શિયાળાની સાંજે ગરમાગરમ નાસ્તો
દાવત - જ્યોત્સના .
મકાઈના પૂડલા
સામગ્રી:
૨ કાચા મકાઈડોડા, ૧ કપ ચણાનો લોટ, ૨ સમારેલાં લીલાં મરચાં, ૧ ચમચી ચોખાનો લોટ, મીઠું સ્વાદાનુસાર, ૧/૨ ચમચી ચાટનો મસાલો, તળવા માટે પૂરતું તેલ.
રીત:
મકાઈ ધોઈને ઝીણી છીણી લો. એમાં બધી સામગ્રી મિક્સ કરી લો. નોનસ્ટિક પેનમાં તેલ લગાવીને એક ચમચો ખીરું પાથરો. એની ચારે બાજુ તેલ રેડો. બંને બાજુથી લાલ થાય ત્યાં સુધી શેકો. તેને ફુદીનાની ચટણી સાથે પીરસો.
પૌષ્ટિક ક્રિસ્પી દાળ
સામગ્રી:
૧/૨ કપ સોજી, ૧/૨ કપ ઘઉંનો લોટ, ૧ ચમચો મોણ, ૧/૪ ચમચી બેકિંગ પાઉડર, મીઠું સ્વાદ મુજબ, ૩/૪ કપ ફોતરાવાળી મગની દાળ, ૧ લીલું મરચું, ચપટી હિંગ, ૧ ચમચી લાલ મરચું, તળવા માટે તેલ.
રીત:
સોજી લોટ, મીઠું અને બેકિંગ પાઉડર મિક્સ કરી મોણ નાખો. હૂંફાળા પાણીથી મઠિયાના લોટ જેવો કઠણ લોટ બાંધો. દાળ ધોઈને બે કલાક માટે પલાળી રાખો. ફૂલી જાય પછી અધકચરી વાટી લો. બધા મસાલા દાળમાં મિક્સ કરી લો. હવે બાંધેલા લોટમાંથી લીંબના આકારના લૂઆ બનાવીને મઠરીની જેમ થોડી જાડી પૂરી વણો. પછી ઈચ્છાનુસાર કાપી એની ઉપર દાળના મિશ્રણનું પડ પાથરી ગમર તેલમાં બ્રાઉન રંગે તળી લો. લીલી, લાલ ચટણી અને ગરમા-ગરમ ચા સાથે પીરસો.
ફુદીનાના પૂડલા
સામગ્રી:
૧ કપ ફુદીનાનાં પાન, ૩/૪ કપ મગની ફોતરાવાળી દાળ, ૨ લીલાં મરચાં, ચપટી હિંગ, મીઠું સ્વાદ મુજબ તળવા માટે પૂરતું તેલ.
રીત:
મગની દાળને ધોઈ બે કલાક માટે પલાળી રાખો. બધી સામગ્રી મિક્સ કરી વાટી લો. નોનસ્ટિક પેનમાં તેલ લગાવીને મિશ્રણ પાથરો. પૂડલાં બંને બાજુથી કડક શેકી લો. ચટણી સાથે પૂડલાનો સ્વાદ માણો.
સેવનો પુલાવ
સામગ્રી:
૫૦૦ ગ્રામ હાથની બનેલી સેવ, ૧ કપ મટર, ૧/૨ કપ ગાજર બારીક સમારેલાં, ૫ ચમચી તેલ, ૫ ચમચી લીંબુનો રસ, ૧ ચમચી રાઈ, ૧ ૧/૨ ચમચી ચીલી સોસ, મીઠું સ્વાદ મુજબ.
ચીઝ બોલની સામગ્રી:
૨૦૦ ગ્રામ બ્રેડનો ભૂકો, થોડો સોડા, ૧ ચમચી દહીં, મીઠું સ્વાદ મુજબ તળવા માટે પૂરતું તેલ.ચીઝ બોલના મિશ્રણને સારી રીતે મિક્સ કરી અને એકસરખી ૧૫-૨૦ ગોળીઓ બનાવો. ગેસ પર તેલ ગરમ કરો. ધીમા ગેસ પર ગોળીઓ તળી અલગ રાખો. સેવ ગરમ પાણીમાં બાફી લો. એમાં એક ચમચી ઘી, એક ચમચી મીઠું અને એક ચમચી લીંબુનો રસ નાખી થોડી કડક થઈ ગયા પછી ચાળી લો. ચોખ્ખા પાણીથી ધોઈ ચાસણીમાં મૂકો.
એક કઢાઈમાં ચાર ચમચી તેલ ગરમ કરી રાઈ નાખો. તેમાં ગાજર, અને મટર નાખો. બધું મિશ્રણ નાખી સેવ નાખી દો. સારી રીતે મિક્સ કરી ગેસ પરથી ઉતારી લો. તૈયાર થયેલા પુલાવમાં ચીઝ બોલ નાખી પીરસો.
રાઈસ માર્બલ
સામગ્રી:
૧ કપ ચણાની દાળ, ૨ કપ ચોખા, ૪ લીલાં મરચાં ઝીણાં સમારેલાં, ૧/૪ છીણેલું લીલું નાળીયેર, ૧ ચમચી તેલ, ૨ ઝીણી સમારેલી ડુંગળી, ૧ ચમચી વરિયાળી પાઉડર, ચપટી હિંગ, મીઠું સ્વાદ મુજબ તળવા માટે પૂરતું તેલ.
ચણાની દાળ ધોઈને ચાર કલાક સુધી પલાળી રાખો. ચોખા પણ ધોઈને પલાળી રાખો. પાણી કાઢીને બંનેને કરકરા વાટી લો. તેમાં લીલાં મરચાં, હિંગ, તલ, વરિયાળી પાઉડર, મીઠું અને ડુંગળી નાખી સારી રીતે મિક્સ કરી લો.
આ મિશ્રણમાંથી થોડું- થોડું મિશ્રણ હથેળી પર લઈ તેને હળવા હાથે દબાવી ગરમ તેલમાં કડક થાય ત્યાં સુધી તળી લો. જેથી અંદરથી પણ કડક શેકાઈ જાય. પછી ટામેટાંની ચટણી સાથે પીરસો.