બ્રાન્ડેડ શોરૂમના ટ્રાયલ રૂમમાં બનીઠનીને મફત 'સેલ્ફી' ફોટા પાડવાનો ટ્રેન્ડ
સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર જે તે વ્યક્તિના પ્રોફાઈલ પિક્ચર તેની સ્માર્ટનેસ તેમ જ વ્યક્તિત્વના પ્રતિક બની રહે છે તેથી વટ પાડતાં પ્રોફાઈલ પિક્ચર મેળવવા યુવાનો અને યુવતીઓ શું શું કરે છે તે જાણીને સહેજે આંચકો લાગે.
૧૯ વર્ષીય અભિલાષા નિયમિત રીતે અલગ અલગ બ્રાન્ડના શૉ રૂમમાં જઈને ત્યાં વેંચાતા મોંઘાદાટ વસ્ત્રો, જૂતાં અને અન્ય એક્સેસરી લઈને ટ્રાયલ રૂમમાં જાય છે. અહીં તે આ બ્રાન્ડેડ વસ્તુઓ પહેરીને સેલ્ફી વડે પોતાનો ફોટો પાડી લે છે. પછી કાંઈપણ ખરીદ્યા વિના બ્રાન્ડેડ શોરૂમમાંથી બહાર નીકળી જાય છે. સેલ્ફી દ્વારા પાડેલો ફોટો તે સોશ્યલ નેટવર્કિંગ સાઈટના પ્રોફાઈલમાં મૂકી દે છે. આટલું ઓછું હોય તેમ તે તેમાં જે તે બ્રાન્ડનું નામ પણ લખે છે.
બ્રાન્ડેડ શોરૂમના માલિકો માટે યુવા પેઢીની આવી હરકતો માથાનો દુખાવો બની ગઈ છે. પણ તેમની પાસે ધુંઆપુંઆ થઈને બેસી રહેવા સિવાય કોઈ રસ્તો નથી બચતો. તેઓ યુવાનોને ટ્રાયલ રૂમમાં મોબાઈલ લઈ જતાં અટકાવી શકતાં નથી. વળી અંદર ગયા પછી કયા ગ્રાહકો સેલ્ફીનો ઉપયોગ કરે છે તે જાણવાનું અસંભવ હોય છે. ટ્રાયલ લેનાર વ્યક્તિને તેઓ પરાણે પોતાના વસ્ત્રો કે એક્સેસરી વેંચી શકતા નથી.
જ્યારે આ રીતે વિવિધ બ્રાન્ડોના વસ્ત્રો અને એક્સેસરીમાં બનીઠનીને પ્રોફાઈલ પિક્ચર મૂકનારા યુવાનો અને યુવતીઓ કહે છે કે આમાં અમને કાંઈ ખોટું નથી લાગતું. એક રીતે તો અમે જે તે બ્રાન્ડની મફતમાં જાહેરાત જ કરીએ છીએ અને એક પણ પૈસો ખર્ચ્યા વિના જે તે પોશાક અને એક્સેસરી કાયમ માટે આમારાં થઈ જાય છે. અલબત્ત, ફોટામાં. પણ અમારા માટે વાસ્તવમાં બ્રાન્ડેડ કપડાં-એક્સેસરી પહેરવા એટલાં મહત્ત્વના નથી જેટલાં તે પ્રોફાઈલ પિક્ચરમાં બતાવવા માટે અગત્યના છે. આવા ફોટા જોયા પછી સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર અમારો વટ પડે છે અને પુષ્કળ નવી ફ્રેન્ડ્સ રીકવેસ્ટ આવે છે.