ચૈત્રીય નવરાત્રિ શક્તિ ઉપાસનાનું મહાપર્વ
સમગ્ર બ્રહ્માંડ અણુએ અણુમાં વ્યાપ્ત ચેતન્યતા બક્ષતી પરામ્બિકા શક્તિનું પૂજનમા દુર્ગા સ્વરૂપે થાય છે. ચૈત્રિમાસનાં સુદ એકમથી પ્રારંભ થતી ચૈત્રિય નવરાત્રિ શક્તિ ઉપાસનાનો શુભ- શ્રેષ્ઠ સમય છે. આવી વર્ષભરમાં ચાર વખત નવરાત્રિ પર્વ આવે છે. નવરાત્રિને 'નવહ્મ યજ્ઞા' પણ કહે છે. મા જગદંબાની આરાધના માટેની નવરાત્રિનો યજ્ઞા ગણાયો છે.
મા જગદંબાની શક્તિ એટલે સમગ્ર બ્રહ્માંડની શક્તિ મનાયી છે. આથી જ મનુષ્ય માની શક્તિને અખંડ શક્તિ કહે છે, જે બ્રહ્માંડનું સંચાલન કરે છે. મા જગદંબા સ્વરૂપ સમગ્ર બ્રહ્માંડની પ્રકૃતિ ઉત્પન્ન કરીને માની શક્તિમાં લય કરે છે. એટલે જ શાસ્ત્રોમાં જગદંબાની શક્તિને આદ્યશક્તિ એટલે અનાદિશક્તિ કહી છે. એમની અપારશક્તિ પૃથ્વી ઉપર દેશ દિશાએ તથા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. આથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ આ શક્તિની પૂજા કરે છે.
માર્કન્ડ મુનિ શક્રાદયની બીજી સ્તુતિમાં મા જગદંબાનો વિરાટ અર્થ આપી તેમની શક્તિનું વર્ણન કર્યું છે. આ સ્તુતિમાં મા અમ્બા શબ્દનો ભાવાર્થ જણાવાતાં કહેવાયું છે, જે પાલન પોષણ કર્તા છે. તે સર્વેને વિશાળ અર્થમાં મા કહે છે. એટલે જ બ્રહ્માંડની અંદરની જે શક્તિ મનુષ્યનું પાલન કરી શકે છે. તે જ સર્વશક્તિ જગદંબા છે. આથી જ ઋષિઓએ તેમને મા અંબા નામ આપીને પ્રાર્થના કરે છે, ' હે મા જગતજનની ! સમગ્ર બ્રહ્માંડની ભીતર દેવ સ્વરૂપ શક્તિ છે. તે તારા આશીર્વાદથી પ્રાપ્ત થઈ છે. સર્વ લોકોનું કલ્યાણ કરનારી શક્તિ સ્વરૂપમાં જગદંબાને પ્રણામ કરીએ છીએ. શક્તિ સ્વરૂપ જગદંબાને પામવાનું સર્વમય, માનવીનાં સર્વગુણનો આધાર, નિર્વિકાર, નિત્ય, નિરંજન છે.
આ સર્વે ઋષિ જ્યારે મા જગદંબાને પૂછે છે, કે હે દેવી ! તમે ખરેખર કોણ છો ? ત્યારે મા એ ઉત્તર આપતા જણાવ્યું: ' આ સમગ્ર બ્રહ્માંડ મારી જ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયું છે. ને મારામાં લય થાય છે. જગતમાં જે કંઈ સારૂં કે નરસું છે તે સર્વ મારી પ્રકૃતિ જ છે. હું બુધ્ધિશાળી વ્યકિતની શુધ્ધ બુધ્ધિમાં વાસ કરૂં છું. તેમનાં જીવનમાં આનંદ સ્વરૂપ હું છું. જ્યારે મલિન વૃતિ ધરાવતા મનુષ્ય માટે દુઃખ સ્વરૂપ છું. વિશ્વનાં વિકાસનાં વિજ્ઞાાનનું સ્વરૂપ હું છું. અજ્ઞાાનીઓમાંના અજ્ઞાાનને દૂર કરી, જ્ઞાાનનો પ્રકાશ ફેલાવનાર હું જ છું. હું શક્તિ તથા બ્રહ્મસ્વરૂપ છું. માનવીનાં જન્મ-મૃત્યુનું કાળ ચક્ર હું છું.
માઈ ભક્તો ચૈત્રિય નોરતામાં વિશેષ દૂર્ગાપૂજા કરે છે. કેમકે સંસારમાંની માયામાં ઓતપ્રોત મનુષ્યને સદ્બુધ્ધિ આપવા દૂર્ગા સ્વરૂપમાની પૂજા આવશ્યક છે. જેથી માનવ- જીવનમાં શુધ્ધ-કલ્યાણની ભાવના ઉત્પન્ન થાય.
'દૂગાયૈ દૂર્ગા પારાયે સારાયે સર્વકારિણ્યે ।
ઋચાત્વે તર્થવ કૃષ્ણાર્થે દ્યુમાથૈ સતત નમ:।।
અર્થાત: હે દેવીમા ! દૂર્ગમ સંક્ટને પાર કરનાર સદ્બુધ્ધિ આપનાર આપ જ છો. આવી શુધ્ધ બુધ્ધિથી અમારા મનમાં શુભ વિચારો ઉત્પન થાય એવી અમને પ્રકૃતિ આપો. જેનાથી અમારા જીવનમાં મલિન વિચારો દૂર થાય અને સારા વિચારો આવે. આવી દૂર્ગા સ્વરૂપ દેવીને હું નમસ્કાર કરું છું. દૈવી શક્તિની સાધના એ સત્યશીલ અને કલ્યાણકારી ઉપાસના મનાય છે. પરમ પ્રકાશની ઝાંખી કરવા તથા પ્રેરણા પૂંજની પ્રાપ્તિ કાજે માતા જગદમ્બાનું ધ્યાન, અર્ચન, પૂજન, ચિંતન- મનન ઉત્તમ માર્ગ છે. દૈવી શક્તિ રૂપી નાવથી જીવનના મહાસાગરની અનંતતા તથા અગાધતાને પાર કરી શકાય છે. આવી શક્તિની ભક્તિ માનવ- જીવન ઉજ્જવળ બનાવે છે. તેના આત્માને પ્રકાશિત કરે છે.
શ્રી દુર્ગાયે નમ:।।
- પરેશ અંતાણી