વાપીના બિલ્ડરનું અપહરણ કરી 50 કરોડની ખંડણી માટે જતી ગેંગ ઝડપાઇ
મોટેરા રિંગ રોડ ઉપરથી ઘાતક હથિયારો સાથે પકડાયા
બિલ્ડરની ઓફિસના કર્મચારીએ આરોપીઓ સાથે મુંબઇ હોટલમાં બેઠક કરી અપહરણ લૂંટ, ખંડણીનો પ્લાન ઘડયો હતો
અમદાવાદ,શનિવાર
વાપીના સઇદભાઇ શેખ નામના બિલ્ડરનું અપહરણ કરીને તેમની પાસેથી રૃા. ૫૦ કરોડની ખંડણી વસૂલ કરવા જતી ઘાડપાડુ ટોળકીને પોલીસે મોટેરા રિંગ રોડ ખાતેથી ઘાતક હથિયારો સાથે ઝડપી પાડીને ખંડણીનો પ્લાન નિષ્ફળ કર્યો હતો. પોલીસ તપાસમાં બિલ્ડરના ત્યાં નોકરી કરતા મહંમદઅલ્તાફ મંસુરીએ આરોપીઓને મુંબઇની હોટલમાં બોલાવીને ખંડણી, અપહરણનો પ્લાન ઘડયો હોવાનું બહાર આવ્યું છે.
ક્રાઇમ બ્રાંચ એસીપી ભગીરથસિંહ ગોહિલના જણાવ્યા મુજબ ક્રાઇમબ્રાંચને માહિતી મળી હતી કે સરખેજમાં રહેતો આરીફ શેખ વાપીના અલ્તાફ મંસુરી સાથે મળી ત્યાંના બિલ્ડરની ઓફિસમાં લૂટ કરવાનો તથા વેપારીનું અપહરણ કરીને તેમની પાસેથી ૫૦ કરોડની ખંડણી વસૂલ કરવાનો પ્લાન બનાવ્યો છે. જેને લઇને ક્રાઇમબ્રાચની ટીમે મોટેરા બાલાજી અગોરા મોલ ગરનાળા પાસેથી કારમાં જતા પાંચ શખ્સોને હથિયારો સાથે ઝડપી પાડયા હતા. પકડાયેલા શખ્સોમાં સરખેજ રોડ પર સાવન પાર્ટી પ્લોટ પાસે સોહિલ ડુપ્લેક્ષ ખાતે રહેતા આરીફ શાબીરભાઇ શેખ તથા જમાલપુર પીપળાવાસમાં રહેતા મહમદજાવેદ સલીમભાઇ બાંધણીલાવા અને સાબરમતી દિગ્વિજય સિમેન્ટ ફેકટરી પાસે છારાનગરમા રહેતા રાજેશ દરબાભાઇ રાઠોડ તેમજ વિક્કી જશુભાઇ જાડેજા તથા દાણીલીમડા ચાર રસ્તા પાસે શક્તિ સોસાયટીના ગેટ પાસે રહેતા મહંમદફૈઝાન મહંમદહનિફ મેમણનો સમાવેશ થાય છે.
પોલીસ પૂછપરછમાં આરોપીઓને રૃપિયાની જરુરીયાત હોવાથી વાપીમાં ઇમરાનનગરમાં સમીર પેલેસ ખાતે રહેતા મંહમદઅલ્તાફ મંસુરીએ ટીપ આપી હતી કે તે જે ઓફિસમાં નોકરી કરે છે ત્યાં કન્ટ્રક્શનનું કામ કરતા સઇદભાઇ શેખ પાસેે ઓફિસમાં રૃા. ૫૦ કરોડ છે. તેમની ઓફિસમાં લૂટ કરીને તેમનું અપહરણ કરીને કરોડોની ખંડણી વસૂલવાનો પ્લાન ઘડયો હતો અને પ્લાન પાર પાડવા માટે ઓફિસ અને તેમના ઘરની રેકી પણ કરી હતી. પ્લાન માટે આરીફ શેખ અને મહંમદ ફૈઝાન મેમણેે એક મહિના પહેલા મુંબઇ ગયા હતા. ત્યાં જોગેશ્વર ખાતેની એક હોટલમાં રોકાયા હતા. તે વખતે મહંમદ અલ્તાફ મંસુરીએ ટીપ આપી હતી. અપરહણ કર્યા બાદ તેમને રાખવા માટે મહારાષ્ટ્ બોર્ડર પાસે આવેલ મનોહર રોડ બ્રિજ પાસે એક ફાર્મ હાઉસની પણ વ્યવસ્થા કરી હતી. આરીફ શેખે લૂંટ કરવા માટે હથિયારો મધ્યપ્રદેશનથી હથિયારો પિસ્તલ અને કારતુસની ખરીદી કરી આવ્યો હતો.