તેની માફી માગતા રહેવાનું છે... તેમાં ડાયલોગની જરૂર નથી. તમને ઈચ્છા થાય તે રીતે કરગરીને માફી માગજો.' - આશિષે તેમને સીન સમજાવ્યો.

'ભલે. સર, દસ જ મિનિટ આપો હું તૈયાર થઈ જઈશ. તમારો ખુબ ખુબ આભાર. ઈશ્વર તમને કાયમ સુખી રાખે.' - દુર્ગેશ કાકાએ આશિષનો આભાર માન્યો અને મેકઅપ ટીમ તરફ દોડયા.

'એક્શન...' - આશિષ બોલ્યો અને જયે પેલા દુર્ગેશ કાકાને લાફો મારી દીધો. તેણે સાચે જ લાફો મારી દીધો. કાકા ચક્કર ખાઈને પડયા.

'કટ. જય ભાઈ, તમારે માત્ર એક્શન કરવાની હતી. તમે સાચે જ લાફો મારી દીધો.' - આશિષ બોલ્યો.

'રિયાલિસ્ટિક લાગે એટલે...' - જયે બેફિકરાઈથી કહ્યું.

'સર વાંધો નહીં. જય ભાઈ તમ તમારે મારો.' - દુર્ગેશ કાકે ઊભા થતા કહ્યું.

આશિષે ફરી એક્શન કહ્યું અને જયે ફરી લાફો માર્યો... એક.. બે... ત્રણ... ચાર રીટેક થયા. પાંચમા ટેકમાં સીન પરફેક્ટ થયો.

'ચાલો હવે બ્રેક... બાકીનો સીન સેટઅપ કરું પછી બધાને બોલાવજો. જય ભાઈ થોડીવાર વેનિટીમાં જાઓ.'  - આશિષે કહ્યું અને બધા વિખરાઈ ગયા. દુર્ગેશ કાકા વેનિટીની પાસે આવેલા ટેન્ટ પાસે જઈને બેઠા.

'કાકા, આ ઉંમરે તમને વાગતું નથી. જયે ખરેખર તમને લાફા મારી દીધા અને એ પણ પાંચ...' - મેકઅપમેન રાજુએ કાકાના ચહેરા ઉપર ઠંડો નેપકિન ફેરવતા કહ્યું.

'બેટા, વાગે તો છે પણ પેટની પીડા આગળ શરીરની પીડા ખાસ અસર કરતી નથી. તને ખબર છે, ચાર રીટેક થયા તેમાંથી ત્રણ જ જય ભાઈએ કર્યા હતા. ચોથો તેમણે મારી રિક્વેસ્ટના કારણે લીધો હતો. કુલ પાંચ રીટેક થયા.' 

'તને ખબર તો છે કે, એક્સ્ટ્રાને દરેક સીન અને દરેક ટેકના એક હજાર મળે છે. મારા આજના પહેલા સીનના જ પાંચ હજાર પાક્કા થઈ ગયા. આજે કુલ ચાર સીન છે. દરેકના પાંચ-પાંચ ટેક થશે તો આજે ૨૦,૦૦૦ મળી જશે.' - દુર્ગેશ કાકા બોલ્યા.

'કાકા, તમને એટલી કેટલી જરૂર છે કે, સાચો માર ખાવા તૈયાર થઈ ગયા. આ જય ગાંડો છે... પાંચ પૈસાની એક્ટિંગ આવડતી નથી અને રિયાલિસ્ટિક શોટ આપવા નીકળ્યો છે. એ તમને વગાડી દેશે.' - રાજુએ કહ્યું.

'રાજુ, કાલે મારી દીકરીની ફી ભરવાની છે. ઘરના છાપરા નવા કરાવવાના છે. મારે આજે રોકડી થઈ જશે તો બધું સચવાઈ જશે. 

મારે હજી આવી ચાર-પાંચ ફિલ્મોમાં વધારાનું કામ કરવું પડશે ત્યારે દીકરી કોલેજ કરી શકશે. અહીંયા મને જે વાગશે તે સમય આવ્યે રૂઝાઈ જશે. ચિંતા ના કરીશ.' - દુર્ગેશ કાકા બોલ્યા.

'સર તમે?' - રાજુ અચાનક જ ટેન્ટમાંથી બહાર આવેલા પ્રકાશ શ્રોફને જોઈને ચમક્યો. દુર્ગેશ કાકા પણ તેમની ખુરશીમાંથી ઊભા થઈ ગયા. 

પ્રકાશ શ્રોફ સીધા જ તેમની પાસે ગયા અને ભેટી પડયા.

'કાકા, તમે જે કરો છો તે અદ્વિતિય છે. આ દુનિયા આવી વાતોને ક્યારેય યાદ રાખવાની નથી. તમે સંતાનો માટે મરી પરવારોને તો પણ સમાજ એવું જ કહેશે કે એ તો બાપની ફરજ છે.' 

'આપણા સમાજની તકલીફ જ એ છે કે, સંતાન માટે સ્ત્રીના પેટ ઉપર નવ મહિનામાં પડેલી કરચલીઓની ચિંતા બધાને થાય છે પણ એ જ સંતાન માટે બાપની પીઠ ઉપર આખી જિંદગી ઉઝરડા પડે તેને કોઈ જોવા નથી જતું. યુગોથી આ દુનિયાને માત્ર માતાના પ્રેમ, તેની કરૂણા, તેના ત્યાગ અને તેના સમર્પણને જ ગ્લોરિફાય કર્યું છે. દુનિયાની આંખમાં પિતાની પીડા, તેના આંસુ, તેના ત્યાગ કે તેના સમર્પણનું કોઈ મૂલ્ય આવ્યું જ નથી.' 

'દિવ્યેશ, દુર્ગેશ કાકાને આજથી આપણી પ્રોડક્શન ટીમમાં લઈ લે. તેમને જે કામ ફાવે તે આપજે અને એક્ટિંગમાં પણ નાની-મોટી જગ્યામાં કામ આપજે. બીજી એક વાત કાકા, તમારી આજની ફી તો તમને મળશે જ પણ તમારી દીકરી હવે જ્યાં સુધી ભણી રહેશે ત્યાં સુધી તમામ ફી હું ચુકવીશ. એ મારા પિતાને મારી સાચી શ્રદ્ધાંજલી હશે.' - પ્રકાશ શ્રોફે કહ્યું અને આસપાસ ઊભેલા બધાની આંખો ભિંજાઈ ગઈ.