દિવાળીમાં ઘરની સાથે તમારું સૌંદર્ય પણ સજાવો
દિવાળીને હવે વધુ વાર નથી ત્યારે ગૃહિણીઓએ ઘરના ખૂણેખૂણા સાફ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હશે, કારણ કે દરેક સ્ત્રી ઇચ્છે છે કે પર્વના દિવસોમાં તેનું ઘર સ્વર્ગ સે સુંદર લાગે. જોકે ઘરને સુંદર બનાવવા પાછળ સ્ત્રીઓની સુંદરતા ઝાંખી પડી જાય છે. દિવસ-રાત આંખ મીંચીને સાફસફાઈ કરતી વખતે માનુનીઓ જો અમુક વાતોનું ધ્યાન રાખે તો તેમની સુંદરતા નહીં કરમાય.
વાળ: રૂમનાં બાવાં-જાળાં પાડતી વખતે કે ઝાપટઝૂપટ કરતી વખતે ત્યાં ભરાયેલી ધૂળ વાળમાં અને માથાના તાળવામાં ચોંટી જાય છે. એને લીધે વાળ મેલા અને ચીકણા તેમજ જ રૂક્ષ થઈ જાય છે. એનાથી બચવા વાળને સ્કાર્ફથી સંપૂર્ણપણે કવર કરી લેવા. જોકે મોટો સ્કાર્ફ લઈ વાળ અને ચહેરાને બુકાની બાંધી લેવામાં આવે તો ધૂળથી થતી એલર્જીથી પણ બચી શકાય છે.
આ પ્રકારની સફાઈ કરતી વખતે વાળમાં તેલ નાખવાનું અવોઈડ કરવું. જો વાળ ઓઈલી હશે તો ધૂળના રજકણો એમાં સજ્જડપણે ચોંટી જશે અને વાળને ચોખ્ખા કરવા વધુ શેમ્પૂ વાપરવું પડશે. બીજું, આ પ્રકારની સૂકી સફાઈ જેટલા દિવસ કરો એટલા દિવસ સફાઈ પત્યા પછી દરરોજ વાળને શેમ્પૂ અને કન્ડિશન કરવાનું ચુકાય નહીં.
સ્કિન: સાફસફાઈ કરતી વખતે ઊડતી ધૂળ ત્વચાને મેલી કરે છે. એનાથી બચવા બની શકે તો શરીરને સંપૂર્ણપણે ઢાંકતાં અને લૂઝ ફિટિંગનાં આરામદાયક સુતરાઉ કપડાં પહેરવાં. જો સિન્થેટિક કપડાં પહેર્યાં હોય તો પરસેવો અને ધૂળ એલર્જીનું કારણ બની શકે. સફાઈ કર્યા પછી ચણાના લોટમાં મલાઈ હળદર નાખી ચોળીને નાહવાથી શરીર પરનો મેલ નીકળી જશે અને ત્વચા ક્લીન દેખાશે.
હાથ-પગ અને નખઃ સૌથી વધુ સમય માગી લેતા શરીરના આ અવયવો દિવસ દરમિયાન ઓવરટાઈમ કરે છે. કપડાં ધોવા વપરાતા સાબુ, બ્રશ કે વાસણ માંજવા વપરાતા લિક્વિડ કે ટાઈલ્સને ચમકાવવા વપરાતું એસિડ, જંતુ મારવાની દવા, ગ્લાસ-ક્લીનર, બ્રશ કે હાથ-પગ અને નખની બૂરી વલે કરે છે. હંમેશા સફાઈ કરતી વખતે હાથમાં રબરનાં મોજાં પહેરવાનો આગ્રહ રાખવો. ડોકટર સર્જરી વખતે પહેરે છે એવાં મોજાં કોઈપણ સાઈઝના હાથ પર ચપોચપ બેસી જાય છે. તેને લીધે ખુણે-ખાંચરે હાથ કે આંગળીથી કામ કરવામાં મુશ્કેલી નથી પડતી. વધુ વખત પાણીમાં રહેવાથી નખ બટકણા થઈ જાય એવો પ્રશ્ન નથી સતાવતો.
સફાઈ થયા પછી દરરોજ તળિયાને સ્ક્રબરથી સાફ જોઈએ એથી તેમાં મેલ ભરાઈ રહે. રાત્રે સૂતા પહેલાં ઓલિવ ઓઇલમાં બે-ચાર અરોમા ઓઈલમાં ભેળવી હાથ-પગ પર હળવે હાથે માલિશ કરવું. તેનાથી હાથ-પગનો થાક ઉતરે છે. રિલેક્સ ફીલ થાય છે. હૂંફાળા પાણીના ટબમાં હાથ-પગ બોળી સરખી રીતે લૂછીને હેન્ડ-ફીટ ક્રીમ લગાવવાથી હાથ-પગ કોમળ બને છે.