Get The App

વસંતપંચમીનાં વધામણાં કેવી રીતે કરીશું ? શા માટે ?

Updated: Jan 29th, 2020

GS TEAM

Google News
Google News
વસંતપંચમીનાં વધામણાં કેવી રીતે કરીશું ? શા માટે ? 1 - image


પ્રકૃતિમાં અને માનવીમાં નવજીવનનો સ્પર્શ કરાવવા, નવ ઉન્મેષથી માનવની જિંદગીને ભરવા, થનગનતી વસંતપંચમી આવશે.

પણ...આપણે પૂર્વ તૈયારી રૂપે શું શું કરવું પડશે ? સમજ્યા તમે ? એવું તો તમને પૂછવાનું ન હોય, કારણકે સમજ તો તમારામાં પડેલી જ છે. આ તો ફક્ત યાદ દેવડાવું છું.

હા, તો 'વસંતપંચમી'ના દિને ને ત્યાર પછી સમયે સમયે, તમારે 'કાનેથી' મોબાઈલ ખસેડી દેવો પડશે... તો જ, વસંતનો વાસંતિક અવાજ, સાંભળી શકાશે ને ?

વાસંતિક અવાજ સાંભળવા કાન, નાક, આંખો, બુદ્ધિ, હૃદય, આ બધાંનાં બારણાં ખુલ્લાં કરી દેવાં પડશે... એ બધાં રસપૂર્વક ખુલ્લાં રાખ્યા હશે તો જ આહ્લાદક વાસંતિક 'ર્ફૈષ્ઠી' સાંભળી શકાશે...

તમે ઉભા હશો, બેઠા હશો કે ચાલતા હશો, ને કોયલડી ઓચિંતી કૂ..ઉ..ના પંચમ સૂર રેલાવવા માંડશે. તમે કાન ખૂલ્લા રાખ્યા હશે તો, 'વસંત' તમને 'કોયલ' બનાવી દેશે ! કદાચ એવું પણ બનશે કે, તમે કૂ..ઉ.. કરી આનંદનો પ્રત્યુત્તર પાઠવશો. આવા મીઠા ટહૂકા તમારા જનવ્યવહારમાં, ઘણા જ ઉપયોગી થઈ પડશે.

આજના ધાંધલિયા અને ધમાલિયા ભૌતિક વાતાવરણમાં કાગડાના કર્કશ અવાજ અને કોયલના મીઠામધુર અવાજ વચ્ચે ફરક જ લાગતો નથી ! શાંતિથી રસપૂર્વક સાંભળેલો કોયલનો મધુર પંચમસૂર, કાગડાના કર્કશ અવાજ જેવા સ્વભાવનુંને વાણીનું, કર્કશપણું દૂર કરશે. આપણાં વાણી-વર્તનમાં મંઝુલ સૂર વહેવા માંડશે.. લાગશે કે 'વસંત' વ્હાલથી આપણને સ્પર્શી રહી છે.

'કાન'નો થનગનાટ જોઈ 'આંખો' પણ 'વસંત'ને જોવા તલસતી હશે. એ તલસાટ જ તમને કોઈ વૃક્ષે, ડાળીએ ફરતાં લાલ-પીળી-લીલી ઝાંય વાળાં નવાં'પર્ણો'ના થનગનાટમાં, વાસંતિક વાયરામાં ફુલછોડનાં ફુલ-પાનની સુગંધમાં, ક્યાંક ક્યાંક આશાભર્યા કૂણાકૂણા ફણગા પણ ફૂટતા હશે તો તેમાં જોવા મળશે. તમારી સામે, જેમ નિર્દોષ બાળક કિલકિલાટ હસી પડે તેમ વસંત હસતી દેખાશે.

હવે, 'નાક'ને પણ થાય કે હું પણ 'વસંત'ને વધાવવામાં પાછું પડું તેમ નથી. તે પણ હરખપદુડું થઈ ફળ, ફૂલ, પાનની નજાકત ભરી. સૌંદર્યભરી સ્વાદભરી સુગંધીને ભેટી પડે છે.  'ફૂલ' જેવા બની જઈએ તો ફૂલોનો સહજ થનગનાટ નસેનસમાં ફરી વળે. સૌંદર્ય પામતાં પહેલાં 'સૌંદર્ય' તો બનવું પડે ને ?

'બુદ્ધિ' તો રાહ જોઈ જ રહી હોય છે. કાન, નાક, આંખો વસંતને વધાવતા હોય તો, 'બુદ્ધિ' પણ વાસંતિક સ્પર્શથી અવનવા ચેતનાસભર વિચારોનું વૃંદાવન ઉભું કરે છે. સૌંદર્ય- શૃંગારના વિચારનિર્ઝર, મુક્તપણે વહેવા માંડે છે. જે સંયમથી મંડિત છે.

'હૈયું' પણ હાથમાં રહેતું નથી. તે પોતાની મધુર, શૃંગારિક લાગણીઓ ઉર્મિઓને ઉછાળવા માંડે છે ને તમને 'કવિતા' કે અન્ય સાહિત્યક સર્જન કરવા પ્રેરે પણ ખરૂં ! કલા સંગીતની ઉર્મિઓ તમને 'બાથરૂમસીંગર' પણ બનાવી દે ! તમારાં પ્રેમ, વિરહ ગૂંથીને તમારી પાસે છાનાંમાનાં ગીતો પણ ગવડાવશે. તો કોઈ કોઈને રંગ-પીંછીથી ઉર્મિઓ વહેવડાવવા પ્રેરશે.. હાથ-પગનો 'નર્તન' કરવાનો થનગનાટ, ડાન્સમાં પણ પરિણમે. પથ્થરમાંથી ભાવ-સૌંદર્ય નીતરતી મૂર્તિ બનાવવાનું કૌશલ્ય પ્રાપ્ત થતાં, રચાય અવનવાં શિલ્પો !

'માનવ' તરીકે તમે વિદ્યા, જ્ઞાાન, વિજ્ઞાાન, વિવિધ કલા, સાહિત્ય, વકતૃત્વશક્તિ, વિવેચન શક્તિ, વિવિધ સર્જન, સાહસ, ઉમંગ, ઉત્સાહના મનોરથો તો સેવો છો તો તે સફળ બનાવવા શક્તિ આપનાર મા સરસ્વતીના ફોટા ઉપર નજર તો કરજો. એમનું સ્વરૂપ નિહાળજોને ઉમળકો આવેતો ભાવથી સ્તુતિ કરજો.

સ્તુતિ

યા કુન્દેદુતુષારહારધવલા, 

યા શુભ્રવસ્ત્રાવૃતા,

યા વીણાવરદણ્ડમંડિતકરા,

 યા શ્વેતપદ્માસના ।

યા બ્રહ્માચ્યુત શંકર, પ્રભુતિભિદેવૈ: સદા વન્દિતા,

સા મામ્ પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડયા પહા ।।

આપણા ઋષિમુનિઓએ 'મા સરસ્વતી'ની ઉપાસનાથી સાહિત્ય, કલા, વિજ્ઞાાન, તત્ત્વજ્ઞાાન, અને અનેક ઉપયોગી વિષયો ઉપર જ્ઞાાન- માહિતીના ભંડાર જગતને આપ્યા છે. 'મા શારદાના' આશીર્વાદ લેવા તમારૂં સમગ્ર ચેતાતંત્ર જોડશો તો અનુભવ થશે.

માનવ તરીકે જન્મ લીધો છે. પણ 'માનવ' બનવામાં ઉણો ઉતરે છે. સાચા' માનવ' તરીકે ઓળખ ઉભી કરવા 'વસંતપંચમી'નાં વધામણાં 'સંયમના સાથથી કરવા જેવાં છે.

વસંતનાં વધામણાં કરીએ એનો એક અર્થ એવો પણ છે કે, જૂની રૂઢિઓને, અંધશ્રદ્ધાને, વહેમને,  ઇર્ષાને, વેરઝેરને, કુસંપને, સ્વાર્થને, સંકુચિતતાને નકારાત્મકતાને વિદાય આપીએ. સમય સમય પ્રમાણે વિવેકથી વિચારમાં હકારાત્મક પરિવર્તન લાવીએ, યોગ- આનંદ- પ્રેમને પામીએ, મનથી સતત યુવાન રહીએ, જે જે પરિવર્તન આવે તેને સ્વીકારીને પચાવીએ. નવું નવું જ્ઞાાન- વિજ્ઞાાન કલા કૌશલ્ય પ્રાપ્ત કરવાની જિજ્ઞાાસા વધારીએ.

- જીવનમાં એવી વસંત પ્રગટે કે જેનાથી જીવનમાં આનંદ, ઉલ્લાસ, પરિવાર પ્રેમ, વડીલોના આશીર્વાદ, ઇશકૃપા, સ્નેહીજનોની હૂંફ મળે.

- સહજીવન સ્મિતભર્યું. ઉમંગભર્યુ કલરવનું બને.

- જીવન બાગ હરિયાળો, મઘમઘતોને સ્નેહની સૌરભવાળો બને.

- બૌદ્ધિકતા, પ્રફુલ્લિતતા, કલ્પના શીલતા, સંયમ ને પુરૂષાર્થ વધે.

- પ્રજ્ઞાા , કૌશલ્ય... પ્રતિભા પ્રગટે

- વાચન...મનન..ચિંતન પ્રગટે

- હૃદયનાં બીજ અંકુરિત થાય અને અધ્યાત્મનું ખેતર ગુણહરિયાળીથી લહેરાય, એવી 'વસંત'નાં મંગલ વધામણાં કરીએ.

- લાભુભાઈ ર.પંડયા

Tags :