શિયાળાની મોસમનો મોહક મેકઅપ
જીવનમાં રંગ નથી તો કંઈ નથી. આગ ઝરતી ગરમીમાં આછા રંગ તન-મનને ઠંડક આપે છે, તો શિયાળામાં લાલ, કાળો, વાદળી, લીલો, કેસરી, મજન્ટા, ઘેરો લીલો, ઘેરો પીળો વગેરે તમામ ઘેરા રંગ મોસમની ઠંડકમાં ગરમીનો અને મેટાલિક ગ્રે કલર વાતાવરણમાં ખુશીનો અહેસાસ કરાવે છે.
વળી શિયાળામાં જાડાં જાડાં કપડાં પહેરીને પણ આરામથી ફરી શકાય છે. સાવ હળવા સ્કર્ટના બદલે જીન્સ પેન્ટ અને જેકેટ પણ પહેરી શકાય છે. સાડીઓમાં સિલ્ક, હાઈસિલ્ક કે સાટીન અને ડ્રેસમાં કોટ્સવુલનો ભરપૂર ઉપયોગ શિયાળામાં જ કરી શકાય છે.
ઓફિસ માટે કે દિવસ દરમિયાન ક્યાંય બહાર જતી વખતે બ્લ્યૂ જીન્સ પેન્ટની ઉપર પીળું કે સફેદ પુલોવર અને તેના પર બ્લ્યૂ જેકેટ અથવા બ્લેક જીન્સ અને જેકેટ સાથે લાલચટક ગરમ બ્લાઉઝ અને લાલ રંગનો સ્કાર્ફ તમને ઠંડીથી તો બચાવશે જ, સાથે સાથે ચુસ્ત અને સ્ફૂર્તિલા પણ બનાવશે.
તમે જો સ્કર્ટ પહેરવા ઈચ્છતાં હો તો કોમ્બિનેશન સેટ બનાવીને પહેરો. સ્કર્ટની અંદર સાઈકલ શોર્ટ્સ અથવા ચપોચપ સ્લેક્સ જરૂર પહેરો, નહીંતર પગ ઠરી જશે.
ઠંડી વધારે હોય તો ચટક રંગના સ્વેટર ટ્વિન સેટમાં પણ પહેરી શકો છો. એટલે કે સ્લિવલેસ સ્વેટરની ઉપર એ જ રંગનું પ્લેન અથવા સેલ્ફ કે એવા કોઈ કોમ્બિનેશનમાં બાંયોવાળું ખૂલતું સ્વેટર ઠંડીથી તો રક્ષણ આપશે જ સાથોસાથ સુંદર પણ દેખાશે.
પશ્ચિમી ડ્રેસની સાથે નાના-મોટા સ્કાર્ફ અને શાલ પણ સારાં લાગે છે. સ્કાર્ફને સામેની બાજુએ ગાંઠ વાળીને કે માત્ર એક તરફ ખભા પર પણ રાખી શકાય છે. રંગબેરંગી મેચિંગ કોન્ટ્રાસ્ટ ડિઝાઈનની શાલ સીધેસીધી પણ ઓઢી શકો છો.
શિયાળામાં ભારે અને મોટાં ઈયરરિંગ, ટોપ્સ, નેકલેસ વગેરે કોસ્ચ્યુમ જ્વેલરી પણ પ્રસંગાનુસાર છૂટથી પહેરી શકાય છે. એ જ રીતે પશ્ચિમી ડ્રેસની સાથે જ શૂઝ અને બેલી પહેરી શકો છો. તેમની સાથે તમારી ત્વચાના રંગના કે કપડાંને મેળ ખાતા રંગના મોજાં પહેરી શકાય.
ભારતીય વેશભૂષામાં પણ તમે શિયાળા દરમિયાન નવીનતા ઊભી કરી શકો છો. રેશમી સાડી સાથે ઊનનું કે મખમલનું મેચિંગ ભરત ભરેલું બ્લાઉઝ પહેરો. અનેક રંગમાં મળતી પશ્મીનો, સેમી પશ્મીનો અને કુલુ ખીણની શાલ પણ સાડી અને સૂટ બંને સાથે મેચ થાય છે.
વધુ નવીનતા ખાતર સાડી સાથે ટ્વિન સ્વેટર પણ પહેરી શકાય છે. એમાં નીચેના બાંય વિનાના સ્ટેટર પર સાડીનો પાલવ નાખીને ઉપર બાંયવાળું સ્વેટર પહેરી શકો છો. અથવા તો પાલવને ગળાની પાછળથી આગળ લાવીને બીજા ખભા બાજુથી આગળ પહોળો કરી દો અને ઉપર બાંયવાળું સ્વેટર પહેરી તેના બટન બંધ ન કરો.
સાડી સાથે જો બંધ ગળાનું સ્વેટર પહેરવા ઈચ્છતાં હો તો સાડીની પાટલી વધારે વાળીને પાલવને ખભાના બદલે કમર ફરતો જ લપેટીને ખોસી લો. આ રીતે સાડી બની જશે. ફૂલલેન્થ સ્કર્ટ અને તેની ઉપર ભરત ભરેલું રંંગીન સ્વેટર સુંદર દેખાશે. તેની સાથે કોઈપણ આભૂષણ ચાલશે.
ભારતીય પોશાક સાથે બેલી કે બંધ અથવા ખુલ્લાં સેંડલ અને તેના મેચિંગમાં જ પર્સ પસંદ કરશો તો વધુ સુંદર લાગશે અને જો ઠંડી વધારે હોય તો સાડીની નીચે સાઈકલ શોર્ટ્સ કે સ્લેક્સ પહેરી શકાય છે.
શિયાળામાં મેકઅપ પણ ઘેરો જ હોવો જોઈએ. તેવી રીતે લાલ, મરૂન, અથવા કોફી રંગની નેઈલ પોલિશ અને લિપસ્ટિક ખૂબ સુંદર લાગશે.
લાલ, બ્લ્યૂ, પીળો, લીલો અને કાળો રંગ શિયાળાના રંગ માનવામાં આવે છે. શિયાળામાં ફૂલો પણ આ રંગના જ હોય છે. એટલે કુદરતની જેમ જ મોહક રંગોને ધ્યાનમાં રાખીને એવાં જ વસ્ત્રો પહેરો અને ફૂલોની જેમ જ તમારું વ્યક્તિત્વ ખીલવો.
- પૂનમ