શ્રીમદ્ ભાગવત કણિકા .
આપણા ભારતવર્ષની ભૂમિ એ સંતોની ભૂમિ છે. ઋષિમુનિઓની ભૂમિ છે. એવું કહેવાય છે કે દુલર્ભ ભારતે જન્મ । ભારત દેશની ભૂમિ પર જન્મ થવો એ આપણું અહોભાગ્ય છે. આપણા દેશના મૂર્ખ લોકો બાળકનો જન્મ કરાવવા માટે પરદેશ જાય છે. પરદેશની ધરતી પર બાળકનો જન્મ કરાવીને તેનું નાગરિકત્વ લેવું એ તો મૂર્ખતાની હદ છે. આપણા દેશમાં અનેક ઋષિઓ થઈ ગયા. જેને આપણે આર્ષદ્રષ્ટા ઋષિઓ તરીકે ઓળખીએ છીએ. ભવિષ્યમાં સેંકડો નહિ પરંતુ હજારો વર્ષો પછી શું થવાનું છે તે જોઈ શકનાર મુનિ એટલે આર્ષદ્રષ્ટા. તેમાં સૌથી પ્રથમ આવે આપણા વ્યાસમુનિ.
શરૂઆતમાં વેદ એક જ હતો. આ એક વેદના ચાર વિભાગ કરીને તેને અલગ અલગ નામ આપનાર તે વ્યાસમુનિ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ વ્યાસ મુનિએ વેદના ચાર ચાર વિભાગ કર્યા, સત્તર સત્તર પુરાણો લખ્યા, પરંતુ તેમને મનમાં ઉદ્વેગ, ઉચાટ રહ્યા કરે. તેમને વારંવાર થાય કે હું શું કરું ? જેથી મારા મનને શાંતિ થાય ? મારું મન પ્રસન્ન થાય. આથી નારદમુનિની પ્રેરણાથી તેઓ સમાધિમાં બેસી ગયા. અને આ સમાધિ અવસ્થામાં તેમને ભગવાન શ્રીકૃષ્ણે સારસ્વત કલ્પમાં જે લીલાઓ કરી તેનું દર્શન થયું. એટલે શ્રીમદ્ભાગવત એ સમાધિ અવસ્થામાં લખાયેલો ગ્રંથ છે. અઢાર પુરાણોમાં શ્રેષ્ઠ પુરાણ એટલે શ્રીમદ્ ભાગવત.
આજે તે લગભગ ઘર ઘરનો ગ્રંથ થઈ ગયો
ભગવતા પ્રોક્તમ્ ઇતિ ભાગવતમ્ ।
ભગવાને જે કહ્યું તે ગ્રંથ એટલે શ્રીમદ્ ભાગવત. મોટા ભાગના લોકો-વ્યાસ મુનિને ભગવાન તરીકે પૂજે છે.
જીવન કેવી રીતે જીવવું, કુટુંબ પ્રત્યે કેવો પ્રેમભાવ રાખવો તે આપણને રામાયણ શીખવે છે. અને મૃત્યુ આવે તો કેવી રીતે મરવું એ આપણને શ્રીમદ્ ભાગવત શીખવે છે.
શ્રીમદ્ ભાગવત એટલે શ્રીનાથજી બાવાનું વાગ્મય સ્વરૂપ , સાહિત્યિક સ્વરૂપ. શ્રીમદ્ ભાગવતના પાને પાને શ્રીનાથજીબાવા બિરાજેલા છે.
શ્રીમદ્ ભાગવત એટલે નિગમ કલ્પતરો : ગલિતં ફલમ્ । વેદરૂપી કલ્પવૃક્ષનું પાકેલું ફળ એટલે શ્રીમદ્ ભાગવત. શ્રીમદ્ ભાગવત માણસને નિર્ભય બનાવે છે.
શ્રીમદ્ ભાગવતમાં ૧૨ સ્કંધ, ૩૩૫ અધ્યાય, અઢાર હજાર શ્લોક તથા પાંચ લાખ છોંતેર હજાર અક્ષરો છે. શ્રીમદ્ ભાગવતના ૧૨ સ્કંધને શ્રીનાથજીના ૧૨ અંગો સાથે સરખાવવામાં આવ્યા છે.
સ્કંધ અંગ લીલા
પ્રથમ ભગવાનનો જમણોચરણ અધિકારલીલા.
દ્વિતીય ભગવાનનો ડાબોચરણ સાધનલીલા.
તૃતીય જમણાબાહુનું મૂળ સર્ગલીલા.
ચતુર્થ ડાબા બાહુનું મૂળ વિસર્ગલીલા.
પંચમ જમણો નિતંબ સ્થાનલીલા.
ષષ્ઠ ડાબો નિતંબ અનુગ્રહલીલા.
સપ્તમ જમણો હાથ ઊત્તિલીલા.
અષ્ટમ જમણો સ્તન મન્વન્તરલીલા
નવમ ડાબો સ્તન ઇશાનુકથા
દશમ ભગવાનનું હૃદય નિરોધ લીલા
એકાદશ મસ્તક મુક્તિ લીલા
દ્વાદશ ડાબો હાથ આશ્રય લીલા
- અંજના મહેતા