Baroda

પોલો ક્લબની ચૂંટણીમાં ડેમોક્રસી જૂથનો જ્વલંત વિજય

By GS Team
28 Jun 20262 mins read
TukuTouch Logo
હાઈપ્રોફાઇલ પોલો ક્લબની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ, જેમાં ડેમોક્રસી અને એસ જૂથ વચ્ચે સીધી ટક્કર હતી. કુલ 9 હોદ્દા માટે 18 ઉમેદવારો મેદાનમાં હતા. 2,059 સભ્યોમાંથી 1,336 મત પડ્યા, જે 34% નો વધારો દર્શાવે છે. ડેમોક્રસી જૂથે તમામ 9 હોદ્દા પર વિજય મેળવ્યો. મેહુલ ઝવેરી પ્રમુખ બન્યા, નીતિન ચોકસી વાઇસ પ્રેસિડેન્ટ, શૈલેષ પટેલ સેક્રેટરી અને કૃષાંગ રેવર ટ્રેઝરર તરીકે ચૂંટાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

પોલો ક્લબની ચૂંટણીમાં ડેમોક્રસી જૂથનો જ્વલંત વિજય

હાઈપ્રોફાઇલ પોલો ક્લબની ચૂંટણી આજે ભારે રસાકસી વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે, જેમાં ડેમોક્રસી અને એસ (એસીઈ) જૂથ વચ્ચે સીધી ટક્કર હતી.

 પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ટ્રેઝરર અને મેનેજિંગ કમિટીના પાંચ સભ્યો સહિત કુલ નવ હોદ્દા માટે બંને જૂથના ૧૮ ઉમેદવારો મેદાનમાં હતા. મતદાન દરમિયાન બંને પક્ષના સમર્થકોએ સૂત્રોચ્ચાર કરી મતદારોમાં ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો.

કુલ ૪,૨૦૦ સભ્યોમાંથી કેટલાકની ફી બાકી હોઈ અને કેટલાક સભ્યો બહારગામ હોવાથી ૨,૦૫૯ સભ્યોને જ મતદાનનો અધિકાર મળ્યો હતો. બેલેટ પેપરથી થયેલા મતદાનમાં કુલ ૧,૩૩૬ મત પડયા હતા, જ્યારે અગાઉની ચૂંટણીમાં ૯૯૮ મત પડયા હતા. આમ, આ વખતે મતદાનમાં ૩૪ ટકાનો વધારો થયો છે.

મતગણતરી પૂર્ણ થતાં ડેમોક્રસી જૂથે તમામ નવ હોદ્દા પર વિજય મેળવ્યો છે. પ્રમુખ પદે મેહુલ ઝવેરીએ ૭૯૬ મત મેળવી એસ જૂથના કશ્યપ શાહને હરાવ્યા છે, એમને ૫૨૯ મત મળ્યા હતા. વાઇસ પ્રેસિડેન્ટ પદે નીતિન ચોકસી, સેક્રેટરી તરીકે શૈલેષ પટેલ અને ટ્રેઝરર તરીકે કૃષાંગ રેવર વિજયી બન્યા છે. તેમની સામે એસ જૂથના અનુજ નગરશેઠ, ગૌરવ નાણાવટી અને સાહિલ રાવનો પરાજય થયો છે.

મેનેજિંગ કમિટીમાં પણ ડેમોક્રસી જૂથના તુષાર પટેલ, કલ્યાણ હરિભક્તિ, સુમેશ બક્ષી, મનીષ ભાનુશાળી અને મહેશ રામાણીનો વિજય થયો છે. પરિણામ જાહેર થતાં ડેમોક્રસીના સમર્થકોએ ઢોલ-નગારાના તાલે જીતની ઉજવણી કરી હતી.

ચૂંટણી સાથે યોજાયેલી પોલો ક્લબની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં મેમ્બરશિપ એન્ટ્રી ફી રૃ. ૫ લાખથી વધારી રૃ. ૧૦ લાખ કરવાની દરખાસ્ત રજૂ કરાઈ હતી. જોકે સામાન્ય સભાએ આ પ્રસ્તાવને નામંજૂર કરતાં હાલની એન્ટ્રી ફી યથાવત રહેશે.

અત્રે નોંધનીય છે કે, વર્ષ ૧૯૬૪થી પોલોક્લબની ચૂંટણી યોજાઈ રહી છે. ઈતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે આખી ટીમનો વિજય થયો છે. આ ઉપરાંત, પ્રમુખપદના ઉમેદવાર મેહુલ ઝવેરીએ અત્યારસુધીની ચૂંટણીઓમાં સૌથી વધુ માર્જિનથી જીત મેળવી હોવાનું પણ જાણવા મળે છે. મેહુલ ઝવેરી પ્રથમ એવા ઉમેદવાર છે કે જેઓ સળંગ ત્રણ વાર વિજયી થયા છે. અગાઉ બે વખત તેઓ વાઈસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે.