વડોદરા : લક્ષ કન્સલ્ટન્સીના સંચાલકો દ્વારા વિદેશની લાલચ આપી 400થી વધુ વ્યક્તિ સાથે કરોડોની ઠગાઈ
image : Social media
વડોદરા,તા.22 ઓગસ્ટ 2023,મંગળવાર
માંજલપુરની લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની ઓફિસમાં વિઝાના કામકાજના બહાને 400 થી વધુ વિદેશ જવા ઇચ્છુક ગ્રાહકો પાસેથી હથેળીમાં ચાંદ બતાવી કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હોવાની શક્યતા રહેલી છે.
માંજલપુરની દીપ ચેમ્બર સર્કલ પાસે ત્રીજા માળે ભાડાની અફલાતૂન બનાવાયેલી ઓફિસમાં અવારનવાર ત્રણેય આરોપીઓ આવતા હતા અને કોઈ સ્ટાફ પૂછે તો જાતજાતના બહાના બતાવતા હોવાનું કહેવાય છે. આ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ઓફિસ સામે અવારનવાર આવતી અરજીઓ બાબતે પોલીસ કેટલીય વાર પૂછપરછના બહાને લઈ ગઈ હોવાનું ઓફિસ સ્ટાફ દ્વારા જાણવા મળ્યું છે. હાલની ફરિયાદમાં માત્ર ચાર જણા જ તૈયાર હતા પરંતુ હવે ફરિયાદ નોંધાયા બાદ ભોગ બનેલા અનેક વિદેશ જનારા યુવા યુવતીઓ સામે આવે અને ઠગાઈ નો આંક કરોડો રૂપિયા ઉપર પહોંચે તો નવાઈ જવું નથી.
જ્યારે બીજી બાજુ કેટલાક ગ્રાહક ફરિયાદીઓ પોતાને મળેલા એડવાન્સ ચેક બેંકમાંથી અપૂરતા નાણાના કારણે પરત ફર્યા હોવાના આધારે ગ્રાહક કોર્ટ માં પણ ફરિયાદ નોંધાવવા બાબતે સક્રિય થયા છે.