વીર-ઝારા એટલે યશ ચોપરાની એક કાવ્યાત્મક રજૂઆત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ફિલ્મો આવે અને જાય. તેમાં કંઇ નવાઈ નહીં. કોઈ હિટ રહે કોઈ ફ્લોપ. તેમાં પણ કંઇ નવાઈ નહીં, પણ કેટલીક એવી ફિલ્મો આવે જેનું મ્યુઝિક કંઈક ખાસ હોય. તેમાં પણ કંઇ નવાઈ નહીં. પરંતુ, એવું મ્યુઝિક કે જે ફિલ્મની સ્ટોરી જેટલું જ મહત્ત્વનું હોય. ગઝલ કિંગ મદન મોહનનું મૃત્યુ ૧૯૭૫માં ૫૧ વર્ષની ઉંમરે થયું હતું. તેમની અધૂરી ધૂનોમાંથી એક ફિલ્મને આકાર આપવામાં આવ્યો. જ્યારે આ ફિલ્મ બની ત્યારે તેની ગણના હિન્દી સિનેમાની ઓલટાઇમ ગ્રેટ લવ સ્ટોરીઝમાં થવા લાગી. આજે વાત યશ ચોપરાની કાવ્યાત્મક ફિલ્મ 'વીર-ઝારા'ની.
ઈંગ્લિશમાં કહેવાય કે, 'આર્ટ હેઝ નો બ્રાઉન્ડ્રીઝ'. કળા માટે કોઈ સરહદો ન હોય. એટલે જ કદાચ મૃત્યુના ૨૯ વર્ષ બાદ પણ પાકિસ્તાનના ગાયક નુસરત ફતેહ અલી ખાન ભારતીયોના દિલો પર રાજ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર દર બીજી રીલમાં નુસરત સાહેબની કવ્વાલી-ગઝલ જોવા મળી રહી છે. એવા ગાયકો જોવા મળી રહ્યા છે જે તેમના અવાજ અને 'અંદાઝ'ની જેવી-તેવી કોપી કરીને પોપ્યુલર થઈ રહ્યા છે. નુસરત સાહેબની કળાની તાકાત જુઓ.
તેમણે ૧૯૭૭માં એક લાઈવ મુશાયરામાં કવ્વાલી ગાઈ, જે છેક ૧૯૯૨માં કોઈપણ છેડછાડ વગર રિલીઝ થઈ. તે પાકિસ્તાની કવિ ઈકબાલ સફીપુરીએ લખી હતી, અને કેટલી સુંદર રીતે લખી હતી - 'દિલ પે ઝખ્મ ખાતે હૈ જાન સે ગુઝરતે હૈ… ઝુર્મ સિર્ફ ઈતના હૈ ઉન કો પ્યાર કરતે હૈ… વો જો ફેર કર નઝરે પાસ સે ગુઝરતે હૈ.. એ ગમ-એ-ઝમાના હમ તુઝ કો યાદ કરતે હૈ.. વો દયાર-એ-જાના હો યા જયાર-એ-મય-ખાના, ગર્દિશે ઠહરતી હૈ હમ જહાં ઠહરતે હૈ…ઐતબાર બઢતા હૈ ઔર ભી મોહબ્બત કા જબ વો અજનબી બન કર પાસ સે ગુઝરતૈ હૈં…'
કવિ જે કહેવા માંગે છે તેને ટૂંકમાં કહીએ તો, પ્રેમમાં તો હું બરબાદ થઈ ગયો, પરંતુ, પાછી પાની કરે તે બીજો. શબ્દોની કેવી ગજબની કારીગરી. અલબત્ત, એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે તેમાં આત્મા તો નુસરત સાહેબે જ ઉમેર્યો. આ કવ્વાલી ભારતમાં આજે ધૂમ મચાવી રહી છે. તેનું કારણ ફિલ્મ 'ધૂરંધર પાર્ટ- ૨' છે.
આ ફિલ્મના એન્ડમાં જ્યારે, રણવીર સિંહને તેના સસરા એરપોર્ટ પર મૂકવા આવે છે ત્યારે આ કવ્વાલી વાગે છે. આ કવ્વાલી, રણવીર અને તેના સસરાનું કોઈ કનેક્શન જ નથી. તેમ છતાં દર્શકો સાંભળીને આફરીન થઈ જાય છે. તેનું કારણ સમજવા જેવું છે. દરેક માણસના જીવનમાં એક એવું પાત્ર આવ્યું હોય જેને માટે આ પંક્તિઓ લાગુ પડે કે, 'ઐતબાર બઢતા હૈ ઔર ભી મોહબ્બત કા જબ વો અજનબી બન કર પાસ સે ગુઝરતૈ હૈં..' ઘણાને તો પત્ની બાજુમાં બેઠી હોય તો પણ આ પાત્ર યાદ આવી ગયું હોય. એટલે કહી શકાય કે, આદિત્ય ધરે દર્શકોના ઈમોશન્સનો ગજબનો ઉપયોગ કર્યો. આ અદ્ભુત કવ્વાલીને તેમણે ભારતીય સિંગર ખાન સાબ પાસે ગવડાવી. અને લિરિક્સ માટે નુસરત સાહેબને ક્રેડિટ આપી. એટલે, પાકિસ્તાનની પિટાઈ કરતી ફિલ્મમાં પણ પાકિસ્તાની આર્ટનો ઉપયોગ. વાહ..ગજબ.
'આર્ટ હેઝ નો બ્રાઉન્ડ્રીઝ'ની જેમ એમ પણ કહેવાય છે કે, 'લવ હેઝ નો બ્રાઉન્ડ્રીઝ'. તેને ગાલિબના શબ્દોમાં કહીએ તો, 'ઈશ્ક પર ઝોર નહીં યે વો આતિશ ગાલિબ, જો લગાયે ન લગે ઔર બુઝાયે ન બુઝે…' કવિ અહીં કહેવા માંગે છે કે, પ્રેમ કોઈને તાબે ના થાય. પ્રેમ એક એવી આગ છે જેને તમે ધારો ત્યારે લગાડી નથી શકતા અને ધારો ત્યારે ઓલવી નથી શકતા. આ જ લાઈન પર એક ફિલ્મ આવી. તેનું નામ 'વીર-ઝારા'. ભારત-પાકિસ્તાનના પ્રેમીઓની દાસ્તાન. એવો પ્રેમ કે જે એક-બે નહીં બાવીસ વર્ષ સુધી રાહ જોવડાવે છે.
યશ ચોપરાની સાડાસાતી અને આ ફિલ્મ
યશ ચોપરાને કોઈ સાડા સાતી નહોતી ચાલતી. આ તો એક એવો સમય આવ્યો કે, તેમણે સાત વર્ષ માટે કોઈ ફિલ્મ ડિરેક્ટ જ ના કરી. સાત વર્ષ ડિરેક્ટરની ખુરશીથી દૂર રહ્યા. દરમિયાન તેમના પુત્ર આદિત્ય ચોપરા એક ફિલ્મ પર કામ કરી રહ્યા હતા. એક એવી ફિલ્મ કે જેની સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ પાછળ પર તેમનો હાથ. ફિલ્મમાં જાવેદ અખ્તરનું પણ યોગદાન હતું, પરંતુ, ફક્ત ગીતો પૂરતું. આદિત્ય ચોપરા ઈચ્છતા કે તેમના પિતા આ ફિલ્મને ડિરેક્ટ કરે. યશ ચોપરાએ તરત હા પાડી દીધી. તેઓ ૧૯૮૧માં રિલીઝ પોતાની ફિલ્મ 'સિલસિલા'ના એક સોંગ પરથી ફિલ્મનું નામ 'યે કહાં આ ગયે હમ' રાખવા માંગતા હતા. દરમિયાન યશ રાજ ફિલ્મ્સમાં એક મિટિંગ થઈ. ક્રિએટિવ ટીમને લાગ્યું કે, આ ફિલ્મના પાત્રોનો પ્રેમ હીર-રાંઝા પ્રકારની છે એટલે 'વીર-ઝારા' નામ પર મહોર લાગી.
ફિલ્મના મ્યુઝિક ડિરેકટરનું ૧૯૭૫માં મૃત્યુ
લતા મંગેશકર જેમને 'ગઝલ કા શહઝાદા' કહેતા તે મદન મોહને આ ફિલ્મનું મ્યુઝિક આપ્યું છે. મદન મોહનનું મૃત્યુ ૧૯૭૫માં થયું હતું અને ફિલ્મ ૨૦૦૪માં રિલીઝ થઈ હતી. સહેજે પ્રશ્ન થાય કે, આવું કંઈ રીતે? તેમની અધૂરી ધૂનોની રીલ એક લોકરમાં બંધ હતી. એક દિવસ યશ ચોપરાની મુલાકાત તેમના પુત્ર સંજીવ કોહલી સાથે થઈ. યશ ચોપરા એ વાતથી નિરાશ હતા કે, આજકાલના જુવાનિયા એવું મ્યુઝિક નથી આપી શકતા કે જે ફિલ્મને અનુરૂપ હોય. બીજી તરફ, સંજીવ કોહલી એ વાતથી નિરાશ હતા કે, તેમના પિતાની ધૂનોને ન્યાય ન મળી શક્યો. તેમને ક્યારેય એવું પ્લેટફોર્મ ન મળ્યું. વાતવાતમાં કોહલીને પિતાનું એક કબાટ યાદ આવ્યું અને અચાનક મિટિંગ પૂરી થઈ ગઈ. કોહલીએ ઘરે જઈને પિતાનું કબાટ ખોલ્યું. તેમાં રહેલી ટેપ્સને વગાડી શકે તેવા જૂના મ્યુઝિક પ્લેયરને શોધવામાં તેમને મહિનો થયો. ત્યાર બાદ, તેમને જે મળ્યું તેનાથી ઈતિહાસ લખાયો. તેમને પિતાની અડધી-પડધી ધૂનો મળી. તે લઈને તેઓ યશ ચોપરા પાસે પહોંચ્યા, જેમાંથી એમણે ૩૦ ધૂનોની પસંદગી કરી. ફિલ્મમાં ઉપયોગમાં લેવા માટે છેવટે અગિયારનો આંકડો ફિક્સ કરાયો. આ અગિયાર ધૂનોમાં જ આખી ફિલ્મની દાસ્તાન સમાઈ છે.
ભાગ્યે જ કોઈ એવી ફિલ્મ આવે કે જેનાં ગીતોમાં જ ફિલ્મની કહાણીને વણી લેવામાં આવી હોય. આ ફિલ્મ તેમાંની એક. ઉદિત નારાયણે ગાયેલા 'જાનમ દેખ લો, મિટ ગઈ દૂરિયાં, મેં યહા હૂં, યહાં હૂં યહાંય… તુમ છુપા ન સકોગી, મેં વો રાઝ હૂં, તુમ ભૂલા ન સકોગી, વો અંદાઝ હૂં, ગૂંજતા હૂં જો દિલ મેં તો હૈંરાં હો ક્યૂં… મૈં તુમ્હારે હી દિલ કી તો આવાઝ હૂં… સૂન સકો તો સૂનો ધડકનોં કી ઝૂબાં, મેં યહા હૂં..યહાં હૂં, યહાં હૂં યહાં…' એક એવું ગીત કે જેમાં વીર એ વાત સ્વીકાર કરવાનો જ ઈન્કાર કરી દે છે કે, ઝારા અને તેની વચ્ચે કોઈ સરહદ છે. તે કહી રહ્યો છે કે, બંને વચ્ચે બોર્ડર-દૂરી હોવા છતાં પણ પોતે ઝારાના રોજિંદા જીવનનો એક
ભાગ છે.
'તેરે લિયે હમ હૈ જીયે, હોઠોં કો સિયે, તેરે લિયે હમ હૈ જીયે, હસ આંસૂ પિયે, દિલ મેં મગર જલતે રહે, ચાહત કે દિયે… તેરે લિયે…' આ ગીત લવ સોંગ કરતાં ખાસ તો પ્રેમીઓ વચ્ચેના એક વાયદા-પ્રોમિસ જેવું વધારે છે. તેઓ એકબીજાને કહી રહ્યા છે કે, જીવનમાં આમ તો જીવવા જેવું કશું છે જ નહીં પણ તું છે ને. ભલે દૂર છે, પણ છે ને… લતા મંગેશકર અને રૂપકુમાર રાઠોડનો અવાજ તેને અલગ ઊંચાઈ પર લઈ જાય છે.
પ્રેમ છે તો તેમાં નિરાશા આવવાની. એટલે તેના માટે પણ એક ગીત છે. આ ગીતમાં નિરાશા સાથે એક પ્રકારનો સ્વીકાર પણ છે, જે કહી રહ્યો છે કે, આ પ્રેમનો કદાચ સુખદ અંત નહીં આવે પણ તે આપણને ફરી એકવાર મળવાથી નહીં રોકી શકે. ગીતના શબ્દો છે, 'દો પલ રુકા ખ્વાહોં કા કારવાં, ઔર ફિર ચલ દિએ તુમ કહા હમ કહા, દો પલ કી થી યે દિલો કી દાસ્તાન ઔર ફિર ચલ દિએ તુમ કહાં હમ કહાં…'
ફિલ્મમાં 'ઐસા દેશ હૈ મેરા…' ગીત ત્યારે આવે છે, જ્યારે વીર તેની ઝારાને પોતાનું વતન પંજાબ બતાવે છે. આ પ્રસંગ એવો જેમાં એક પ્રેમી પોતાનું ઘર બતાવી રહ્યો હોય અને સાથે કહી રહ્યો હોય કે, જો ઘરમાં બધાનો સ્વભાવ સારો છે, પણ ઘર કંઈ લક્ઝુરિયસ નથી. ચાલશેને..?
કોઈપણ બોલિવુડ ફિલ્મ માટે મ્યુઝિક તેનો આત્મા
'ધૂરંધર' સિરીઝની બન્ને ફિલ્મો ચાલી તેની પાછળ એક મહત્ત્વનું કારણ તેનું મ્યુઝિક છે. ભલે, આદિત્ય ધરે તેને ઉધાર લીધું છે. વિવિધ ટાઈમલાઈન, ભાષા અને ઈમોશન માટે એક એક સોંગ. હીરો-વીલનની એન્ટ્રી પર એક સ્પેશિયલ સોંગ. આ બધુંયે મળીને તેમને સુપરહિટ ફિલ્મો મળી ગઈ, પણ કદાચ આ સ્પોટિફાઈના 'બેસ્ટ સજેશન ફોર યુ' જેવા મ્યુઝિક આલ્બમને બનાવવામાં એવો આનંદ નહીં મળ્યો હોય જેવો યશ ચોપરા અને આદિત્ય ચોપરાને આવ્યો. તેમણે જ્યારે મદન મોહનના પુત્ર સાથે મળીને તેમના જૂના આલ્બમને ફંફોળ્યા ત્યારે વાત જ કંઈક અલગ હશે. આલ્બમમાં એવાં ગીતો કે જે અધૂરાં છે. આ તો કલાકારની નજર કે તેમને ખ્યાલ આવ્યો આ ગીત અહીં ચાલશે. આ ગીત તો નહીં જ ચાલે. આ ગીતમાં થોડા શબ્દો બદલીએ તો? આ ગીત ભલે સારું પણ આપણી સ્ટોરી સાથે મેચ નહીં થાય. આવા અનેક પર્મ્યુટેશન-કોમ્બિનેશન પર વિચાર કર્યા બાદ જે મળ્યું તે ૨૦૦૦ના દાયકાનું સૌથી બેસ્ટ મ્યુઝિક આલ્બમ બન્યું.
શાહરૂખ ખાન, પ્રીતિ ઝિન્ટા અને રાની મુખરજીને ચમકાવતી આ ફિલ્મ તો બેસ્ટ જ છે, પણ તેનું મ્યુઝિક તેને એક અલગ લેવલ પર લઈ જાય છે. જેમ નુસરત સાહેબની કવ્વાલીમાં કહેવામાં આવ્યું છે કે, 'ઐતબાર બઢતા હૈ ઔર ભી મોહબ્બત કા જબ વો અજનબી બન કર પાસ સે ગુઝરતૈ હૈં…' તેમ આપણે કહી શકીએ કે, 'ખુશિયાં ઔર બઢતી હૈ કુછ નયા બનાને મેં… જબ ખ્વાબ હાથોં સે હકીકત મેં ઢલતે હૈ…'








