અમિષા પટેલ : હજીય ખૂંચે છે મારી પીઠમાં ભોંકાયેલો છરો
- 'મેં માત્ર પડદા પર દેખાવા ખાતર કામ કરવાનું ક્યારેય પસંદ નથી કર્યું. મેં એવી ફિલ્મો અને એવાં પાત્રો પર જ પસંદગી ઉતારી છે જે લોકોને વર્ષો સુધી યાદ રહે'
જ્યારે જ્યારે લોકોને એવું લાગે કે અભિનેત્રી અમિષા પટેલની સ્મૃતિ ઝંખાઈ રહી છે ત્યારે તે અચાનક પ્રગટે છે. થોડા સમય પૂર્વે જ 'ગદર-૨'ની અકલ્પનીય સફળતાએ આ વાત પુરવાર કરી બતાવી. અદાકારાને ફિલ્મોદ્યોગમાં આવ્યે પણ પચીસ વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો છે. તેણે વર્ષ ૨૦૦૦૨માં 'કહો ના પ્યાર હૈ'થી હિન્દી ફિલ્મોમાં પર્દાપણ કર્યું હતું. અલબત્ત, આટલા લાંબા વર્ષોમાં તેની જેટલી ફિલ્મો આવવી જોઈએ અને તેની કારકિર્દી જેટલી ઊંચે જવી જોઈએ એટલી ગઈ નથી.
અદાકારા કહે છે કે મેં માત્ર પડદા પર દેખાવા ખાતર કામ કરવાનું ક્યારેય પસંદ નથી કર્યું. મેં એવી ફિલ્મો અને એવા પાત્રો પર જ પસંદગી ઉતારી છે જે લોકોને લાંબા વર્ષો સુધી યાદ રહે. મેં ક્યારેય મારા કામની બડાઈ હાંકવાનું પણ ઉચિત નથી માન્યું. મેં મારા કામને જ બોલવા દીધું છે. હું દ્રઢપણે માનું છું કે જો તમારા કામમાં દમ હશે તો તે સ્વયં બોલશે. તમને કશું કહેવાની જરૂર નથી. અમિષા વધુમાં કહે છે કે મને માત્ર ગુણવત્તાસભર કામ જ કરવું હતું તેથી મેં 'ગદ્દર-૨'થી પહેલા ઘણાં વર્ષ સુધી એકેય ફિલ્મ નહોતી કરી. લોકોની નજરમાં રહેવા ખાતર સેટ પર જઈને રીલ્સ બનાવતા રહેવામાં મને જરાય રસ નથી.
'ગદ્દર-૨'ને અકલ્પનીય સફળતા મળી, પણ અદાકારા આ ફિલ્મના સર્જકથી નારાજ છે. જોકે તેની નારાજગી પાછળ સબળ કારણ પણ છે. અમિષા પર ફિલ્મનું જે ક્લાઇમેક્સ ફિલ્માવવામાં આવ્યું હતું તે અમિષાની જાણ બહાર બદલી નાખવામાં આવ્યું. આવી સ્થિતિમાં અમિષાને છેતરાઈ ગઈ હોવાની અનુભૂતિ થાય તે સ્વાભાવિક છે. અદાકારા કહે છે કે મેં એમ સમજીને 'ગદ્દર-૨'માં કામ કરવાનું સ્વીકાર્યું હતું કે મારું પાત્ર વિલનને મારી નાખીને યોગ્ય બદલો લેશે. પરંતુ મારી જાણ બહાર ક્લાઇમેક્સ બદલી નાખવામાં આવ્યું. અનિલ શર્મા અમારા માટે પરિવારજન સમાન છે. તેમણે મને આ બાબતે જણાવવું જોઈતું હતું. પરંતુ તેઓ બદલેલા ક્લાઇમેક્સનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે એક વર્ષ સુધી મારી સાથે સંપર્ક નહોતો રાખ્યો. જો તેમણે મૂળ ક્લાઇમેક્સ જાળવી રાખ્યું હોત તો ફિલ્મને વધુ સારું કલ્ટ સ્ટેટસ મળત. જોકે હવે ફિલ્મને ધાર્યા કરતાં ઘણું વધુ સારી સફળતા મળી છે. અને જીવનના આવા અનુભવો પણ આપણને ઘણું શીખવી જાય છે.
તો શું અમિષા ભવિષ્યમાં અનિલ શર્મા સાથે કામ નહીં કરે? આનો ઉત્તર આપતાં અદાકારા કહે છે કે મને જે વિષયવસ્તુ ગમશે તે ફિલ્મમાં હું કોઈ પણ સર્જક સાથે કામ કરીશ, પણ મારી પીઠમાં ફરીથી છરી ન ભોંકાય એ બાબતે સાવધ પણ રહીશ.'