Get The App

હેરસ્ટાઈલ લગ્ન પાર્ટીની

ગોર્જિયસ લુક માટે અપનાવો પ્રસંગોચિત હેરસ્ટાઈલ

Updated: Dec 23rd, 2019

GS TEAM

Google News
Google News
હેરસ્ટાઈલ લગ્ન પાર્ટીની 1 - image


લગ્નસરા હોય કે અન્ય  કોઈ તહેવાર, માનુની હેરસ્ટાઈલ  તેને અનોખો લુક આપે છે. તેમાંય પ્રસંગોચિત કરેલી હેરસ્ટાઈલ સંબંધિત સ્ત્રીની આવડત પણ છતી કરે છે. વળી દરેક વખતે કરવામાં આવતી  અલગ હેરસ્ટાઈલથી જે તે પામેલા વેગળો દેખાવ ધારણ કરી શકે છે. સંધ્યા શાહ તેની આ આવડત માટે સખીવૃંદ અને સંબંધીઓમાં ખાસ્સી જાણીતી હતી.

તે નિયમિતરૂપે અને પ્રસંગોપાત નોખી-અનોખી હેરસ્ટાઈલ કરીને બધાના આકર્ષણનું કેન્દ્ર બનતી તેથી જ તેની સહેલીઓ કે પરિવારની અન્ય સ્ત્રીઓ હેરસ્ટાઈલ બાબતે સંધ્યાની સલાહ લેતી. પરંતુ બધાના ઘરમાં એક સંધ્યા હોય એ જરૂરી નથી. પણ મુંઝાવાની જરૂર નથી.તમે પણ વિવિધ પ્રસંગે અથવા સમયાંતરે અલગ અલગ પ્રકારની હેરસ્ટાઈલ કરી શકો છો.

કાનથી કાનસુધી પાથી પાડીને બાકીના વાળની ઊંચી પોનીટેલ બાંધી દો, પોેનીટેલના વાળમાં નાનાં નાના કર્લ્સ બનાવી પીનઅપ કરતાં જાઓ. આમ બધા વાળ કર્લ કરીને ગોળાકારમાં પીનઅપ કરી લો. સાઈડમાં હેરપીસ લગાવો. પછી આગળના કેશમાં સાઈડ પાર્ટિંગ કરીને ખુલ્લાં મુકી દો. હવે તમારો ચહેરો દર્પણમાં જુઓ. એકદમ ગોર્જિયસ લુક દેખાશે.

તમારી વય ભલે થોડી વધુ હોય. પણ પ્રસંગોપાત ચોક્કસ પ્રકારની હેરસ્ટાઈલ કરવાથી તમે થોડાં નાના દેખાશો. બધાં વાળને ટોન્ગ કરો. વચ્ચેના વાળની બોક્સ પાર્ટિંગ કરી પાછળના કેશને કોમ્બ કરી પીનઅપ કરી લો. આગળની ફ્લિક્સ એમ જ રહેવા દો. સાઈડ પર ફૂલ લગાવવાથી આ હેરસ્ટાઈલ વધુ આકર્ષક લાગે છે.

ગરમીના દિવસોમાં હાઈ પોની હંમેશાં ફેવરીટ ગણાય છે. પણ જેનું  કપાળ મોટું હોય તેને બધા વાળ ઉપર લઈને ઊંચી પોની વાળવાનું શોભતું નથી.તેથી આગળના વાળમાં વચ્ચે પાથી પાડીને  એ વાળ એમ જ છોડી દો. પાછળના કેશની ઊંચી પોનીટેલ બાંધો. પાર્ટીમાં જવાના હો તો પોનીના થોડાં થોડાં વાળ લઈ કોમ્બિંગ કરી ખુલ્લાં મુકી દેવાથી પોની વધુ આકર્ષક દેખાશે. જો તમારો ચહેરો મોટો હોય તો પણ આવી હેરસ્ટાઈલ તે નાનો દેખાશે. 

જો કપાળ મોટું હોય તો ફ્લેટ ફ્રેંચ હેરસ્ટાઈલથી પણ કપાળ પ્રમાણસર લાગે છે. આગળની ફ્રેંચ ફ્લિક્સને જેલ લગાવીને ફ્લટ લુક આપો. પાછળના કેશને બેક કોમ્બિંગ કરીને પીનઅપ કરી લો. પછી તેનો અંબોડો વાળી દો અથવા ખજૂરિયા ચોટલો પણ સરસ દેખાશે.

પરંપરાગત વસ્ત્રો સાથે હેરસ્ટાઈલ પણ પરંપરાગત જ શોભે. આગળના વાળમાંથી બે લટ કાઢીને પાછળના વાળમાં કોમ્બિંગ કરો. વચ્ચેના ભાગને થોડાં વધુ પફ કરો અને સાઈડના કેશ થોડાં ઓછા ઉપસાવો. પછી વાળને પાછળની તરફ પીનઅપ કરી લો.ત્યારબાદ પાછળના વાળને ટ્વિસ્ટ કરીને કર્લ કરી લો.

પાર્ટીમાં જવુ હોય તો સાઈડમાં પાથી પાડીને આગળના વાળને ફ્લેટકરી પીનઅપ કરો. બાકીના વાળની પોનીટેલ બાંધી દો. આ વાળને અલગ અલગ રીતે વાળીને ફેન્સી હેરપીસ લગાવી દો.

Tags :