સુખ: સુખ આપણી પાસે જ છે. જે છે તે સુખ સુખ સુખ જ છે. બહાર ક્યાં શોધવા નીકળો છો?
સુખ પૈસાથી ખરીદાય ?
એ સુખને જોરદાર ઠોકર મરાય ?
પરમસુખની પરમ પ્રાપ્તિ કદી થાય ખરી ?
એક પૈસાદાર શેઠ સુખ ખરીદવા નીકળ્યો. ના ખરીદવા નહિ, બદલો કરવા, એક્ષ્ચેન્જ કરવા, અદલાબદલી કરવા.
એ શેઠની બહુ કમાયા હતા. બહુબહુ બહુબહુ કમાયા હતા. તમામ ધનદોલતની તેમણે સોનેરી પોટલી બનાવી.
નીકળી પડયા સુખની શોધમાં : ' આ પોટલી લઈ લો, બદલામાં મને સુખ આપો. તમારી સાત પેઢી ખાય તેટલું ધન છે. ન્યાય થઈ જશો. લઈ લો પોટલી, બદલામાં મને આપો સુખ.
સંતોને મળ્યો મહંતોને મળ્યો.
બ્રહ્મને મળ્યો પરબ્રહ્મને મળ્યો.
જ્ઞાાનીને મળ્યો, મહાજ્ઞાાનીને મળ્યો.
હિમાલયને મળ્યો, હેમાળાને મળ્યો.
એ તો કહો કે જેને મળ્યો, તે બધા સારા હતા. તેમણે કહી દીધું : સુખ ક્યાં છે? કેવું છે ? કેટલું છે ? અલ્પજીવી છે કે ચિરંજીવી ? અમને કંઈ જ ખબર નથી. હા, પેલા વિશાળ વૃક્ષ હેઠળ એક પરમ જ્ઞાાની સુફી વસે છે. ત્યાં જાવ તે કદાચ સુખ આપી શકે. તે હંમેશા સુખી જ જણાય છે.
શેઠે જઈને પોટલી મૂકી દીધી એ સુફિયાણા સુફી સામે : 'લઈ લો આ. લઈ જ લે. કદી ખૂટશે નહિ. બદલામાં મને સુખ આપો. માત્ર સુખ.'
સુફી સંતે એક આંખે પોટલી જોઈ. બીજી આંખે શેઠને જોયા. યુક્તિપુર્વક ઉપાડી પોટલી. અને એ જાય ભાગ્યા, આવજો !
'ચોર ચોર પોટલી ચોર,' રડારોળ અને પોકાપોક મૂકતા શેઠ દોડયા સંતની પાછળ : ચોર ચોર
એ શબ્દો જ એવા છે કે લોકો ભેગા થાય જ. થયા જ. બધા ચોરને પકડવા દોડયા. પણ સુફી- સંત આ ગામથી માહિતગાર હતા. આ વનરાજીમાં જ વસેલા હતા. એમ પકડાય તેવા હરગીઝ ન હતા. ન જ હતા.
લોકો કહે : 'ચિંતા ના કરો. એ સંત છેવટે ક્યાં મળશે તે અમે જાણીએ છીએ. પેલું ઘટાદાર વૃક્ષ જ એમનું નિવાસ-સ્થાન.'
જઈને જોયું તો સંત બિરાજમાન હતા. સામે જ ખણખણતી પોટલી પડી હતી.
શેઠશ્રી બોલવા ગયા : ' ચોર ચોર, ભાગેડૂ ચોર.'
સંતે શાંતિથી કહ્યું :' લઈ લે આ તારી પોટલી હવે શું કહેવું છે તારે.'
પોટલી છાતીએ વળગાડી શેઠ કહે :'હાશ ! એવું સુખ મળે છે ને કે વાત ન પૂછો. મારા મનમાં કે જીવનભરની કમાણી ગઈ જ. હું તો હતાશ નિરાશ થઈ ગયો હતો.'
સંત કહે : સુખ મળ્યું ? કેટલું મળ્યું ?'
શેઠ અનહદ ખુશ હતા, સુખમાં હતા.
સંત કહે : ' શેઠજી, સુખ ખોવાયાને મેળવવામાં છે. ગુમાવેલની પ્રાપ્તિમાં છે. સુખ કોઈ બજારમાં મળતું નથી કે પૈસાથી ખરીદાતું નથી. સુખ આપણી પાસે જ છે. જે છે તે સુખ સુખ સુખ જ છે. બહાર ક્યાં શોધવા નીકળો છો? હવે કહો સુખ મળ્યું ?'
શેઠજી કહે : ' હા મળ્યું'
સંત કહે : 'જાવ ત્યારે વહેંચો સુખ સેવા કરો દુ:ખી દરિદ્રોની અપંગોની સુખ આપવાથી મળે છે. વહેંચવાથી મળે જ સુખ.