Get The App

મ્યુનિ.હદમાં નવા વિસ્તારનો સમાવેશ થતાં અમદાવાદ મ્યુનિ.સ્કૂલબોર્ડનું વાર્ષિક બજેટ વધીને ૯૦૦ કરોડ થવાની વકી

શહેરમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ વધશે,સ્માર્ટ સ્કૂલના પ્રોજેકટ ઉપર ધ્યાન આપી બાળકોને હાઈટેક શિક્ષણ આપવા અંગે આયોજન

Updated: Dec 27th, 2021

GS TEAM


Google News
Google News
મ્યુનિ.હદમાં નવા વિસ્તારનો સમાવેશ થતાં અમદાવાદ મ્યુનિ.સ્કૂલબોર્ડનું વાર્ષિક બજેટ વધીને ૯૦૦ કરોડ થવાની વકી 1 - image


અમદાવાદ,રવિવાર,26 ડીસેમ્બર,2021

આ વર્ષે ફેબુ્રઆરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી.આ અગાઉ અમદાવાદ શહેરની હદમાં નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.નવા વિસ્તારના સમાવેશ બાદ મ્યુનિ.સ્કૂલ બોર્ડ હસ્તક વધુ ૧૦૩ શાળાઓ આવરી લેવામાં આવી છે.આ કારણથી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વર્ષ-૨૦૨૨-૨૩નું વાર્ષિક બજેટ ૯૦૦ કરોડ સુધી પહોંચવાની સંભાવના વ્યકત કરાઈ છે.શહેરમાં હાલમાં ૪૪ જેટલી અંગ્રેજી માધ્યમની શાળા છે.આ માધ્યમની શાળાની સંખ્યા આગામી વર્ષમાં વધારાશે.આગામી વર્ષમાં મ્યુનિ.શાળામાં અભ્યાસ કરતા બાળકોને હાઈટેક શિક્ષણ મળે એ માટે વધુ સ્માર્ટ સ્કૂલ કાર્યરત કરવા આયોજન વિચારણા હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હસ્તક શહેરના સાત ઝોનમાં કુલ ૪૪૫ શાળાઓ આવેલી છે.મ્યુનિ.શાળાઓના ધોરણ-૧થી ૮ના વર્ગમાં  ૧,૫૯,૨૮૭  વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.પૂર્વ પ્રાથમિક વર્ગોમાં પાંચ હજારથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.અંગ્રેજી માધ્યમની ૪૪ શાળાઓમાં અંદાજે દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.માર્ચ-૨૦૨૦થી શહેરમાં કોરોના મહામારીનો સમય શરૃ થતા ખાનગી શાળાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ મેળવ્યો છે.સાત વર્ષમાં ૩૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી મ્યુનિસિપલ શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

અમદાવાદ મ્યુનિ.સ્કૂલ બોર્ડ હસ્તક દસ્ક્રોઈ ઉપરાંત ચાંદખેડા-મોટેરા તેમજ કઠવાડા સહિતના વિસ્તારની કુલ મળીને ૧૦૩ શાળાઓ સમાવાઈ છે.ગત વર્ષે ૭૬૫ કરોડનું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યુ હતું.આ વર્ષે નવી શાળા ઉપરાંત શિક્ષકો સહીતની સંખ્યા વધતા  વર્ષ-૨૦૨૨-૨૩ માટેના બજેટમાં ધરખમ વધારો થવાની સંભાવના છે.શહેરમાં વાઈફાઈ,નેટ, લેપટોપ સહિતની સુવિધા સાથે વિદ્યાર્થીઓ હાઈટેક અભ્યાસ કરી શકે એ માટે આગામી સમયમાં વધુ સ્માર્ટ શાળા શરુ કરવા અંગે નવા બજેટમાં જોગવાઈ કરવામાં આવશે. શહેરમાં ગુજરાતી માધ્યમ ઉપરાંત હીંદી તથા અંગ્રેજી માધ્યમની નવી શાળા કાર્યરત કરાશે. એકાદ સપ્તાહમાં નવા વર્ષનું ડ્રાફટ બજેટ મ્યુનિ.સ્કૂલ બોર્ડની બેઠકમાં રજુ કરવામાં આવશે એમ જાણવા મળે છે.

Tags :