રૃા.૨૦ કરોડના વેરાની રકમ વર્ષોથી અટવાયેલી છે કોર્પોરેશનનો સરકારી વિભાગોનો જ રૃા.૪૨ કરોડનો વેરો બાકી
પોલીસ પાસેથી ૬.૬૭ કરોડ અને રેલવે પાસેથી ૭.૮૦ કરોડ લેવાના બાકી
વડોદરા,તા,14,ફેબ્રુઆરી,2020,શુક્રવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બાકી વેરાની વસૂલાત માટે મિલકતો સીલ કરવા સહિતની કડક કાર્યવાહી કરી રહ્યું છે. પરંતુ સરકારી ઓફિસોનો ચાલુ વર્ષની ડિમાન્ડ સહિત રૃા.૪૨ કરોડનો બાકી નિકળે છે. જેની વસૂલાત માટે કોર્પોરેશન સંબંધિત વિભાગો સામે પત્રવ્યવહાર સિવાય બીજી કોઈ કાર્યવાહી કરી શકે તેમ નથી.
કોર્પોરેશનનો ચાલુ વર્ષનો સામાન્ય વેરાનો લક્ષ્યાંક ૪૮૪ કરોડ છે. જેમાં મિલકત વેરાના જ ૪૧૩ છે. અત્યાર સુધીમાં કોર્પોરેશને ૪૨૬ કરોડની કુલ વસૂલાત સામાન્ય વેરા પેટે કરી છે પોલીસ, રેલવેસહિતની સરકારી વિભાગના બાકી વેરા માટે કોર્પોરેશને કુલ ૩૦૧૬ બિલો આપ્યા છે.
જેમાં ચાલુ વર્ષના આશરે ૨૨ કરોડ સહિત કુલ રૃા.૪૨ કરોડનો વેરો બાકી રહે છે. આમાંથી રૃા.૨૦ કરોડનો વર્ષોથી બાકી નિકળે છે જેનો કોઈ ઉકેલ આવતો નથી.
રેલવેને કોર્પોરેશન દ્વારા જે પાણી- ગટર વગેરેની સર્વિસ અપાય છે તે બદલ ટેકસ વસૂલ કરવા બિલો આપતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
જેમાં લાંબી લડતના અંતે બિલ ભરવાનો આવ્યો છે. રેલવે માટે આ મુદ્દો આખા દેશને સ્પર્શ તો હોવાથી સમગ્ર સ્થળે આ મુદ્દો ઊભો થતો હતો.
જયારે પોલીસનું જે બિલ બાકી છે તેમાં પોલીસ બંદોબસ્તની સેવા કોર્પોરેશન દબાણ હટાવવા સહિતની કામગીરી માટે લે છે. તેમાં બિલ સામે દબાણની કામગીરીમાં મદદરૃપ થવા બદલનું બિલ સરભર કરવા મુદ્દે કોકડું ગૂંચવાયું છે.