હજીરા પોર્ટના લાઇસન્સ માટે આર્સેલર મિત્તલની એસ્સાર સામે હાઇકોર્ટમાં રિટ
- દેવામાં ધરબાયેલી એસ્સાર સ્ટીલ ખરીદ્યા બાદ
- ગુજરાત મેરીટાઇમ બોર્ડે લાઇસન્સ ટ્રાન્સફર કરવાની અરજી અંગે નિર્ણય ન લેતા મિત્તલ જૂથની પિટિશન
અમદાવાદ, તા. 26 જુલાઇ, 2020, રવિવાર
ગુજરાતના હજીરા પોર્ટનું લાયસન્સ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના નામે ટ્રાન્સફર કરવા માટે આર્સેલર મિત્તલ જૂથ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એસ્સાર સ્ટીલ અને રાજ્ય સરકાર સામે રિટ કરવામાં આવી છે. દેવાદાર એસ્સાર સ્ટીલને ખરીદ્યા બાદ હજીરા પોર્ટના લાયસન્સ માટે આર્સેલર મિત્તલે ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં અરજી કરી હતી. જો કે રાજ્ય સરકારે આ અંગે હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો ન હોવાથી હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે.
એસ્સાર સ્ટીલ હજીરામાં પ્રતિવર્ષ 10 મિલિયન ટન ઉત્પાદનની ક્ષમતા ધરાવતો સ્ટીલ પ્લાન્ટ ધરાવે છે. પોર્ટ પર એસ્સારના પ્લાન્ટ માટે કેપ્ટીવ જેટીનું બાંધકામ પણ કરવામાં આવ્યું છે. પિટિશનમાં આર્સેલ મિત્તલની રજૂઆત છે લે એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડ સ્વતંત્ર લાયસન્સધારક નથી, તે લાયસન્સના માત્ર નોમિની કે ટ્રસ્ટી છે.
એસ્સાર બલ્ક ટર્મિનલનો એસ્સાર સ્ટીલ એક જ ગૃપની કંપનીઓ છે, જેથી એસ્સાર સ્ટીલ ખરીદ્યા બાદ પોર્ટના લાયસન્સના લાભાર્થી તેઓ છે. એસ્સાર સ્ટીલને ખરીદવાનો રિઝોલ્યુશન પ્લાન સુપ્રીમે પણ મંજૂર કર્યો હોવાથી હાઇકોર્ટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને એસ્સાર બલ્ક ટર્મિલને આદેશ આપવો જોઇએ કે જૂની શરતો અને નિયમો પ્રમાણે પોર્ટનું લાયસન્સ તેમને ટ્રાન્સફર કરવામાં આવે.