લગન .
એક દિવસે સંત શ્રી ચૈતન્ય મહાપ્રભુજી પુરીના જગન્નાથ મંદિરમાં આરતી સમયે ગરુડ સ્તંભને અઢેલીને દર્શન કરી રહ્યા હતા.
શ્રધ્ધાળુની બહુ ભીડ હતી ત્યારે એક સ્ત્રી ભીડને ચીરીને ભગવાનના દર્શન અર્થે અતિ વ્યાકુળતાથી સ્તંભ પાસેના ઓટલા ઉપર એક પગ ટેકવી બીજો પગ અજ્ઞાાનતામાં મહાપ્રભુજીના ખભા ઉપર મૂકી દર્શનમાં લીન થઇ ગઇ !
આ દ્રશ્ય જોઇ રહેલ પ્રભુજીનો એક ભક્ત ગભરાઇને મનમાં બોલ્યો, ''આ કેવો અનર્થ થઇ ગયો ! જે પ્રભુ સ્ત્રીના નામ માત્રથી દૂર ભાગે છે તેનો આ સ્ત્રીના પગનો સ્પર્શ થઇ ગયો, સર્વનાશ થઇ જશે.''
તુરત તે ભીડમાંથી આગળ વધ્યો, પણ મહાપ્રભુજીએ તેને રોક્યો અને ધીમેથી કહ્યું, ''રહેવા દે તેને પેટ ભરીને દર્શન કરી લેવા દે. તે તન-મન અને પ્રાણથી શ્રી કૃષ્ણમાં સમાઇ ગયા છે. તે એટલી ઓતપ્રોત થઇ ગયેલ છે કે તેને તેના કે મારા શરીરનું ભાન નથી. તે પ્રભુની લગનથી પ્રભુમાં સંપૂર્ણ લીન થઇ ગઇ છે. ધન્ય છે તેની ભક્તિને.''
મહાપ્રભુજી આરતી પૂર્ણ થયા સુધી સ્થિર ઊભા રહ્યા !
બાળ મિત્રો, આમ કોઇપણ ધ્યેયની પ્રાપ્તિ માટે 'લગન' કે 'ધૂન'ની જરુર છે, પછી તે પ્રભુ પ્રાપ્તિ હોય કે વિદ્યા પ્રાપ્તિ.
તમે વાંચ્યુ જ હશે કે મીરાબાઇ કૃષ્ણની લગનમાં મહેલની રાણી હોવા છતાં વિજોગણ બની વૃંદાવનની ગલીઓમાં ભટકતા હતા.
''ઐસી લાગી લગન
મીરા હો ગઇ મગન,
વો તો ગલી ગલી
હરી ગુન ગાને લગી''
આવી રીતે મીરાંએ હરી પ્રાપ્તિ માટે તેનું સંપૂર્ણ અસ્તિત્વ ઓગાળી નાખેલું અને આખરે દ્વારિકામાં ભગવાનની મૂર્તિમાં સમાઇ જઇ ઈશ્વર પ્રાપ્તિ પામે છે !
- જ્યોતિ ખીમાણી