વિઠ્ઠલ રાદડીયાએ પુત્રના અવસાન બાદ પુત્રવધૂને દીકરી ગણી તેમનું કન્યાદાન કર્યું હતું
- પોતાની પુત્રવધૂને 100 કરોડથી વધુની સંપત્તિ કન્યાદાનમાં આપી હતી

અમદાવાદ, તા. 29 જુલાઇ 2019, સોમવાર
સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયા 2013માં ભાજપમાં આવી ગયા હતા 1990 થી 2007 સુધી વિઠ્ઠલ રાદડિયા સતત ધારાસભ્ય રહ્યા હતા. ત્યારબાદ 2009 થી 2019 સુધી તેઓ સાંસદ પણ રહ્યા હતા. સમાજમાં શિક્ષણ અને સેવાકીય કામગીરી માટે તેમનું નામ આદરથી લેવાય રહ્યું છે. ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં તેમજ આંતર ગામોમાં શિક્ષણ માટે તેમનું યોગદાન ઇતિહાસમાં યાદ રહેશે.
શિક્ષણની પ્રવૃત્તિ તેઓએ એક આંદોલનની જેમ આગળ ધપાવી હતી. તેઓ વૃદ્ધાશ્રમ અને ગૌશાળા સ્થાપી હતી. અનેક ટ્રસ્ટમાં તેઓ સેવા આપતા હતા સૌથી સારામાં સારૂં તેમનું કાર્ય દીકરીઓને ભણવા માટેનું હતું. તેમના પ્રયત્નો બાદ જ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં દીકરીઓને ભણાવવા માટેનું મહત્વ સમજાયું હતું.
વિઠ્ઠલ રાદડિયા ખેડૂતો અને પાટીદારોમાં ખૂબ જ લોકપ્રિય હતા. રાજકોટના શાસ્ત્રી મેદાનમાં એક વખત તેમનો કાર્યક્રમ હતો આ સમયે ધોધમાર વરસાદ વરસતો હતો આમ છતાં એક પણ માણસ ઊભો થઈને જતો રહ્યો ન હતો. જામકંડોરણામાં વિઠ્ઠલ રાદડિયાએ ઊભી કરેલી છાત્રાલય અદભુત છે.
તેઓના યુવાન પુત્રનું મૃત્યુ થયા બાદ તેઓએ પોતાની પુત્રવધૂને દીકરી ગણી લીધી હતી એટલું જ નહીં એક બાપ દીકરીને પણ આવે અને તેનું કન્યાદાન કરે તે જ રીતે વિઠ્ઠલ રાદડિયાએ પણ પોતાની પુત્રવધૂને દીકરી બનાવીને તેમના બીજા લગ્ન કરી તેમનું કન્યાદાન પણ કર્યું હતું આમ તેઓએ સમાજ માટે એક જબરજસ્ત ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું.
વિઠ્ઠલભાઈ માટે એવું કહેવાતું હતું કે તેઓ જે પક્ષમાંથી લડે છે તેમનો જ વિજય થાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને વિઠ્ઠલ રાદડિયાના અંગે દુઃખ વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે.
વિઠ્ઠલ રાદડિયાએ પોતાની પુત્રવધુ મનીષાને પોતાના પુત્રના નિધન બાદ દીકરી ઘણી લીધી હતી તેમજ પુત્રના અવસાન બાદ જામકંડોરણા નજીક આવેલા એક ગામમાં જ રહેતા હાર્દિક ચોવટીયા નામના યુવાન સાથે મનીષાના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવ્યા હતા. આ પ્રસંગે વિઠ્ઠલ રાદડિયાએ પોતાની પુત્રવધૂને જમીન તથા ઝવેરાત સોનું ચાંદી અને રોકડ વગેરે મળી 100 કરોડથી વધુની સંપત્તિ પણ કન્યાદાનમાં આપી હતી આમ તેઓ એ સમાજમાં એક ઉમદા અને મોટું દ્રષ્ટાંત પૂરૂં પાડ્યું હતું.
પોરબંદરના પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના અવસાનના સમાચાર સાંભળી દુઃખ થયું. ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા છે. સહકાર, કેળવણી અને રાજકીય ક્ષેત્રમાં પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે.
— Narendra Modi (@narendramodi) July 29, 2019

