Get The App

પરિવાર સામે રક્ષણ આપવા લેસ્બિયન પોલીસ કપલની રિટ

- મહીસાગર જિલ્લાનો કિસ્સો

- લિવ-ઇનમાં રહેતી પોલીસ કોન્સ્ટેબલોને જરૂર જણાય તો રક્ષણ પૂરૂં પાડવા જિલ્લા પોલીસ વડાને આદેશ

Updated: Jul 26th, 2020

GS TEAM

Google News
Google News
પરિવાર સામે રક્ષણ આપવા લેસ્બિયન પોલીસ કપલની રિટ 1 - image


અમદાવાદ, તા. 26 જુલાઇ, 2020, રવિવાર

મહીસાગર જિલ્લામાં ફરજ બજાવતી અને લેસ્બિયન સંબંધો ધરાવતી બે મહિલા કોન્સ્ટેબલોએ પરિવાર સામે રક્ષણ આપવા ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરી છે. તેમની રજૂઆત છે કે તેઓ પ્રેમમાં છે અને એક છત નીચે સાથે રહેવા માગે છે. 

 રિટ સાંભળી જસ્ટિસ એ.જે. દેસાઇએ આદેશ કર્યો છે કે સ્પષ્ટપણે નોંધવામાં આવે કે કોર્ટ આ કેસના ગુણદોષમાં ઉતરી નથી અને મહીસાગર જિલ્લાના પોલીસ વડાને આદેશને આ રિટ અંગે ઘટતી કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવે છે અને જરૂર જણાય તો અરજદારોનેે પોલીસ રક્ષણ પૂરૂં પાડવામાં આવે.

અરજદાર કોન્સ્ટેબલોની રજૂઆત છે તે બન્ને ઉંમર 24 વર્ષ છે. એક કોન્સ્ટેબલ બોટાદ અને બીજી દાહોદ જિલ્લની વતની છે. ચાર વર્ષ પહેલાં તેમને પોલીસ દળમાં નિમણૂક મળી હતી અને મહીસાગર જિલ્લામાં ફરજ નિયુક્તિ થતાં તેમને અહીં  પોલીસ લાઇનમાં ક્વાર્ટર મળ્યું હતું. જ્યાં તેમની મુલાકાત થઇ હતી.

છેલ્લાં ત્રણ વર્ષથી તેઓ એકબીજાના પ્રેમમાં છે અને સાથે રહેવા માટે 10મી જૂનના રોજ તેમણે લિવ-ઇન રિલેશનશીપમાં રહેવા માટેના કરાર કર્યા હતા. લિવ-ઇન રિલેશનશીપ અંગે બન્નેના ઘરે જાણ થતાં અત્યારે તેમનો પરિવાર ઘરે પરત ફરવા માટે દબાણ કરી રહ્યો છે. પરિવારજનો અહીં આવી તેમને ધમકી આપી રહ્યા છે અને તેઓ ઘરે પરત ન ફરે અને જુદાં ન થાય તો તેમની હત્યા કરી નાંખવામાં આવે તેવી આશંકા પણ છે.

અરજદારની રજૂઆત છે કે તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી એકબીજા સાથે પ્રેમમાં છે અને એક છત નીચે એકબીજા સાથે રહેવા માગે છે અને બન્નેના પરિાવર તરફથી કોઇ હાનિ પહોંચે તેવો ડર છે. જેથી રક્ષણ પૂરૂં પાડવા મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશનમાં તેમણે લેખિત રજૂઆત કરી હતી પરંતુ અરજી સંદર્ભે હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. હાઇકોર્ટે બન્ને રજૂઆત સાંભળી જિલ્લા પોલીસ વડાને તાત્કાલિક જરૂરી પગલાં લેવાં આદેશ કર્યો છે.

Tags :