Magazines

પંકજ ત્રિપાઠી પોપ્યુલર નહિ, મેમરેબલ બનવાના પ્રયાસમાં

By GS Team
4 Jun 20264 mins read
પંકજ ત્રિપાઠી પોપ્યુલર નહિ, મેમરેબલ બનવાના પ્રયાસમાં

- 'મારા માટે સ્ટારડમ એટલે લોકોનો સ્નેહ, લાગણી અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ. તમે સ્ટાર ન બનો ત્યાં સુધી બ્રાન્ડસ તમારો સંપર્ક નથી કરતી. કોરપોરેટ કંપનીઓ પોતાની બ્રાન્ડસની એડસ માટે સારા એકટર્સ નહિ પણ સ્ટાર્સ પાસે જતી હોય છે.

બોલિવુડમાં કોઈ નવોદિત એક્ટરની એકાદ મૂવી હિટ કે સુપરહિટ થયા બાદ એણે ડઝનબંધ ફિલ્મો સાઈન કરી હોય એવા ઘણાં દાખલા છે. સફળતાની રોકડી કરી લેવાનું અહીં સામાન્ય ચલણ છે. ગોવિંદાએ એની કરિઅરની શરૂઆતમાં એકીસાથે ૭૦ ફિલ્મો સાઈન કરી લીધી હતી. બહુ જુજ એકટર્સ આવી આંધળી દોટમાં જોડાવાનું ટાળી પોતાની શરતે કામ કરે છે. પંકજ ત્રિપાઠીને તમે આવો વીરલો ગણાવી શકો. ૪૯ વરસના નેશનલ એવોર્ડ વિનર એક્ટરે પોતે જબરદસ્ત ડિમાંડમાં હોવા છતાં હાલ પોતાના પ્રોફેશનથી દૂર એકાંતમાં રહેવાનું પસંદ કર્યું છે. હમણાં એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યુમાં પંકજ સ્ટારડમ, કામ ઓછુ કરી નાખવાના અને એકાંતમાં રહેવાના પોતાના નિર્ણય વિશે ખુલાસાવાર વાત કરી છે.

સૌપ્રથમ પોતાના એકાંતવાસ વિશે વાત કરતા બિહારીબાબુ કહે છે, 'હું હજુ લાઈટ, કેમેરા, એક્શનથી દૂર જ છું. મારા માટે આ એક સારો બ્રેક છે. હું ફિલ્મમેકર્સ પાસેથી સ્ટોરીઝ સાંભળી રહ્યો છું અને મારા દિલને પણ બોલવા દઉં છું. વરસે બે ફિલ્મો કરું તો પણ મારા માટે એ ઘણું છે. પોતાની જાત સાથે હું પુષ્કળ સમય ગાળી રહ્યો છું. તમે એકાંતમાં હો ત્યારે તમે કોઈ બીજાને નહિ પોતાને જ મળતા રહો છો. અત્યારે હું એ જ ફેઝમાં છું.' ઇન્ટરવ્યુ લેનાર મીડિયામેન લાગ જોઈને પૂછી લે છે, 'સર, આ ફેઝમાં તમે પોતાના વિશે શું જાણ્યું ?' ત્રિપાઠીજી એનો સીધો ઉત્તર આપવાનું ટાળી મજાકમાં કહે છે, ''હું તમને એ નહિ કહું. પછીથી હું મારી રૃા.૩૯૯માં વેચાનારી બુકમાં એ બધુ કહીશ. તમે (જાત વિશેના) સંશોધનનું વર્ણન ન કરી શકો. વ્યક્તિને આત્મજ્ઞાન તાય ત્યારે એને શબ્દોમાં વ્યક્ત કરવું સહેલું નથી. આમેય જ્ઞાન સમજાયવવું અઘરું છે. એ સાઈકલ ચલાવતા શીખવા જેવું છે. તમે એ ચોક્કસ ક્યારે શીખી ગયા એ જાણતા નથી. બસ, એક દિવસ સાઇકલ ચલાવતા થઈ જાવ છો, પરંતુ મને એટલું જરૂર સમજાઈ ગયું છે કે મારું જ્ઞાન સીમિત છે. એટલે મારે હવે બહુ જ્ઞાન વહેંચતા ન ફરવું જોઈએ અને પોડકાસ્ટ પણ ન કરવા જોઈએ.

અહીં એ સવાલ થવો સહજ છે કે બ્રેક દરમિયાન પંકજ ત્રિપાઠીને ક્યારેય એવો ડર નથી લાગતો કે હું પડદા પર અને સેટ પર નહિ દેખાઉ તો ફિલ્મમેકર્સના મગજમાંથી પણ નીકળી જઈશ? એક્ટર પાસે એનો બિન્દાસ ઉત્તર છે, 'ના, જરાય નહિ. મારે બદાની નજરથી દૂર રહેવું છે. આકાશના તારા પણ કલાકો સુધી અદ્રશ્ય થઈ જાય છે. ચન્દ્રમા પણ ૧૫ દિવસ ગુમ રહ્યા બાદ પાછો ફરે છે. દરરોજ અને દરેક જગ્યાએ દેખાવાથી દૂર રહેવું અગત્યનું છે. એક્ટર તરીકે દરેક પાપરાઝીના વીડિયોમાં દેખા દઈ લોકોનું અભિવાદન કરવું જરૂરી નથી. જે લોકો કાયમ ચર્ચામાં જ રહેવા માગે છે એમના માટે જાહેરમાં દર્શન આપવાથી દૂર રહેવું ડિફિકલ્ટ છે કારણ કે એમને ચર્ચાઓ જ જીવતા રાખે છે. પરંતુ યાદગાર વ્યક્તિઓ એ બધા ગતકડાં વિના પણ (લોકોની સ્મૃતિમાં) જીવંત રહેતી હોય છે.'

પંકજને સ્ટારડમ એની વ્યાખ્યા વિશે પૂછાતા એ કહે છે, 'મારા માટે સ્ટારડમ એટલે લોકોનો સ્નેહ, લાગણી અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ. તમે સ્ટાર ન બનો ત્યાં સુધી બ્રાન્ડસ તમારો સંપર્ક નથી કરતી. કોરપોરેટ કંપનીઓ પોતાની બ્રાન્ડસની એડસ માટે સારા એકટર્સ નહિ પણ સ્ટાર્સ પાસે જતી હોય છે. માર્કેટમાં તો સ્ટારડમની આ જ પરિભાષા ચાલે છે, પરંતુ મારે મને સ્ટારડમનો અર્થ દર્શકોનો પ્રેમ, એમનો ભરોસો અને એમની સાથેનો નાતો છે.'

સમાપનમાં 'સ્ત્રી' ફ્રેન્ચાઈસીના અફલાતુન એક્ટરને પૂછાય છે, 'શું હવે તમે પોતાને સ્ટાર ગણો છો? અને તમે ક્યારેય સ્ટાર બનવાની ઇચ્છા રાખી હતી ખરી?' ચહેરા પર મસ્તમત મજાની સ્માઈલ ફરકાવી ત્રિપાઠીજી કહે છે, 'મારા બેન્ક એકાઉન્ટને હું સ્ટાર હોઉં એવું લાગે છે પણ મને નથી લાગતું કબુલ કે સ્ટારડમ માટે લોકપ્રિયતા અગત્યની ચે, પરંતુ એક્ટરે લોકપ્રિય બનવાની સાથોસાથ યાદગાર પણ બનવું રહ્યું. લોકોના સ્મરણમાં તમારું કામ રહેવું જોઈએ. માત્ર પોપ્યુલર (લોકલાડીલા) બની રહેવાનો કોઈ અર્થ નથી. એમ તો બદનામી પણ માણસને જાણીતો બનાવે છે. નામ હો, બટ નામ મેમોરેબલ હો. સાચું કહું તો મેં પોપ્યુલર બનવાનો કદી પ્રયાસ નથી કર્યો. હા, મેમોરેબલ બનવા પ્રયત્ન જરૂર કર્યો છે.'