વડોદરામાં તસ્કરોનો તરખાટ : વકીલની સ્વર્ગસ્થ દીકરી અને દ્વારકા દર્શનને ગયેલા વૃદ્ધના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું
Updated: Aug 12th, 2023
image : Freepik
વડોદરા,તા.12 ઓગષ્ટ 2023,શનિવાર
વડોદરા શહેરમાં તસ્કરોએ માઝા મુકતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તસ્કરો પ્રતિદિન ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાના બનાવ સામે આવી રહ્યા છે. જેના કારણે પોલીસની નાઈટ પેટ્રોલિંગ કામગીરી સામે અનેક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. આ વચ્ચે વડોદરા શહેરના વધુ બે ચોરીની ઘટનાઓ સામે આવી છે. જેમાં બે બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો લાખો રૂપિયાની મત્તા ચોરી ફરાર થઈ જવા પામ્યા છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગદાપુરા વિસ્તારના મેઘા ફ્લેટમાં રહેતા જીતેન્દ્ર જગદીશચંદ્ર મહેતા વકીલાત વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમની દીકરીનું વર્ષ 2012 માં નિધન થતા તેનું વાસણા ભાયલી રોડ બ્રાઇટ ડે શાળાની પાછળ સ્પ્રિંગવ્યૂ રેસીડેન્સીમાં આવેલ મકાન બંધ છે. જેની દેખરેખ પિતા જીતેન્દ્ર મહેતા રાખે છે. 6 ઓગસ્ટના રોજ તે મકાનની સફાઈ કરી તેઓ ઘરે પરત આવ્યા હતા. ગતરોજ પાડોશીએ જાણ કરી હતી કે, મકાનની લાઈટ ચાલુ છે અને દરવાજાનું તાળું તૂટેલ છે. જેથી તપાસ કરતાં અજાણ્યા તસ્કરો બેડરૂમના ત્રણ કબાટો તોડી સામાન વેરણ છેરણ કરી પર્સમાં રાખેલ રોકડા રૂ. 25 હજાર ચોરી ગયા હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે પશ્ચિમ વિસ્તારના વડ ગાર્ડન ચાર રસ્તા પાસેના પ્રમુખ દર્શન ટેનામેન્ટમાં રહેતા 62 વર્ષીય ગોવિંદ મથરાદાસ વેદ એકાઉન્ટ અને ટેક્સ ની પ્રેક્ટિસ કરે છે. 2 ઓગસ્ટના રોજ તેઓ નાથદ્વારા, દ્વારકા ખાતે દર્શને નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ માંડવી ખાતે આવેલ પોતાના વતન ગયા હતા. જ્યાંથી પરત ફરતા સમયે પાડોશીએ તેમના મકાનમાં ચોરી થયાની જાણ થઈ કરી હતી. તપાસ કરતા અજાણ્યા તસ્કરો સામાન વેરવિખેર કરી લાકડાના કબાટમાંથી સોનાની લગડી, ચાંદીના ત્રણ પાટ તથા રોકડા રૂ. 7 હજાર સહિત કુલ રૂ.63,700ની મત્તા ચોરી ફરાર થયાનું બહાર આવ્યું હતું. આમ, ઉપરોક્ત ચોરીની ફરિયાદો બાબતે અલગ અલગ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.