બિહારીબાબુ પંકજ ત્રિપાઠીનો વતનપ્રેમ .
- પંકજ ત્રિપાઠી હમેશાં કહેતા આવ્યા છે કે મારાં બિહારી મૂળિયાંએ મને એક્ટર તરીકે ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે
બોલિવુડમાં સફળતા મળ્યા બાદ એકટર્સ લાખ્ખો-કરોડોમાં રમતા થઈ જાય છે. ગણતરીના વરસોમાં વૈભવ એમના આંગણમાં આળોટતો થઈ જાય છે. એમાં એક્ટર પોતાના મૂળ ભૂલી જાય એવી પૂરેપૂરી શક્યતા રહે છે. સિનેમાના ગ્લેમરથી અંજાઈ ગયેલી આંખો આવું ન કરે તો જ નવાઈ કહેવાય. સદનસીબે, હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં આજેય એવા કલાકારો છે જેઓ પોતાના રૂટસ સાથે જોડાયેલા છે. એમનો વતનપ્રેમ દાખલારૂપ બની ગયો છે. પંકજ ત્રિપાઠી એવા એક્ટર્સની યાદીમાં શિરમોર છે. વર્સેટાઈલ એક્ટરે હમણાં એક એવી ફિલ્મનું શુટિંગ શરૂ કર્યું છે, જેમાં એના વતન બિહારમાં આકાર લેતી માનવી અને પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષની કથા છે.
પંકજ ત્રિપાઠીની આ અનટાઇટલ્ડ મૂવીનું સુકાન રાઇટર-ડિરેક્ટર અમિત રાયને સોંપાયું છે. અત્રે નોંધવું ઘટે કે ત્રિપાઠી રાયની એક્ટર-ડિરેક્ટર જોડીએ ૨૦૨૩માં બહુ ચર્ચાસ્પદ બનેલી હીટ ફિલ્મ 'ઓએમજી-૨' આપી હતી. 'ઓહ માય ગોડ-૨' સ્કૂલોમાં બાળકોને સેક્સ એજ્યુકેશન આપવાની હિમાયત કરતી હતી. ફિલ્મમાં અક્ષયકુમારે ભગવાન શંકરની ભૂમિકા કરી હતી. રાયની બિહારી બેકગ્રાઉન્ડ પર આધારિત નવી ફિલ્મમાં ત્રિપાઠી ઉપરાંત પવન મલ્હોત્રા, લાપત્તા લેડીઝ ફેમ ગીતા અગરવાલ અને જાણીતા ટીવી એક્ટર રાજેશ કુમાર પણ મહત્ત્વના રોલમાં છે.
પંકજ ત્રિપાઠી હમેશાં કહેતા આવ્યા છે કે મારા બિહારી રૂટસે મને એક્ટર તરીકે ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. અમિત રાય સાથે બીજી ફિલ્મ કરવાનાં બે કારણો આપતા પંકજ કહે છે, 'પહેલું કારણ એ કે મૂવીમાં મારા બિહારની વાર્તા છે. જ્યારે બીજુ કારણ અમિત રાય છે. રાયે 'ઓએમજી-૨'માં જે રીતે સેક્સ એજ્યુકેશનનું મહત્ત્વ સમજાવ્યું છે એમને બહુ ગમ્યું. એને લીધે જ 'ઓએમજી-૨' મારા માટે એક સ્પેશિયલ બની રહી. ફક્ત એટલા માટે નહિ કે એ બોક્સ ઓફિસ પર રૃા.૧૮૦ કરોડનું કલેક્શન કરનાર મારી પહેલી સોલો હીટ ફિલ્મ હતી, પણ એ કારણસર કે ફિલ્મ લોકોને ઊંડે સુધી સ્પર્શી ગઈ હતી એટલે મારું અમિત સાથે ફરી જોડાવું સ્વાભાવિક છે. એમના સ્ટોરી ટેલિંગમાં ઊંડાણ, ઇમાનદારી અને એક ઉદ્દેશ વર્તાય છે, જે મને ગમે છે.'
ફિલ્મમાં એક થ્રિલર મૂવીના થોડા શેડ્સ પણ જોવા મળશે. રાયે પોતાની ડિરેક્ટર તરીકેની આ ત્રીજી ફિલ્મ માટે ૩૫ દિવસના સ્ટાર્ટ-ટુ-ફિનીશ શુટિંગનો પ્લાન બનાવ્યો છે.
ફિલ્મના પ્લોટ વિશે વધુ વિગતો ન આપતા તેઓ પંકજ સાથે ફરી જોડાવાની ખુશી દર્શાવે છે. ફિલ્મમાં બિહારી માહોલ ઊભો કરવા રાયે લોકલ ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાંક આર્ટિસ્ટોને પણ કાસ્ટ કર્યા છે.