પંજાબી પકવાન હોંશે હોંશે ખાવ
દાવત - જ્યોત્સના .
પનીર ટિક્કી
સામગ્રી :
પનીર ૫૦૦ ગ્રામ, લીલા ધાણા - ઝીણા સુધારેલા, લીલા મરચા - ઝીણા સુધારેલા, ખાંડ ૧/૨ ટી. સ્પૂન, કોર્ન ફ્લોર ૩થી ૪ ટેબલ સ્પૂન, ઝીણા સુધારેલા કાજુ ૧ ટી. સ્પૂન, લીલુ ખમણેલું કોપરું ર ટેબલ સ્પૂન, દાડમના દાણા ૧ ટેબલ સ્પૂન, લાલ સૂકી દ્રાક્ષ ૧ ટી. સ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ શેકવા માટે.
પનીરને મસળીને લીસું બનાવવું. લીલા ધાણા, લીલા મરચા, ખાંડ, મીઠું, ૨ ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર મિક્સ કરી માવા જેવું બનાવવું. કાજુ, કોપરુ, દાડમના દાણા, દ્રાક્ષને મિક્સ કરી પૂરણ બનાવવું. પનીરના નાના ગોળા વાળવા. હાથેથી પનીરના ગોળા ચપટા કરવા, વચ્ચે કાજુનું થોડુંક મિશ્રણ મૂકી ગોળા બંધ કરવા અને ચપટી પેટીસ જેવું વાળી કોર્નફ્લોર પર રગદોળવું. હલકા હાથે વધારાનો કોર્નફ્લોર ખંખેરી નાખવો અને ઓછું તેલ મૂકીને પેટીસને ગુલાબી રંગના શેકી લેવા.
બ્રેડના સેન્ડવીચ પકોડા
સામગ્રી :
બ્રેડની સ્લાઇઝ ૧૦ નંગ, બાફેલા બટાકા ૨૫૦ ગ્રામ, ચણાનો લોટ ૨ કપ, વાટેલા લીલા મરચા ૧/૨ ટી. સ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણાનો પાઉડર ૧/૨ ટી. સ્પૂન, અનારદાણાનો પાવડર ૧ ટી. સ્પૂન, પંજાબી ગરમ મસાલો ૧/૨ ટી. સ્પૂન, સોડા ચપટી, તેલ તળવા માટે.
બ્રેડની સ્લાઇઝને ત્રિકોણ કાપવી. તેની કિનારી કાઢી નાખવી. બાફેલા બટાકાનો માવો કરવો. તેમાં મીઠું, અનારદાણાનો પાવડર, ધાણાનો પાવડર, ગરમ મસાલો, વાટેલા મરચા મિક્સ કરી પૂરણ તૈયાર કરવું, ચણાના લોટમાં પાણી મિક્સ કરી સાધારણ પાતળું ખીરું તૈયાર કરવું. તેમાં મીઠું, લાલ મરચું, ખાવાનો સોડા નાખી મિક્સ કરી કલાક રાખી મૂકવું. બ્રેડની સ્લાઇઝ પર પૂરણ પાથરવું. તેના પર બ્રેડની સ્લાઇઝ મૂકીને સેન્ડવીચ તૈયાર કરવી. ખીરામાં બોળીને ગરમ તેલમાં ગુલાબી રંગની તળી લેવી. ગરમાગરમ સોસ અથવા ચટણી સાથે પીરસવી.
વટાણા અને પાલકના રોલ
સામગ્રી :
મેંદો ૧ કપ, વટાણા (ફોલેલા) ૧ કપ, પાલકની ભાજી ૧ કપ, મીઠું સ્વાદ પ્રમાણે, લીલા વાટેલાં મરચાં ૧ ટી. સ્પૂન, જાયફળ પાવડર ૧/૪ ટી. સ્પૂન, ચીઝ ક્યૂબ બે નંગ, તેલ ચોપડવા માટે, સોડા ચપટી, ઘી ર ટેબલ સ્પૂન.
રીત :
મેંદાને ચાળી તેમાં ઘીનું મોણ, મીઠું, સોડા નાખી પૂરી જેવો નરમ લોટ બાંધવો. લોટને અર્ધો કલાક રાખી મૂકવો. વટાણાને મિક્સરમાં વાટી લેવા. પાલકની ભાજીને પણ મિક્સરમાં પેસ્ટ કરવી. કડાઇમાં વટાણાનો માવો અને ભાજીની પેસ્ટ મિક્સ કરી શેકવું. પાણી બળી જવું જોઇએ. પૂરણ કોરું થવું જોઇએ.
વાટેલા લીલા મરચા, જાયફળ પાવડર, મીઠું પૂરણમાં મિક્સ કરવું. લોટને ફરી એકવાર મસળી અખરોટ જેવા લૂવા કરવા. ચોરસ પૂરી વણવી. પૂરી પર વટાણા-ભાજીનું પૂરણ પાથરવું. તેની પર ખમણેલી ચીઝ પાથરવી. સ્વીસ રોલ જેવું વાળવું અને ચોખ્ખા સફેદ મલમલના કપડાંમાં વીંટાળી દેવા. કલાક પછી રોલ પર તેલ ચોપડવું અને ગરમ કરેલા ઓવનમાં ૧૮૦ ૦ સેન્ટીગ્રેડ પર અર્ધા કલાક બેક કરવું (દસ મિનિટે રોલને ફેરવવા) બદામી રંગના અને કડક થાય ત્યાં સુધી બેક કરવું.
આલુ સરસોં વાલે
સામગ્રી :
૩ મોટા બટાકા બાફેલા, ૨ ટી સ્પૂન રાઇ (સરસોં), ૩-૪ લીલા મરચા, ૧/૨ કપ દહીં (યોગર્ટ), મીઠું સ્વાદાનુસાર, ચપટી હળદર, ર લાલ આખા મરચાં, ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો, ચપટી ખાંડ, ર ટી સ્પૂન તેલ.
દહીંવાળી ચટણી
સામગ્રી :
લીલા સુધારેલા ધાણા ૧/૨ કપ, લીલું મરચું ૧, મીઠું સ્વાદાનુસાર, દાળિયા ૧ ટેબલ સ્પૂન, ખમણેલું લીલું કોપરું ૧ ટેબલ સ્પૂન, લીંબુનો રસ ૧ ટી. સ્પૂન, મોળું દહીં ૧/૨ કપ.
દહીં સિવાય બધું જ મિક્સ કરીને ઝીણું વાટી લેવું. જમતા પહેલાં દહીંને વલોવીને મિક્સ કરીને સર્વ કરવું.
ફૂદીનાની ચટણી
સામગ્રી :
લીલા ધાણા ૧/૨ કપ, ફૂદીનો ૧/૨ કપ, લસણ ર કળી, દાળિયા ૧ ટેબલ સ્પૂન, લીલું ખમણેલું કોપરું ૧ ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, લીલા મરચાં ૨ નંગ, લીંબુ ૧ નંગ.
મિક્સીમાં પહેલાં દાળિયાનો પાવડર કરવો. પછી તેમાં કોપરું, લસણ, મરચા નાખીને પીસી લેવું. પછી પાણીથી ધોયેલા અને નીતારેલા ધાણા-ફૂદીનો નાખવા, મીઠું, લીંબુનો રસ મિક્સ રસ મિક્સ કરી ફરી એકવાર મિક્સી ચલાવીને પીસી લેવું. બાઉલમાં ચટણી કાઢી લેવી અને પાણી નાખી સાધારણ પાતળી ચટણી તૈયાર કરવી.
રીત :
બટાટાને મીઠું નાંખી બાફી લો. બફાઇ ગયા બાદ તેમાંથી પાણી કાઢી લો. બાફેલા બટાકાની છાલ કાઢી લઇ બટાકાના કટકા કરી દેવા. રાઇ અને લીલા મરચાં પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને દહીંમાં ભેળવો. તેમાં ૧/૨ ટી-સ્પૂન મીઠું અને ચપટી હળદર નાખો. હવે બટાકાના ટુકડાને આ પેસ્ટમાં એક કલાક સુધી રાખો. સર્વ કરતી વખતે એક નોનસ્ટીક પેન કે કડાઇમાં તેલ ગરમ કરો. તેમાં દહીં નાંખેલા બટાટા નાંખો. દહીં પૂરેપૂરું જાડું થઇ જાય ત્યાં સુધી તેને ધીમા તાપે શેકાવા દો. આમાં હવે ગરમ મસાલો તથા ચપટી ખાંડ નાખી ગરમ-ગરમ પીરસો.