Get The App

કોક્કાસે વેર વાળ્યું ! યંત્રવિદ્યાના જાણકારનો કેવો કરૂણ અંત !

આંખ છીપ, અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી

તોસલીનગરના રાજા કાલજંઘે રાજા રાણી અને વૈજ્ઞાાનિક કોક્કાસને ઇર્ષ્યાથી જેલમાં પૂર્યા !

Updated: Dec 4th, 2019

GS TEAM

Google News
Google News


કોક્કાસને ફાંસી આપવા માટે લઈ જવામાં આવ્યો. ફાંસી ચડાવવાના સમયે કોક્કાસે શંખ વગાડયો. કોક્કાસને ફાંસી આપવામાં આવી. કોક્કાસનું મૃત્યુ થયું. 

 (૩)(ગતાંકથી આગળ)

કોક્કાસે સુતારના સાધનો હાથમાં લીધા અને ઝડપથી રથ ચાલતો કરી દીધો. સુતાર ચમકયો. સુતાર કહે, ' તમે કોણ છો ? તમે કોક્કાસ તો નથી ?'

કોક્કાસની ખ્યાતી જગતભરમાં ફેલાઈ ગયેલી. આ સુતાર પણ તેનું નામ જાણે. કોક્કાસે હા પાડી. સુતારને થયું કે વિમાન બનાવનારો આવો મહાન માણસ અમારા નગરના રાજાને મળ્યા વિના ચાલ્યો જાય તે બરાબર નહિ. તેણે કોક્કાસને રોકીને રાજાને ખાનગીમાં કહેવડાવ્યું કે તરત આવો. આવો મહાન યંત્રવિદ્ આપણા નગરમાં આવ્યો છે.

રાજાના સેનાધિપતિ કોક્કાસને લેવા આવ્યા. કોક્કાસ કહે,'મારા નગરના રાજા અને રાણી જંગલમાં છે. અમારું વિમાન જંગલમાં પડયું છે. અમને જલદી જવા દો.'

રાજા કહે, 'તમે એમ નેમ ચાલ્યા જાવ એ બરાબર નહિ. રાજા અને રાણીને પણ અમે નગરમાં બોલાવીએ. અમે સૌને સાચવીએ. તમારું સન્માન કરીએ.' રાજાની આજ્ઞાાથી એમ જ થયું.

તોસલી નગરના રાજાએ રાજા રિપુદમન અને તેની રાણીને કેદ કરી લીધા. કોક્કાસને રહેવા માટે સરસ મકાન આપ્યું, તમામ સગવડ આપી, રાજાએ કહ્યું,' હવે તમારે અહીં જ રહેવાનું છે. તમારે અમને ઉડતો ઘોડો બનાવી આપવાનો છે.'

કોક્કાસની મૂંઝવણનો પાર નહોતો. કોક્કાસને ક્યાંય ગમતું નહોતું.કોક્કાસને આ સન્માન પણ અપ્રિય લાગતું હતું. કોક્કાસે તોસલી નગરના રાજા કાલજંઘને કહ્યું,' હું આપની આજ્ઞાા મુજબ ઉડતો ઘોડો બનાવી આપીશ.'

રાજા કહે,' તમારે તે વિદ્યા મારા પુત્રોને શીખવવાની છે.'

કોક્કાસ કહે,' હું ઘોડો બનાવીશ, તે ઉડશે, તેની સાથે ઉડવાની કળા પણ હું રાજકુમારોને શીખવાડીશ, પણ તે પછી તમારે મને અને અમારા તામ્રલિપ્તી નગરના રાજા રિપુદમન અને મહારાણીને સન્માનભેર જવા દેવા પડશે.'

રાજા કાલજંઘે હા પાડી. કોક્કાસે તેને જોઈતા હતા તે સાધનો મંગાવ્યા. મંત્રીએ જંગલમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લાકડામાંથી તે સાધનો બનાવવાની વ્યવસ્થા કરી આપી. કોક્કાસે એક જ દિવસમાં એક ઘોડો બનાવ્યો. એવો ઘોડો, જે આકાશમાં ઉડી શકે !

આખા નગરના લોકો ફાટી આંખે જોઈ રહ્યાં. કોક્કાસ આખો દિવસ મહેનત કરીને થાકી ગયો હતો. રાજાના બે રાજકુમારો ત્યાં જ ઉભા રહીને ઘોડો કેમ બને છે તે જોયા કરતા હતા. કોક્કાસે વાત વાતમાં કહેલું કે હવે આ કળ દબાવીએ એટલે ઘોડો આકાશમાં ઉડશે !

કોક્કાસ તો થાકીને સૂઈ ગયેલો.

રાજકુમારો એક બીજાને કહે,' હવે આ કોક્કાસની શું જરૃર છે ? આપણને તેણે બતાવ્યું છે કે ઘોડો કેવી રીતે ઉડે. ચાલો આપણે જઈએ.'

બન્ને રાજકુમાર ઘોડો લઈને આકાશમાં ઉડયા.

તે સમયે હાજર રહેલા લોકોએ ચિચિયારી પાડી.

કોક્કાસ ઉઠયો. તે સમજ્યો નહિ કે શું થયું ? તેણે પૂછયું કે શું થયું ? લોકોએ કહ્યું કે, 'રાજકુમારો ઘોડો લઈને આકાશમાં ઉડયા !'

કોક્કાસે ચિસ પાડી. 'અરે મૂર્ખાઓ ! મેં તે રાજકુમારોને હજુ સમજાવ્યું નથી કે ઘોડો પાછો કેમ વાળવો. હવે રાજકુમારો પાછા નહિ આવે !'

નગરમાં સનસનાટી ફેલાઈ ગઈ. રાજા કાલજંઘ દોડતો આવ્યો. તેણે કોક્કાસને ફાંસીની સજા આપી. કોક્કાસ રડી પડયો.

કોક્કાસને ફાંસી આપવા માટે લઈ જવા માણસો આવ્યા. તે સમયે રાજાના બે નાના રાજકુમારો આવી ચડયા. તેમને થયું કે આવો મહાન કલાકાર હમણા મરી જશે અને આપણે તો કંઈ શીખ્યા જ નહિ !

તેમણે કોક્કાસને કહ્યું,' તમે તો હમણાં ચાલ્યા જશો. પણ  અમને પણ કંઈક તો આપીને જાઓ.'

કોક્કાસ ક્રોધથી ધ્રૂજતો હતો. તેના મનમાં રાજા કાલજંઘ પ્રત્યે વેર સળગતું હતું. તેણે મનમાં ગાંઠ વાળી, તેણે રાજકુમારોને કહ્યું, 'મને થોડા સાધનો લાવી આપો, હું તમને યંત્ર બનાવી આપું.' રાજકુમારો દોડતા લાકડાના સાધનો લઈ આવ્યા.

કોક્કાસે તેમાંથી યંત્ર ખડું કર્યું. રાજકુમારોને કહ્યું,' તમારે આ યંત્રમાં બેસવાનું જમણા પગથી જે નાની કળ છે તેના પર લાત મારવાની તે પછી આ યંત્ર ઉડશે. પણ જ્યારે મને ફાંસીગરો ફાંસીએ ચડાવે તે વખતે હું શંખ વગાડીશ ત્યારે જ તમે આ કળને લાત મારજો.'

રાજકુમારોએ હા પાડી.

કોક્કાસને ફાંસી આપવા માટે લઈ જવામાં આવ્યો. ફાંસી ચડાવવાના સમયે કોક્કાસે શંખ વગાડયો. કોક્કાસને ફાંસી આપવામાં આવી. કોક્કાસનું મૃત્યુ થયું. 

એ જ સમયે રાજકુમારોએ પેલા યંત્રની કળ પર લાત મારી. યંત્રમાંથી ઘાતક હથિયારો નિકળ્યા. રાજકુમારો પણ ત્યાંના ત્યાં મૃત્યુ પામ્યા !

કોક્કાસે વેર વાળ્યું. રાજા કાલજંઘને થયું કે પોતાની ભૂલને કારણે એક મહાન વૈજ્ઞાાનિક અને પોતાના ચાર રાજકુમારો ચાલ્યા ગયા !

પ્રભાવના

આનંદ લૂંટ લે બન્દે, પ્રભુ કી બંદગી કા !

ના જાને કબ દૂર જાયે,  સાથ જિંદગી કા !

Tags :