સ્વાસ્થ્ય માટે હાનિકારક ફેશનથી સાવધાન...
બજારમાં ચાલતી નવી ફેશનને અનુસરીને આપણે મોર્ડન દેખાવવા માટે અનેક પ્રયોગો કરતા હોઈએ છીએ પણ કેટલીક ફેશનોનું જાણ્યા સમજ્યા વિના આંધળુ અનુકરણ તમારા સ્વાસ્થ્ય પર અવળી અસર પાડી શકે છે. જેના અનેક હાનિકારક પરિણામો તમને ભોગવવા પડી શકે છે. આવો જાણીએ કેટલીક હાનિકારક ફેશન વિશે જે તમારા આરોગ્ય પર અવળી અસર કરી શકે છે.
ઊંચી હિલ્સના ચપ્પલ
આવા પ્રકારના ચપ્પલ મહિલાઓને અતિપ્રિય હોય છે. પરંતુ તેની સાથે જ તેને કારણે થતો દુ:ખાવો પણ અસહ્ય હોય છે અને તેની આરોગ્ય પર થતી અવળી અસર પણ અવગણી શકાય એમ નથી. લાંબા ગાળે તેનું દુષ્પરિણામ તાદ્રશ્ય થાય છે. જેને કારણે પગની ત્વચામાંથી ભીનાશ શોષાઈ જાય છે અને પગની ચામડી કઠણ બની જાય છે અને જો તમે તેને સારું થવા માટે સમય ન આપો તો સમસ્યા વણસી શકે છે. આવી ઊંચી એડીના ચપ્પલને કારણે તમારા શરીરનું વજન તમારી અડીઓ પર આવવાથી મેટાટાર્સલ્ગીઆ થવાનો ભય રહે છે. જેમાં એડીમાં કાંઈ ખૂંચતુ હોય એવો પીડાકારક અનુભવ આપે છે. આવી ઊંચી એડીઓને કારણે પગના ઘૂંટણમાં પણ દુ:ખાવો થઈ શકે છે. તે સિવાય કરોડરજ્જુના મણકા સાથે જ તમારી કમરમાં પણ દુ:ખાવો થઈ શકે છે.
ટાઈટ જીન્સ
ત્વચાને ચીપકીને રહેતા ફીટંફીટ જીન્સની જોડી કોને પસંદ નથી? પરંતુ આવા ટાઈટ જીન્સ પહેરવાથી આડઅસર પણ થઈ શકે છે. તેમ જ લાંબા ગાળા સુધી આવા જીન્સ પહેરવાથી ફંગલ ઈન્ફેક્શન પણ થઈ શકે છે. કારણ આવા કપડાંને કારણે ભીનાશ શોષાતી નથી અને બેક્ટેરિયાને વધવાની તક મળે છે. અને ત્વચાને લગતી સમસ્યા સર્જાઈ શકે છે. પુરુષો આવા કપડાં પહેરે તો તેમના ટેસ્ટીકલ્સ પર દબાણ આવે છે અને વીર્ય સંખ્યા ઘટવાની તેમજ ટેસ્ટીક્યુલર ટોર્શનની સમસ્યા પણ સર્જાઈ શકે છે. કેટલીક વાર તેને કારણે કેટલીકવાર પગનો અમુક ભાગ ખોટો પડી જવાની પણ અનુભૂતિ થાય છે. કારણ રક્તનું પરિભ્રમણ ઘટી જાય છે અને કેટલીકવાર આવા ટાઈટ કપડાં પહેરવાથી પેટમાં પણ દબાણ આવે છે.
કોરસેટ
આજકાલ મનગમતું ફિગર મેળવવા અને પેટની વધેલી ચરબી છૂપાવવા મહિલાઓ કોરસેટનો ભરપૂર ઉપયોગ કરવા લાગી છે. પરંતુ તે ખૂબ જ ફીટંફીટ હોય છે. જેની સ્વાસ્થ્ય પરની અસર ખૂબ જ હાનિકારક છે. તબીબો કહે છે આને કારણે ત્વચા સૂકાઈ જવી, અસુવિધા અને રક્તનું પરિભ્રમણ અટકવાથી એટલો ભાગ ખોટો પણ પડવાની શક્યતા છે. તેમજ આવા કોરસેટ પહેરવાથી પેટ ખસી જવાની ઘટના પણ બની શકે છે. તે સિવાય છાતીમાં બળતરા એસીડિટી, પાચનતંત્રની સમસ્યા જેવી અને પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે. આવા ફીટ કોરસેટને કારણે કેટલીકવાર શ્વાસોશ્વાસમાં ઓછાં ઓક્સિઝનના શ્વસનની પણ સંભાવના છે. કારણ આવા વધુ પડતા ફીટ કોરસેટથી ફેફસા પર પણ દબાણ આવે છે.
જોખમી કાપડનો ઉપયોગ
રસાયણનો ઉપયોગ કરી બનાવેલા કપડા જેમ કે ઐક્રેલિક નાયલોન, રેયોન ઉનાળામાં પહેરી શકાતા નથી. કારણ તેને પહેરવાથી શરીરમાં ખંજવાળ ત્વચા પર લાલ ચાઠાં થવા જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે. તે સિવાય પોલિએસ્ટર, નાયલોન અને રેયોન જેવા કપડાંમાં જોખમી રસાયણોનું ભરપૂર પ્રમાણ હોય છે અને તબીબીઓના મતે આવા કપડાં મુંબઈનાં ઉનાળા અને ભેજવાળા વાતાવરણમાં પહેરવા યોગ્ય નથી. આવા કપડાંને કારણે તમારી ત્વચા શ્વાસોચ્છવાસ કરી શકતી નથી અને પરસેવો પણ શોષાતો ન હોવાથી ત્વચામાં ઈન્ફેક્શન થવાની શક્યતા પણ રહે છે.
ભારે બુટ્ટીઓ
આવી બુટ્ટીઓ મહિલાઓની પહેલી પસંદ હોય છે જે મહિલાઓના મુડમાં ધરખમ ફેરફાર સર્જી શકે છે. પરંતુ તેને કારણે કેટલીક વાર કાનની બૂટ પણ ખેંચાઈ શકે છે. અને તેને દરરોજ ખૂબ જ વધારે સમય સુધી પહેરવાથી કાનની બૂટને મોટું નુકસાન થઈ શકે છે. અને ઘણી પરિસ્થિતિમાં તે ખેંચાઈને લબડી જતો હોય છે. આની કોઈ ખાસ સારવાર પણ ઉપલબ્ધ નથી અને તેને કારણે જો આ બાબતમાં પરિસ્થિતિ યોગ્ય સમયે તમે ન સંભાળો તો તમારે જીવનભર આવા લબડેલા કાન સાથે રહેવાની ફરજ પડી શકે છે.
આમ તમારી ત્વચાની અને શરીરની યોગ્ય કાળજી રાખી શરીરને અનુરૂપ ફેશન સમજી વિચારીને કરી ફેશન માણો અને હાનિકારક ફેશનથી દૂર રહી સ્વસ્થ ફેશનની મોજ માણો.
- ચેતના રાજા