હમણાં હમણાં પાર્થ સમથાન સાવ અણગમતા સમાચારોને લીધે પબ્લિસિટીમાં છે. શર્ટલેસ ફોટો, કથિત ગર્લફ્રેન્ડ અને સહઅભિનેત્રી એરિકા ફર્નાન્ડિસ સાથે બ્રેક-અપ, તેની સાથે ગેરવર્તણુંક અને પછી પેચઅપ જેવા સમાચારો માટે જાણીતો બનેલો પાર્થ હમણાં જુદા જ કારણોસર ખુશ છે. અને આ કારણ છે તેની વર્તમાન ધારાવાહિક 'કસૌટી ઝિંદગી કી'માં આમના શરીફની એન્ટ્રી.
અત્રે ઉલ્લેખનીય છે કે અભિનેતા એક સમયની અત્યંત સફળ ધારાવાહિક 'કસૌટી ઝિંદગી'ને ઘણાં સમયથી નવેસરથી રજૂ કરવામાં આવી રહી છે. આ શોમાં અગાઉ પણ 'અનુરાગ બાસુ'નું પાત્ર અત્યંત મહત્વનું હતું. અને હમણાં પણ એટલું જ મહત્વનું છે. અભિનેતા આ શોમાં અનુરાગ બાસુનો મુખ્ય રોલ કરી રહ્યો છે. આરંભમાં આ ધારાવાહિકના મુખ્ય નેગેટિવ પાત્રમાં હીના ખાન હતી. પણ હવે તેના સ્થાને આમના શરી ફ આવી છે તેથી પાર્થ બહુ ખુશ છે.
તે કહે છે કે મને આમના તરફ ભારે લગાવ છે.તે કેટલી મીઠડી છે. મઝાની વાત એ છે કે તે આજે પણ એવી જ લાગે છે જેવી વર્ષો પહેલા લાગતી હતી. શોમાં તેનું આવવું મારા માટે સુખદ આશ્ચર્ય સમાન છે. તે વધુમાં કહે છે કે આમના જ્યારે સેટ પર પહેલી વખત આવી ત્યારે મે તેને કહ્યું હતું કે હું નાનો હતો ત્યારે તારી સિરિયલ 'કહીં તો હોગા' જોતો. અને ત્યારથી મને તારા પ્રત્યે માયા જાગી છે. મારી વાત સાંભળીને આમના ખડખડાટ હસી પડી હતી.
પાર્થ આ શોમાં આવેલા કરણ સિંહ ગ્રોવર વિશે પણ બહુ સારો મત ધરાવે છે. તે કહે છે કે તમે કરણ સાથે રહો તો તમને આપોઆપ પોઝિટિવ વાઇબ્રેશન્સ મળે. તેનું મન એકદમ બાળક જેવું છે. અમને સેટ પર એકમેક સાથે બહુ ફાવે છે. તે પોતાનું કામ બખૂબી કરી જાણે છે.
અભિનેતાએ પોતાના શર્ટ વિનાના ફોટા સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યાં હતાં એ બાબતે તે કહે છે કે લોકો તમને એક જ પ્રકારના લુકમાં જોઇ જોઇને કંટાળી જાય. આવી સ્થિતિમાં કાંઇક નવું કરવા મેં મારા શર્ટલેસ ફોટા સોશ્યલ મીડિયા પર મૂક્યા હતાં. વાસ્તવમાં મને નવા લુક અને નવા વસ્ત્રોવાળા ફોટા પોસ્ટ કરવાનું ગમે છે. અને મારા પ્રશંસકોને પણ તે પસંદ આવે છે. તેમના તરફથી મળતી પ્રશંસા મારી પ્રેરણા બની રહે છે.
અભિનેતા પોતાની અને એરિકાની બાબતે કહે છે કે અમે બહુ સારા મિત્રા હતાં અને આજે પણ છીએ. અમારી વચ્ચેના સંબંધોમાં કોઇ સમસ્યા નથી. અમે સાથે કામ કરીએ છીએ અને અમારી વચ્ચે બધું સમૂસુતરું છે. અલબત્ત, કામના સ્થળે બે કલાકારો વચ્ચે કામ બાબતે મતભેદ હોય એમાં કાંઇ નવું નથી.
વાસ્તવમાં મારા બધા સહકલાકારો મારા નવા ઘરે આવ્યાં હતાં. અને અમે બધાએ ભેગાં મળીને બહુ મઝા કરી હતી. મહત્વની વાત એ છે કે મારા અને એરિકા વિશે જે વાતો ચર્ચાય છે તેના વિશે હું પોતે જ અજાણ છું. તેથી મને તેની ચિંતા પણ નથી થતી.

