Magazines

કિયારા અડવાનીની માતૃત્વ વિશેની સમજણ જાણવા જેવી ખરી!

By GS Team
12 Jun 20264 mins read
કિયારા અડવાનીની માતૃત્વ વિશેની સમજણ જાણવા જેવી ખરી!

- 'તમે પ્રેગ્નન્ટ હો એટલે કોઈ દેવી બની જાવ અને જેવો તમે બાળકને જન્મ આપો કે તરત લોકો એવી અપેક્ષા રાખવા માંડે કે તમારું બોડી તરત શેપમાં આવી જાય. ત્યારે જ દરેક મહિલાને સૌથી વધુ સપોર્ટની જરૂર પડે છે.' 

સ્ટારકિડ્સની જેમ કિયારા અડવાનીને ફિલ્મોમાં તાસક પર બ્રેક નથી મળ્યો. એ જ રીતે એને બોલિવુડમાં સફળતા પણ રાતોરાત નથી મળી. સફળ થવા એણે સંઘર્ષ કરવો પડયો છે. એટલે જ એકટ્રેસ 'કબીર સિંઘ' અને 'શેરશાહ' જેવી સુપરહિટ અને હિટ ફિલ્મો આપ્યા બાદ પણ છકી જવાને બદલે નમ્ર અને વિવેકી રહી શકી છે. કિયારા પોતાની સ્ટ્રગલને એક પ્રકારના આશીર્વાદ જ માને છે.

હેન્ડસમ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાને પરણ્યા બાદ એક બેબીની મમ્મી બની ચુકેલી કિયારાએ હમણાં એક સ્પોન્સર્ડ પ્રોગ્રામમાં પોતાના પડકારો, પ્રગતિ અને જીવનની નિર્ણાયક પળો વિશે વાત કરી, પરંતુ એ બધામાં અભિનેત્રીના માતૃત્વ અને પ્રસૂતિ બાદના જીવન વિશેના વિચારોએ સૌને પ્રભાવિત કર્યા. નવી નવી મમ્મી બનેલી સ્ત્રીઓ જે અંધાધૂંધ લાગણીઓ અનુભવે છે એનાથી લઈને એમના પર પોતાના પ્રોફેશનમાં પાછા ફરવાનું જે પ્રેશર રહે છે એ વિશે કિયારાએ સરળ શબ્દોમાં ઘણી બધી વાસ્તવિકતા બયાન કરી.

 મને ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ મારી પહેલી મૂવી મળી ત્યારે લાગ્યું કે ચલો, આપણું કામ થઈ ગયું. પરંતુ પછી બહુ જલદી સમજાઈ ગયું કે અહીંયા દર શુક્રવારે તમને જુદુ પરિણામ જોવા મળે છે. એક્ટર તરીકે તમે ટોપ પર હો કે ન્યુકમર હો, બધા માટે આ જ પરિસ્થિતિ છે. તમે કહ્યું એમ મારી શરૂઆત ધીમી હતી. મને રાતોરાત સફળતા કે નામના મળી નથી. પરંતુ એ બદલ આજે હું કૃતજ્ઞા ભાવ અનુભવું છું. એટલા માટે કે શરૂના વરસોના મારા અનુભવોએ મને વિનમ્ર અને વિવેકી બનાવી છે. મારા પગ હમેશાં જમીન સાથે જોડાયેલા રહે છે.'

ચર્ચગેટની જયહિન્દ કોલેજમાં મારા કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કરનાર ૩૫ વરસની કિયારા પોતાના વિચારો અને મંતવ્યો સ્પષ્ટપણે રજુ કરી શકે છે. એટલે એને પૂછાયું કે ૧૨ વરસના કરિઅરમાં તે ક્યારેય નર્વસનેસ અનુભવી છે? ક્યારેય તારો આત્મવિશ્વાસ ડગમગ્યો છે ખરો? જવાબમાં શ્રીમતી મલ્હોત્રાએ કબુલ્યુ, 'હું તો આજે પણ નર્વસ થઈ જાવ છું. તમે ગમે એટલી મોટી ફિલ્મ કરતા હો કે તમને ડ્રીમ રોલ મળ્યો હોય પણ અંતે તો તમે મૂવી દર્શકો માટે જ બનાવો છો. એટલે તમે ઇચ્છો છો કે દર્શકો તમારી ફિલ્મ જુએ અને વખાણે. તમારે ઓડિયન્સના વેલિડેશન (માન્યતા) વિના નથી ચાલવાનું. કેટલાક એકટર્સ કહે છે કે અમારે ઓડિયંસની માન્યતાની જરૂર નથી. પરંતુ એ વાતમાં દમ નથી. તમે મૂવી ઓડિયન્સ માટે જ બનાવો છો એટલે એમના સ્વીકારની તમને જરૂર તો રહેવાની જ. એથી જ દર શુક્રવારે ફિલ્મ રિલિઝ થાય ત્યારે એની સાથે જોડાયેલા લોકો મુંઝવણ અનુભવે છે.' ત્યાર પછીના સંવાદમાં કિયારા સમક્ષ એક પ્રસ્તાવ મુકાય છે, 'મેડમ, તમારી પુત્રી સરાયા હવે ૧૦ મહિનાની થઈ ગઈ છે. બધા માતૃત્વ સાથે જોડાયેલા અસીમ આનંદની વાતો કરે છે પણ બહુ ઓછા એની સાથે જોડાયેલી અફરાતફરી વિશે બોલે છે.  હું મમ્મી બની ચુકેલી મારી ઘણી ફ્રેન્ડ્સને ફરિયાદ કરું છું કે તમે બધાએ મને આ માટે સજ્જ કેમ ન કરી? પરંતુ મનમાં હુંય જાણું છું કે દરેક માટે માતૃત્વ એક વ્યક્તિગત યાત્રા છે. કોઈ તમને કેટલો ગિલ્ટ (અપરાધ-ભાવ) અનુભવશો, તમારી અંદર અને બહાર કેટલી અંધાધૂધી સર્જાશે એ નહિ કહે. શરૂઆતમાં, મા બનનાર દરેક સ્ત્રી આંતરિક અફરાતફરી અનુભવે છે કારણ કે એનામાં ઘણાં શારીરિક ફેરફારો થાય છે. એના હોર્મોન્સ કક્કડભૂસ થાય છે અને મગજમાં ઉથલપાથલ થાય છે. તમારી આખી લાઈફ બદલાઈ જાય છે. મને નથી લાગતું કે લાઈફમાં બદલાવનો માતૃત્વ કરતા બીજો કોઈ સચોટ દાખલો હોય. કુદરતે જ આવી ગોઠવણ કરી છે. પિતા બન્યા બાદ પુરુષના જીવનમાં પણ પરિવર્તન આવે છે, પરંતુ સ્ત્રી જેટલો મોટો બદલાવ નથી હોતો. એટલા માટે સ્ત્રી જ બાળકની પોષક છે. બાળક એના ગર્ભમાં જ આકાર લે છે, એને જન્મ પણ મા આપે છે અને એને સ્તનપાન પણ મા જ કરાવે છે. એટલે જ હું કહું છું કે બાળકના જીવનમાં એની માનું પ્રદાન સૌથી મોટું હોય છે.'

 મજાની વાત એ છે કે એકટ્રેસ પ્રેગનન્ટ થાય એટલે બધા એના રૂપના વખાણ કરતા થાકતા નથી, ઓ માય ગોડ! તારું રુપ કેટલું ખીલ્યું છે? એ જ લોકો બાળકના જન્મ બાદ અંદરોઅંદર ગુસપુસ શરૂ કરી દે છે, અભી મોટી હો ગઈ હૈ, થોડી ઐસી થોડી વૈસી લગ રહી હૈ. તમે પ્રેગ્નન્ટ હો એટલે કોઈ દેવી બની જાવ અને જેવો તમે બાળકને જન્મ આપો કે તરત લોકો એવી અપેક્ષા રાખવા માંડે કે તમારું બોડી તરત શેપમાં આવી જાય. આ તબક્કામાં જ દરેક મહિલાને સૌથી વધુ સપોર્ટની જરૂર પડે છે.'

થોડા વખતમાં સાઉથના સુપરસ્ટાર યશ સાથે બિગ બજેટ ફિલ્મ 'ટોક્સિક : અ ફેરી ટેલ ઓફ ગ્રોવન અપ્સ'માં જોવા મળનારી કિયારાને સમાપનમાં એક હળવી પૃચ્છા થાય છે, 'હવે તમારા ઘરની શું પરિસ્થિતિ છે? આખા ઘરો માહોલ બદલાઈ ગયો હશે, નહિ?' એક્ટર એનો રમુજી ઉત્તર આપે છે, 'હા, હવે એ સરાયાનું ઘર બની ગયું છે. હું અને સિદ્ધાર્થ એના ઘરમાં રહીએ છીએ. આખા ઘરમાં તમને એના રમકડાં અને બીજી વસ્તુઓનો પથારો જોવા મળશે.'