હેડબેન્ડનું પુનરાગમન: પામેલાઓને પ્રિય થઇ પડયું છે વિસરાઇચ ગયેલી એક્સેસરી
ફેશનેબલ માનુનીઓ માટે ડિઝાઇનર વસ્ત્રો જેટલાં જરૃરી છે એટલી જ આવશ્યક છે આકર્ષક એક્સેસરીઝ. ચાહે તે હેન્ડબેગ હોય,ક્લચ હોય, પગરખાં હોય ,અલંકારો હોય કે ગોગલ્સ. જોકે મહિલાઓની એક્સેસરીઝમાં ઘણાં સમયથી હેડબેન્ડ લગભગ બાકાત થઇ ગઇ હોય એવો સિનારિયો જોવા મળે છે. એક્સેસરીઝની વાત આવે ત્યારે ઉપર જણાવેલી બધી વસ્તુઓનો ઉલ્લેખ અચૂક થાય. પણ હેડબેન્ડ મોટાભાગે ભૂલાઇ જાય.
પરંતુ આ વર્ષે ફેશન ડિઝાઇનરોને હેડબેન્ડ સાંભરી આવી હોય એમ લાગે છે. તેથી જ સંખ્યાબંધ હોલીવૂડ સેલિબ્રિટીઓ સુંદર હેડબેન્ડ પહેરતી જોવા મળી રહી છે. અને હવે સામાન્ય યુવતીઓ પણ તેના તરફ આકર્ષાઇ છે. એવું નથી કે આપણે ત્યાં હેડબેન્ડ પહેરવાની ફેશન ક્યારેય આવી જ નથી. વિતેલા જમાનાની અભિનેત્રીઓ નંદા, આશા પારેખ, મુમતાઝ,સાયરા બાનુ, સાધના ઇત્યાદિએ હેડબેન્ડને અત્યંત લોકપ્રિય બનાવી હતી. ફરક માત્ર એટલો કે તેને હેડબેન્ડ નહીં, બલ્કે હેરબેન્ડ કહેવામાં આવતી. અને હોલીવૂડ સેલિબ્રિટીઓએ ફરીથી હેડબેન્ડને ફેશનના રાજમાર્ગ ઉપર લાવીને મૂકી દીધી છે.
આધુનિક હેડબેન્ડમાં સોના કે હીરા-મોતી મઢેલી, પેડેડ, વર્ક કરેલી, ફ્લોરલ જેવી ઘણી વિવિધતા જોવા મળે છે. ફેશન ડિઝાઇનરો કહે છે કે ઘણાં સમય સુધી અવગણના પામેલી આ એક્સેસરી હવે ફરીથી પામેલાઓને ગમવા લાગી છે. આ એક એવી એક્સેસરી છે જે તમને ત્વરિત આકર્ષક લુક આપે છે. તમારો પોશાક સહેજ સાદો હોય તોય હેડબેન્ડને કારણે તમે આકર્ષક દેખાઇ આવો. મહત્વની વાત એ છે કે તમે વાળ ખુલ્લાં રાખ્યાં હોય કે પછી ચોક્કસ રીતે બાંધ્યા હોય, તમને હેડબેન્ડ પહેરવામાં ઝાઝો વિચાર કરવાની જરૃર નથી પડતી.
તમે વચ્ચે પાથી પાડીને વાળ કપાળ પાસે લઇ લો. ત્યાર પછી બેથી ત્રણ ઇંચ જેટલા ઉપરના ભાગમાં હેડબેન્ડ લગાવો. તમે ચાહો તો વાળને આગળથી હળવો પફ આપીને પાછળના કેશનો અંબોડો વાળો અથવા પોની બાંધી દો. આ હેરસ્ટાઇલ સાથે પેડેડ હેડબેન્ડ પહેરો. તે તમને અત્યંત આકર્ષક લુક આપશે. વળી કોઇક વખત તમારા વાળ સરખી રીતે ઓળાતા જ ન હોય તો પેડેડ હેરબેન્ડ પહેરીને તમારા કેશની ખામીને સંતાડી શકાય.
પેડેડ હેડબેન્ડ વિંખાઇ ગયેલા વાળને પણ સુંદર લુક આપે છે.વાસ્તવમાં ૯૦ના દશકમાં પેડેડ હેડબેન્ડની ફેશન પૂરબહારમાં ખીલી હતી. પણ તાજેતરમાં કેટ મિડલટને આવી હેડબેન્ડ પહેરીને તેને સર્વથા લોકપ્રિય બનાવી દીધી છે. જ્યારે જેસિકા આલ્બાએ ભરચક શણગારેલી,લુસી બેન્ટને ફ્લોરલ હેડબેન્ડનો વિસરાઇ ગયેલો પ્રવાહ ફરી ફેશનના રાજમાર્ગ તરફ વાળી દીધો છે.
હેડબેન્ડ પહેરતી વખતે કઇ કઇ વાતો ધ્યાનમાં રાખવી કે કયા પોશાક સાથે કેવી હેડબેન્ડ પહેરવી તેની માહિતી આપતાં ફેશન ડિઝાઇનરો કહે છે..., તમારા પ્રિન્ટેડ ડ્રેસ સાથે તેના કરતાં વિરોધી પ્રિન્ટની હેડબેન્ડ પહેરો. જો તમે મોટી પ્રિન્ટનો પોશાક પહેર્યો હોય તો નાની પ્રિન્ટની હેડબેન્ડ પહેરો. અને જો નાની પ્રિન્ટનો ડ્રેસ પહેર્યો હોય તો મોટી પ્રિનેટની હેડબેન્ડ ધારણ કરો.
પાર્ટી ડ્રેસ સાથે મોટા મોતી મઢેલી હેડબેન્ડ સુંદર લાગશે. તેવી જ રીતે એકદમ ખુલતા શર્ટ અને ડેનિમ સાથે ભરચક વર્ક કરેલી હેડબેન્ડ રંગ જમાવશે.
પફી સ્લીવ્ઝવાળા બ્લેઝર, રગ્ડ શોર્ટસ અને સફેદ ટી-શર્ટની જોડી સાથે પેડેડ હેરબેન્ડ ખૂબ જચે છે. આમેય આ સીઝનમાં પેડેડ હેરબેન્ડ સૌથી વધુ પ્રિય બની છે.
ક્લાસિક બીડેડ હેડબેન્ડ કોઇપણ પોશાક સાથે મિક્સ એન્ડ મેચ કરીને પહેરી શકાય. ચાહે તમારો ડ્રેસ પોલકા ડોટવાળો હોય, પ્રિન્ટેડ હોય કે પછી સ્ટ્રાઇપ્સવાળો.
પાર્ટીવેઅર માટે ભરચક વર્ક કરેલી હેડબેન્ડ ઉપયુક્ત ગણાશે. ખાસ કરીને વાઇટ ડ્રેસ સાથે. ભારતીય પોશાક સાથે પણ આવી હેડબેન્ડ પરફેક્ટ ચોઇસ છે.