દુ:ખી થવું એ માણસનો શોખ છે !!
ફાલતુ દુ:ખી થતી વેળાએ માનવ ભૂલી જાય છે કે એને મળેલો આ માનવ અવતાર ઇશ્વરે આપેલી શ્રેષ્ઠ ભેટ છે. માણસ ઇશ્વરનું ઉત્તમ સર્જન છે. આ જિંદગી તો આનંદ અને ઉલ્લાસ કરવા જ મળી હતી. ઉપર જઈને ઇશ્વર ઠપકો આપશે એ તો અલગ.
આધિ-વ્યાધિ-ઉપાધિ જીવનમાં કહીને નથી આવતી. આમાંની કેટલીક તો માનવસર્જત હોય છે. ઇશ્વર કોઈ દિવસ એવું ઇચ્છતો જ નથી કે માણસ આ ધરા ઉપર દુ:ખી થાય. દુ:ખ અને સુખ માત્ર માનવયોની જ મહેસૂસ કરે છે. બાકી પશુ-પંખીને તો આ વાતની ખબર જ નથી. તેથી તેઓ માણસની સરખામણીમાં સુખી કહી શકાય. આજસુધી કોઈ શારીરિક કે માનસિક વિટંબણાને કારણે કોઈ પશુ-પંખીએ આપઘાત કર્યો હોય એવું બન્યું જ નથી. સુખ-દુ:ખથી પર છે આ પશુ-પંખી.
માત્ર માણસ જ દુ:ખ, દુ:ખના હોય તો ય સમજી લે છે, માની લે છે. સૌ પોત-પોતાના સ્વભાવ પ્રમાણે દુ:ખને પંપાળે છે, ઉછેરે છે. દરેક માણસ પોતાના મનગમતા દુ:ખનો માલિક હોય છે. ગમે ત્યાંથી ના હોય તો પણ એ દુ:ખ ઊભું કરી લે છે. કેમ કે દુ:ખી થવું દુ:ખી રહેવું અને દુ:ખી માની લેઉ એ મોટેભાગે દરેક માણસનો જાણે કે શોખ થઈ ગયો છે. આધિ-વ્યાધિએ દુ:ખ નથી, પીડા છે. કોઈ પ્રિય અંગત સ્વજન ગૂમાવવાથી જે અનુભવાય તેને દુ:ખ કહી શકાય. દુ:ખ સાથે સહાનુભૂતિ વણાયેલી હોવી જોઈએ.
બાકી મોટેભાગે તો આપણે જોઈએ છીએ કે તમામ સુખ-સુવિધાઓ ઘરે હોય તો પણ લોકો દુ:ખી દુ:ખી માલુમ પડતા હોય છે. કયાંક માન-પાન ઓછા મળ્યા, કોઈએ આપણી નોંધ ન લીધી, કોઈ બીજાના કપડા આપણાથી સારા હતા, કોઈ બીજાની આપણાથી વધારે વાહ-વાહ થઈ, કોઈ બીજુ આપણા છોકરાથી વધારે સારું ગાયું કે ડાન્સ કર્યો, કોઈ બીજુ આપણાથી વધારે હેન્ડસમ કે બ્યુટીફૂલ જોયુ, કોક બીજાનો વૈભવ આપણાથી વધારે માત્રામાં સાંભળ્યો, કોકની સંતતિ અને સંપત્તિ આપણાથી સ્માર્ટ અને અધિક જોઈ. લીસ્ટ તો ઘણું લાબું થાય એમ છે, પણ કહેવાનો મતલબ એ છે કે આ બધું જ માનવ મનને દુ:ખી દુ:ખી કરી નાખે છે.
બાકી જોવા જઈએ તો સંસારમાં ક્યાંય દુ:ખ કે સુખ છે જ નહીં.સૌ સરખામણીઓ કરી કરીને દુ:ખી દુ:ખી થવાનો ઇજારો પોતાની પાસે રાખી મળેલા સુખથી પણ વંચિત રહી જાય છે. વાસ્તવમાં માણસ પોતાની જાતને જેટલો સમજે છે તેટલો તે સુખી કે દુ:ખી હોતો નથી. એનો દૃષ્ટિકોણ જ એને સુખ કે દુ:ખ પમાડે છે. આ બાબતમાં ઇર્ષાળુ વ્યકિત સૌથી વધારે દુ:ખી રહેતો હોય છે. ઇર્ષા અને અદેખાઈ દુ:ખની જનેતા છે. કોકનું સુખ ન પચાવી શકનાર આપોઆપ દુ:ખનો હક્કદાર બની જાય છે.
ફાલતુ દુ:ખી થતી વેળાએ માનવ ભૂલી જાય છે કે એને મળેલો આ માનવ અવતાર ઇશ્વરે આપેલી શ્રેષ્ઠ ભેટ છે. માણસ ઇશ્વરનું ઉત્તમ સર્જન છે. એટલે જ માણસને ઇશ્વરનો પ્રતિનિધિ કહ્યો છે. એટલું તો સમજો કે ભગવાને તમને વંદો-કીડી-મંકોડો કે ઉધઇ નથી બનાવ્યા.
તો પછી શું કામ દુ:ખી થઈને શરીરને કોતરી રહ્યા છો.? અપેક્ષા તથા તમારું ધાર્યું જ થાય એ વાતને તડકે મૂકો જો દુ:ખીના થવું હોય તો !! બાકી સમજદારી અને સમાધાન તો કેળવવા જ પડશે. એક દિવસ જ્યારે તમારા જ પલંગ ઉપર મોત બેઠું હશે ત્યારે અફસોસનો પાર પણ નહીં રહે.. કે સાલું, હું તો નાહકનો દુ:ખી થતોતો. આ જિંદગી તો આનંદ અને ઉલ્લાસ કરવા જ મળી હતી. ઉપર જઈને ઇશ્વર ઠપકો આપશે એ તો અલગ.
- દિલીપ રાવલ