Get The App

ડિઝાઈનર દીવાથી ઘર સજાવો

Updated: Oct 21st, 2019

GS TEAM

Google News
Google News
ડિઝાઈનર દીવાથી ઘર સજાવો 1 - image


દીવાળીનાં થોડાં દિવસો પહેલાંથી શોભા દિવાળીની તૈયારીઓમાં લાગી જાય છે. તેણે ગઈ દિવાળીમાં તેની બહેનપણીના ઘરે ડિઝાઈનર દીવા જોયા હતા. તે તેને ખૂબ ગમ્યા હતા. શોભાએ બહેનપણી નીતાને પૂછ્યું તો તેણે જણાવ્યું, ''બજારમાં આવા ડિઝાઈનર દીવા દુકાનોમાં મળે છે. તેમની કિંમત ૨૦ રૂપિયાથી લઈને ૧૦૦ રૂપિયા સુધીની હોય છે.''

નીતાના ડિઝાઈનર દીવા જોઈને શોભાએ વિચાર્યું કે હવે પછીની દિવાળીએ તે પણ આવા જ દીવા બનાવશે. તેણે દીવા બનાવનાર કારીગર પાસે જઈને દીવાની જુદીજુદી ડિઝાઈન જોઈ અને એવા જ થોડાક  દીવા બનાવવા કહ્યું.

શોભાના ઓર્ડર પ્રમાણે જુદીજુદી ડિઝાઈનવાળા ૬ દીવા તૈયાર કર્યા. શોભાએ દરેક ડિઝાઈનના ૫૦-૫૦ દીવા ખરીદ્યા. તેને આ દીવા ૩ થી ૨૦ રૂપિયાની અંદરની કિંમતમાં પડયા. તેણે સૌપ્રથમ બધા દીવા પાણીમાં પલાળી દીધા. તે પછી દીવા બહાર કાઢીને સુકાવા મૂકી દીધા. બધા દીવા સુકાઈ ગયા પછી શોભાએ તેમના પર પીળા રંગના ઓઈલ કલરથી ડિઝાઈન બનાવી. તેણે કહ્યું, ''પીળો રંગ દીવાની ડિઝાઈનને ઉપસાવે છે. પીળો રંગ કરવાથી ડિઝાઈન્સમાં નવો લુક આવ્યો.''

શોભાએ આમ તો ડિઝાઈનર દીવા પોતાના માટે બનાવ્યા હતા. જેણે પણ શોભાએ તૈયાર કરેલા દીવા જોયા, તે તેને પસંદ કરવા લાગ્યા.

શોભાએ બનાવેલા દીવા બધાને ખૂબ ગમ્યા હતા. બધાનાં મોંએ પ્રશંસા સાંભળીને શોભાનો ઉત્સાહ ઓર વધ્યો. તે પોતે બનાવેલા ડિઝાઈનર દીવા લઈને શહેરના એક મોલમાં ગઈ. તેમને તે દીવા ગમ્યા. તેમણે શોભા પાસેથી જુદીજુદી ૬ ડિઝાઈનના ૩૦૦ પીસ ખરીદ્યા. આ દીવાઓને તેમણે નાની નાની પોલિથીનમાં પેક કર્યા. આ રીતે તેની મૂળ કિંમત કરતાં ચાર ગણી વધારે કિંમતમાં દીવા વેચાવા લાગ્યા. મોલની મુલાકાત લેનારા લોકોને પણ તે દીવા ખૂબ ગમ્યા.

હવે શોભા આ દીવાને મોટી સંખ્યામાં બનાવવાની તૈયારી કરી રહી છે. તેણે તેની સાથે ૫ મહિલાઓનું એક ગુ્રપ બનાવી લીધું. શોભાનું કહેવું છે, ''તમે ભલેને વેચાણર્થે દીવા ન બનાવો પણ તમારા ઘરમાં પ્રજ્જવલિત કરવા તો ડિઝાઈનર દીવા બનાવી જ શકો છો.''

શોભાની જેમ જ નંદા પણ ડિઝાઈનર દીવા બનાવવાનું કામ દિવાળીના બે મહિના પહેલાં જ શરૂ કરી દે છે. નંદા આ દીવાઓને દિવાળીમાં યોજાતા મેળાઓમાં વેચવાનું કામ કરે છે. તેનાથી જે લાભ થાય છે, તેમાંથી તે ગરીબ બાળકોની મદદ કરે છે. તે સ્કૂલમાં બાળકોને આવા ડિઝાઈનર દીવા બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. નંદા કહે છે, ''ઘણી સ્કૂલોમાં દિવાળીના દિવસોમાં પ્રદર્શન યોજાય છે.

સ્કૂલનાં બાળકો ડિઝાઈનર દીવા અને ગ્રીટિંગ કાર્ડ બનાવીને વેચાણ કરી શકે છે. જે તેમના ખિસ્સા ખર્ચનું માધ્યમ બની શકે છે. ગૃહિણીઓ આ દીવાને બનાવીને પોતાનું ઘર સજાવી શકે છે. બજારમાં મળતા દીવા એકસરખા હોઈ શકે છે, પણ તમે બનાવેલા ડિઝાઈનર દીવા સંપૂર્ણ રીતે ભિન્ન પણ હશે અને તમારી રચનાત્મક્તાથી પણ લોકોને અવગત કરાવશે. લોકોની પ્રશંસા સાંભળીને તમારી દિવાળીની મજા બમણી થઈ જશે.''

Tags :