Magazines News | Gujarat Samachar
''રાખડીના તારમાં, બહેનીના પ્યારમાં બંધાયો વીરલો આજ; ઝાડ અને પાંદ છે, ભાઈ મારો ચાંદ છે, આપું છું આશિષ આજ.''

બહેન અને ભાઈના અતૂટ સ્નેહની વાત આવે તો સૌ કોઈના મુખે એક જ શબ્દ સ્ફૂરી જાય અને એ છે રક્ષાબંધન. આપર્વ પ્રેરક શુભેચ્છા, અરસપરસની રક્ષા, ભાઈની ભાવના અને બહેનની ચાહના, અંતરની આશિષ અને અભિલાષા, સુખદુ:ખની વહેંચણી અને હૈયાના હરખની હેલી લઈ શ્રાવણ-સુદ પુનમના રોજ પ્રતિવર્ષ ઘરના દરવાજા ખખડાવતું આવે છે. ભાઈ-બહેનનાં આંસુઓનો અભિષેક આખા ઘરને ઘરમંદિર બનાવી પરિવારને એક તાંતણે બાંધી 'આજની ઘડી તે રળિયામણી' - કરીને ખુશીનો ખજાનો ખોલી નાખે છે. 'કેવડો લીલો ને લીલી લીમડી રે, લીલુડાં ભાઈ-બહેનનાં હેત; દેવની દીધેલ ભાઈ-બહેનની બેલડી, મોરલો સૂનો ને સૂની વાદળી.'
રક્ષાબંધનનું પગેરૂ અથર્વવેદ સુધી મળી આવે છે, જેમાં અથર્વન પૂજારીએ રાજાને પ્રતિસાર રક્ષણાત્મક દોરી બાંધવી તેવો ઉલ્લેખ છે. ભવિષ્ય-પુરાણ-અધ્યાય ૧૩૭ માં સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને યુદ્ધ સમયે કાંડા ઉપર રક્ષા-રાખડી બાંધવાની સલાહ આપી છે. અગ્નિવેશ ગુહ્યસૂત્રમાં કૌટુક-કંકણ અર્થાત્ રાખડી બાંધવાનો ઉલ્લેખ છે. નારદપુરાણમાં બળેવના દિવસે ઉપનયન સંસ્કાર-જનોઈ બદલવા સાથે રક્ષાબંધનનો ઉપદેશ કરેલ છે.
'કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી;
દીકરા દુશ્મન ડરશે, દેખી તારી રાખડી.'ના પ્રસિદ્ધ લોકગીતથી મહાભારતમાં સાત કોઠાના યુદ્ધના પ્રયાણ વખતે કુંતાજી સ્વયં અભિમન્યુને રાખડી બાંધે છે એ વાતનો પુરાવો પુરે છે. ભવિષ્યપુરાણમાં દેવાસુર સંગ્રામ વખતે ઇન્દ્રાણી ખુદ ઇન્દ્રને રક્ષા અને વિજય માટે રાખડી બાંધે છે તેવો ઉલ્લેખ છે. ભાગવત્ પુરાણ, સ્કંદ પુરાણ, વિષ્ણુપુરાણમાં પાતાળલોકમાંથી વિષ્ણુજીને મુક્ત કરવા ખુદ લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી ભાઈ બનાવી વીરપસલીમાં વિષ્ણુજીને મુક્ત કરાવ્યાના ઉલ્લેખો છે. મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધન-રાખડી મોકલી ભાઈ બનાવ્યાનો ઇતિહાસ જાણીતો છે. દરેક રાજપુરોહિતો પોતાના રાજા અને યજમાનને રાખડી બાંધવાની વાત જાણીતી છે.
દરેક બહેન રક્ષાબંધનના દિવસે સામે ચાલીને પોતાના લાડલા ભાઈના ઘેર જાય છે. ભાઈના ભાલ (કપાળ) ઉપર ચંદનનું તિલક કરી અક્ષત ચોખા ચોંટાડે છે, ભાઈના જમણા હાથના કાંડા ઉપર રાખડી બાંધી આરતી ઉતારી ઓવારણાં લઈ ચરણસ્પર્શ કરી રક્ષણની આશિષ મેળવી ભાઈ પોતાની સ્થિતિ અને શક્તિ મુજબ વીરપસલીમાં ભેટ આપે છે જેમાં નિર્દોષ લાગણીની વર્ષા થાય છે, અરસપરસ મ્હોં મીઠાં કરાવાય છે ત્યારે અદ્રશ્ય રહેલ દેવી-દેવતાઓ, પરમાત્મા ગદ્ગદ્ ભાવે કરેલ પ્રાર્થના સાંભળે છે અને મૂક ભાવે વરદાન આપે છે.
'મારા રક્ષણ માટે
મારા કાંડે રાખડી;
પ્રભુ ભીની થવા દેતો ના
એની આંખડી.'
આ પૂનમના દિવસે ભારતના ભડવીર સાગરખેડુ વહાણવટે જતાં સાગર-સમુદ્ર-દરિયાને નાળિયેર પધરાવી પૂજા કરે છે એટલે તહેવારને નાળિયેરી પૂનમ પણ કહે છે. બળેવ એટલે બળ અને બલિ ઉભયની ભાવના, દાન, ત્યાગ અને તિતિક્ષાની તમન્નાને ઉજાગર કરે છે. એટલે જ રક્ષાબંધનનો આ મંત્ર પ્રચલિત છે :
'યેન બદ્ધો બલિરાજા,
દાનવેન્દ્રો મહાબલ;
તેન ત્વામ્ રક્ષામિ બદ્ધ મા ચલ
મા ચલ.'
ધર્મલોકના સૌ વાચકોને રક્ષાબંધનની ખૂબ ખૂભ શુભેચ્છા અને એક પણ ભાઈની બહેન રડતી નહિ પણ ખડખડાટ હસતી જાય એવી પરમ કૃપાળુ પરમાત્માને બે હાથ જોડી પ્રાર્થના કરનાર આ લખનારની અંતરની લાગણી છે :
'ચંદનનો ટીકો અને
રેશમનો દોરો,
શ્રાવણની સુગંધ અને
વરસાદનો ફુવ્વાર;
ભાઈની આશા અને
ભગિનીનો પ્યાર,
મુબારક સૌને
રક્ષાબંધનનો તહેવાર.'
- પી. એમ. પરમાર




