હનીમૂન મેનર્સ: નવપરિણીત યુગલોને લગ્નની શરૂઆતના દિવસો સુરક્ષિત બનાવવાના ઉપાયો પણ એટલા જ જરૂરી છે
કેટલાંક લોકોનું માનવું છે કે હનીમુન એટલે પ્રાચીન બેબીલોન સંસ્કૃતિમાં લગ્ન પછી શુક્લ પક્ષમાં મધ ભેળવીને પીવાતી દારૂની પ્રથા. પણ ૧૫૫૨માં રિચર્ડ હ્યુલોટે આ શબ્દનો ઉપયોગ કર્યા પછી તે વધુ પ્રચલિત થયો. જોકે, હવે તો મધ પીરસવાની પ્રથા રહી નથી પણ અન્ય ઘણી રોમાંચક બાબતો તેમાં સામેલ થઇ ગઇ છે.
અનેક સુંદર જગ્યાઓએ હનીમુનનો આનંદ લઇ શકાય છે. આ પળો ફરીથી આવતી નથી અને કુદરતી વાતાવરણમાં હનીમુનનો આનંદ બેવડાઇ જાય છે. સુંદર હનીમુન એ જ છે, જ્યાં સૌથી વધુ મસ્તી, તોફાન હોય. ઓરડામાં મધ્યમ કે ધીમું સંગીત હોય. ટીવીના ઘોંઘાટને બદલે હૃદયનો રીંગટોન હોય. આંખો આંખોમાં જ આખો સમય વીતાવી શકાય નહીં. રોમાન્સની વચ્ચે જમવું અને તબિયત સંભાળવી એ પણ તમારી જવાબદારી છે. આહાર ઉપર બેધ્યાન રહેશો તો બાકીના દિવસો વધેલું વજન ઘટાડવામાં વીતી જશે.
તમને કદાચ વિચિત્ર લાગે પણ ભૂખ્યા પેટે પ્રેમ પણ થઇ શકતો નથી. એ વાત એટલી જ સાચી છે કે પતિ ભૂખ્યો હશે તો પ્રેમ પણ અધૂરો જ કરશે. તેથી ફળ, જ્યુસ, તંદુરસ્ત નાસ્તો અને સમયે સમયે જમવાનું વ્યવસ્થિત કરો. જેથી પ્રેમ કરવાની સાથે યોગ્ય જમવાનું પણ તમને આરામદાયક સ્થિતિમાં રાખશે. જે જગ્યાઓએ જાઓ ત્યાંના સ્થાનિક આહારનો સ્વાદ માણવાનું ભૂલશો નહીં. બની શકે તો એકાદ-બે સ્થાનિક વાનગી બનાવતાં પણ શીખી લેવું, જેથી જ્યારે પાછા ફરીને એ વાનગી બનાવો તો ત્યાંની યાદો સાથે સ્વાદ પણ બમણો કરી શકો.
ફોટોગ્રાફી વગરે તો સાધારણ વાતો છે પણ તમારી ભાવનાઓને આખી જિંદગી હનીમુન સાથે જોડાયેલી રાખે તેવી કેટલીક વસ્તુઓ ભેગી કરવાનો પ્રયત્ન કરો. જ્યાં પણ જાઓ, ત્યાંથી કોઇ નાનકડી ચીજ જરૂર ખરીદો. હોટલના બગીચાનું ફૂલ પણ ચાલશે, જેને તમે તમારા પુસ્તકની વચ્ચે દબાવીને સૂકાવા દો. ઘણાં દિવસો કે વર્ષો પછી જોશો તો પણ તેની યાદ તમારા ચહેરા ઉપર સ્મિત રેલાવશે.
હોટલના બિલ, એર કે ટ્રેન ટિકિટ, ખાવાનું બિલ બધું સંભાળીને રાખો અને હનીમુનથી પાછા ફર્યા બાદ બિલ અને ટિકિટોનું કોલાજ બનાવી વચ્ચે હનીમુનનો એકાદ સુંદર ફોટો ગોઠવી દો. કોલાજની આ ફ્રેમ તમારી બંને વચ્ચેના પ્રેમની સતત યાદ અપાવતી રહેશે. શંખ, છીપલા, પથ્થર કે કોઇ ઘરેણું, પછી તે સામાન્ય મોતી પણ હોય, તેને હનીમુનની યાદ રૂપે લઇ આવો.
હનીમુન માટે તમે કુલુ-મનાલીની ખીણોમાં જાઓ કે વૈષ્ણોદેવી, દરેક જગ્યાએ નવપરિણીતોએ પોતાની ગરિમામાં રહી વર્તન કરવાની જરૂરત હોય છે કારણ કે હનીમુન તમે મનાવો છો પણ તેની મજા અન્ય લોકો લૂંટતા હોય છે. હનીમુનમાં ફરવા જાઓ ત્યારે હોટેલમાં કે ફરવાના સ્થળે કેવું વર્તન કરવું, તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
હોટલમાં જાતીય સંબંધો બાંધતી વખતે ધ્યાન રાખો કે પલંગની ચાદર ગંદી થાય નહીં. બની શકે તો તમારી પોતાની ઘરની ચાદર જ બિછાવેલી રાખો.
હનીમુન દરમિયાન અને પછી ક્યારેય પતિની સામે કપડાં બદલો નહીં. પતિ માત્ર સેક્સ દરમિયાન જ પત્નીના અનાવૃત દેહને જોવા માંગે છે.
કોન્ડોમનો ઉપયોગ કર્યા પછી તેને કાગળમાં વ્યવસ્થિત બાંધીને કચરા ટોપલીમાં નાખો.
તમારા અંત:વસ્ત્રો ધોઇને તેને બાથરૂમમાં બાથટબની પાછળ લગાડાયેલા હેંગર પર સૂકવો. સાથે વધારાના અંત:વસ્ત્રો રાખો, જેથી ધોવાની ઝંઝટમાંથી બચી શકાય.
હનીમુન દરમિયાન બની શકે તો પતિ કરતાં વહેલાં ઊઠી જાઓ અને એકદમ ફ્રેશ થઇને તેને ઉઠાડો.
ટોયલેટ વાપરતી વખતે હંમેશા ધીમો નળ ચાલુ રહેવા દો. તમારી સાથે ટીશ્યુ પેપર જરૂરથી રાખો.
હોટલના ઓરડામાં કોઇ વેઇટર કે સફાઇ કર્મચારી આવે તો તમારા અંત: વસ્ત્રો, કોન્ડોમ વગેરે ટેબલ કે પલંગ ઉપર રહેવા દેવા નહીં. ઓરડાની સાફસફાઇ પછી કરાવવાને બદલે સામે કરાવો, જેથી હોટેલના કર્મચારી તમારી ચીજો સાથે છેડછાડ કરે નહીં. આમ તો હોટેલનો સ્ટાફ એવું કરતો નથી પણ હનીમુન યુગલે થોડી સાવચેતી રાખવી જરૂરી છે.
હોટલના રૂમની અંદર એક નજર દોડાવી લેવી. કી હોલ કેટલું મોટું છે, શું તેમાંથી અંદર દેખાય છે, તે તપાસી લેવું.
જો તમારો ઉદ્દેશ ફરવાનો હોય નહીં તો રૂમમાં જ આનંદ માણો. પણ એક વાતનો ખ્યાલ રાખો કે આજકાલ હોટલવાળા પણ હનીમુન ઉપર આવેલા યુગલોના રૂમોમાં કેમેરા લગાવી દે છે અને રેકોર્ડિંગ કરી તેને અશ્લીલ સીડી રૂપે વેચે છે. હોટલની વિશ્વસનીયતા વિશે તપાસ કરી લો અને એકવાર ઓરડાનું નીરિક્ષણ પણ કરી લેવું.
હનીમુન દરમિયાન બહાર ફરવા જાઓ ત્યારે લાગણીઓમાં એટલા વહી ન જાઓ કે પલંગ અને પાર્કના હરિયાળા ઘાસનો તફાવત ભૂલી જવાય.
રસ્તા ઉપર ચાલતી વખતે એકબીજા સાથે ચીપકો નહીં. ભલે તમને ત્યાં કોઇ જાણતું હોય નહીં પણ આવા પ્રેમમાં ડૂબેલા યુગલોને જોઇને ગુંડાઓ છેડછાડ કરવા માટે જરૂર આવી પહોંચે છે.
ક્યારેય મોડી રાત સુધી એકલા ફરો નહીં. એવું એકાંત શા માટે શોધવું કે તમારી સુરક્ષા જોખમાઇ જાય?
હનીમુન સમયે સતત રોમેન્ટીક રહેવું જરૂરી હોતું નથી. તમે એ શહેરના કોઇ પ્રસિદ્ધ મંદિર કે ઐતિહાસિક સ્થળો જોવા પણ જઇ શકો છો.
ટૂંકા સ્કર્ટને બદલે જીન્સ અને પંજાબી પહેરો ઊંડાગળાના વસ્ત્રો તમારા પતિને ઉત્તેજિત કરવા માટે જ રાખો. બહાર જતી વખતે એવા કપડાં પહેરશો નહીં.
- નયના