Get The App

વડોદરા કોર્પોરેશનનો વોર્ડ-૧૨ કચેરીનો ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો

કોર્પોરેશનને આવક થાય તે માટે પ્લોટનો માલિક સામેથી ગયો છતાં ક્લાર્કે લાંચ માંગતા આખરે એસીબીનું છટકું

Updated: Jan 27th, 2020

GS TEAM

Google News
Google News
વડોદરા કોર્પોરેશનનો વોર્ડ-૧૨ કચેરીનો ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો 1 - image

વડોદરા, તા.27 જાન્યુઆરી, સોમવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મકરપુરા વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર-૧૨ની કચેરીમાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક ગોપાલ રાણા વેરા પાવતી કાઢી આપવા માટે રૃા.૪ હજારની લાંચ લેતા આજે બપોરે રંગે હાથ ઝડપાઇ ગયા છે.

આ અંગેની વિગત એવી છે કે સુથારી કામ કરતા ઓપન પ્લોટના માલિકે પોતાના પ્લોટનો વેરો શરૃ કરાવવા માટે કોર્પોરેશનના મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર-૧૨ કચેરીમાં અરજી કરી હતી. બાદમાં વોર્ડ ઓફિસના રેવન્યુ ક્લાર્ક ગોપાલ ઇશ્વરભાઇ રાણા (રહે.વિશાલનગર, તરસાલી મુળ લઢોદ, બોડેલી) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી  હતી. થોડા દિવસો બાદ પ્લોટના માલિક ગોપાલ રાણાને મળ્યા હતા અને વેરા પાવતી આપવાની માંગણી કરી હતી.

જો કે ગોપાલ રાણાએ વેરા પાવતી કાઢી આપવા માટે રૃા.૪ હજારની લાંચ માંગી હતી. લાંચની રકમ તા.૨૬ જાન્યુઆરી બાદ આપવાનું કહ્યું હતું. ઓપન પ્લોટના માલિક લાંચની રકમ આપવા માંગતા નહી હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરતા મદદનિશ નિયામક બી.જે. પંડયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એસ.પી. કહાર તેમજ સ્ટાફના માણસોએ છટકું ગોઠવ્યું હતું. વોર્ડ કચેરીના જુનિયર ક્લાર્ક ગોપાલ રાણા ઓફિસમાં ગયા બાદ ફિલ્ડમાં નીકળેલ ત્યારે પ્લોટના માલિકને મકરપુરામાં પાણીની ટાંકી પાસે ગજાનન મેઇન રોડ પર બોલાવેલ. પ્લોટના માલિકે ત્યાં પહોંચીને લાંચની રકમ આપતા જ એસીબીના અધિકારીઓએ ગોપાલ રાણાને ઝડપી પાડયો હતો. એસીબીએ ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.



Tags :