Get The App

ચપટી વગાડતાં તૈયાર થાય તેવો નાસ્તો

દાવત - જ્યોત્સના .

Updated: Mar 16th, 2020

GS TEAM

Google News
Google News
ચપટી વગાડતાં તૈયાર થાય તેવો નાસ્તો 1 - image


પાતરાંના સમોસા

સામગ્રી: 

૨૦૦ ગ્રામ તુવેરના લીલવા, ૧૦૦ ગ્રામ બટાકા, ૧ ટેબલસ્પૂન તલ, ૩ લીલાં મરચાં, ૧ ટેબલસ્પૂન ગરમ મસાલો, ૧ ટીસ્પૂન ખાંડ, ૨૫ ગ્રામ કોપરાનું ખમણ, એક આખું લસણ, ૧ નંગ લીંબુ, ૧ નાની ઝૂડી લીલા ધાણા, ૨૦૦ ગ્રામ ચણાનો લોટ, ૨૫૦ ગ્રામ અળવીનાં પાન-નાનાં, મીઠું, હળદર, મરચું, તેલ, હિંગ, સોડા.

રીત: 

તુવેરના લીલવાને અધકચરા વાટવા. બટાકાને બાફી, છોલી નાના કટકા કરવા. એક વાસણમાં થોડું તેલ મૂકી, હિંગનો વઘાર કરી, લીલવાનો ભૂકો વધારવો. તેમાં મીઠું નાખી, ઢાંકણ ઢાંકી બફાવા દેવો. બરાબર બફાય એટલે તેમાં તલ, લીલાં મરચાંના કટકા, ગરમ મસાલો, ખાંડ અને કોપરાનું ખમણ નાંખી, હલાવી ઉતારી લેવું. પછી તેમાં વાટેલું લસણ, લીંબુનો રસ અને લીલા ધાણાને સમારી, ધોઈ, કોરા કરીને નાંખવા. ચણાના લોટમાં મીઠું, હળદર ચપટી સોડા અને થોડું મરચું નાંખી, ભજિયાં જેવું ખીરું બનાવવું. અળવીનાં પાનને વચમાંથી ચીરી બે ભાગ કરવા. તેના ઉપર ચણાના લોટનું ખીરું લગાડી દરેકની વચમાં મસાલો મૂકી સમોસા વાળવા. પછી બધી બાજુ ચણાનું ખીરું લગાડી, તેલમાં તળી લેવા.

કબાબ ફિરદોસી

સામગ્રી: 

૫ બાફેલા બટાકા, ૩ મોટા ચમચા શેકીને કાપેલાં કાજુ, ૩ મોટા ચમચા ઘટ્ટ દહીં, અડધો ચમચો ઝીણી સુધારેલી કોથમીર, અડધી ચમચી ફુદીનાનાં પાન ઝીણા સમારેલાં, અડધી ચમચી ઝીણું સમારેલું લીલું મરચું, ૧ મોટો ચમચો મિક્સ ડ્રાયફ્રુટ, મીઠું સ્વાદ મુજબ, ૧ મોટો ચમચો કોર્નફ્લોર, ૧ નાનો ચમચો સફેદ તલ, અડધો ચમચો કાળા તલ, તલની માત્રમાં જરૂર મુજબનું તેલ.

બાફેલા બટકાને સારી રીતે મસળી તેમાં મીઠું અને લીલું મરચું ભેળવો. ડ્રાયફ્રૂટ, કાજુના ટુકડા, કોથમીર, ફુદીનો, લીલાં મરચાં, ઘટ્ટ દહીંમાં મીઠું નાખીને ભેળવો. હાથમાં બટાકાની એક ટિક્કી લઈને તેમાં દહીંનું મિશ્રણ ભરો અને ટિક્કીને કોનનો આકાર આપો.

કોર્નફ્લોરનું ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. હવે કોનની ચારે બાજુ કોર્નફ્લોરની બનાવેલી પેસ્ટ લગાવો. વચ્ચે કાળા તલ અને ઉપરનીચે સફેદ તલ લગાવો. ગરમ તેલમાં કરકરા થાય ત્યાં સુધી તળો અને ફુદીનાની ચટણી સાથે તેનો સ્વાદ માણો.

વધેલા ખોરાકની સાચવણી કેવી રીતે કરશો?

વધેલા ખોરાકનો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં ન આવે તો તેની ગુણવત્તા બગડી જતી હોય છે. 

વધેલા ખોરાકને ફ્રીઝમાં રાખતાં પહેલાં તેને પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમ ફોઈલમાં વીંટાળીને મૂકો, જેથી ખોરાકનો 'ફ્લેવર' જળવાઈ રહે છે. બ્રેડ અને અન્ય બેકેડ ચીજવસ્તુઓને ફ્રીઝમાં રાખવાની જરૂર નથી હોતી. અલબત્ત, તે સૂકાઈ ન જાય તે માટે તેને ફોઈલ જેવા યોગ્ય આવરણમાં રાખવી જોઈએ. અને ડેરી પદાર્થો જેવી વધેલી નાશવંત ચીજોને તત્કાળ ફીઝરમાં મૂકવી જોઈએ. જે ગરમ હોય તો પણ ફ્રીઝમાં મૂકવામાં વાંધો નથી પરંતુ એકબીજાથી દૂર અને છૂટી મૂકવી.

 ફ્રીઝમાં રાખવા છતાં તેમાં દુર્ગંધ આવે તો તે ફેંકી દેવો. 

વધેલા ખોરાકને સહેજ ગરમ કરવાથી બગડતો નથી તે માન્યતા ભૂલ ભરેલી છે. આથી બગડી ગયેલા ખોરાકનો તાત્કાલિક નિકાલ કરો.

યાદ રહે, તમારું સ્વાસ્થ્ય એ જ જીવનની મોટી મૂડી છે.

બંગાળી સમોસા

સામગ્રી: 

૩ મોટા બાફેલા બટાકા, ૫૦ ગ્રામ પનીર, ૭-૮ લીલાં મરચાં, ૧ ટુકડો આદું, ૨-૩ નાના ચમચા માખણ, મીઠું સ્વાદ મુજબ, ચપટી લવિંગ પાઉડર, ૨ મોટા ચમચા ઝીણી સુધારેલી કોથમીર, ચપટી અજમો, બે કળી વાટેલું લસણ, અડધો કપ દહીં, ૧ મોટો ચમચો કોર્નફ્લોર.

રીત: 

દહીંને બે કલાક માટે એક પાતળા કપડામાં નાખીને પાણી નિચોવી દો. તેમાં થોડું ગરમ કરેલું માખણ, મીઠું, અજમો, લસણ, એક ચમચો કોથમીર, લીલું મરચું અને કોર્નફ્લોર ભેળવો. બટાકાનાં મોટાં મોટાં પિત્તાં પાડીને ૧૦-૧૫ મિનિટ સુધી તેને દહીંના મિશ્રણમાં પલાળો.

ત્યાં સુધી પનીરને હાથેથી સારી રીતે મસળી નાખો. તેમાં બાકી વધેલી કોથમીર, મીઠું, લીલાં મરચાં, આદું અને થોડું કોર્નફ્લોર ભેળવો. ૨ બટાકાનાં પિત્તાંની અંદર થોડું પનીરનું મિશ્રણ નાખી તેને સેન્ડવિચની જેમ તૈયાર કરો. એક ગ્રિલમાં નીચે અથવા પહેલાંથી ગરમ કરેલા ઓવનમાં મૂકીને તેને શેકો. 

Tags :