વડોદરાની વિદ્યાર્થિની ચીનના જે શહેરમાં ભણે છે ત્યાં સુધી કોરોના વાયરસ ફેલાયો
વડોદરા,તા.30.જાન્યુઆરી,ગુરુવાર,2020
ચીનમાં કોરોના વાયરસે મચાવેલા હાહાકારની વચ્ચે ચીનમાં મેડિકલનો અભ્યાસ કરતી વડોદરાની એક વિદ્યાર્થીની પરત ફરી છે.
શહેરના હરણી એરપોર્ટ પાસે રહેતી શાહિન મન્સૂરીએ ત્રણ વર્ષ પહેલા ચીનના લિઓનિંગ પ્રાંતના જિનઝાઉ શહેરની જિનઝાઉ યુનિવર્સિટીમાં એમબીબીએસના કોર્સમાં એડમિશન લીધુ હતુ.
કોરોના વાયરસના કહેર વચ્ચે ૨૦ જાન્યુઆરીએ જ વડોદરા પરત ફરી ચુકેલી શાહિનનુ કહેવુ છે કે, જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો છે તે વુહાન ચીનના મધ્ય ભાગમાં છે અને હું જ્યાં રહીને અભ્યાસ કરુ છું તે જિનઝાઉ શહેર ત્યાંથી સેંકડો કિલોમીટર દુર ઉત્તર ચીનમાં છે.
તેના કહેવા પ્રમાણે યુનિવર્સિટીમાં દરેક સેમેસ્ટર બાદ ૪૦ દિવસનુ વેકેશન હોય છે.વેકેશનમાં ઘરે આવવા માટે મેં વાયરસ ફેલાયો તે પહેલા જ બૂકિંગ કરાવી લીધુ હતુ.હું ૨૦ જાન્યુઆરીએ પાછી ફરી હતી ત્યાં સુધી તો જિનઝાઉમાં વાયરસની અસર નહોતી પણ હવે મને ખબર પડી છે કે, જિનઝાઉમાં સુધી વાયરસ ફેલાયો છે.યુનિવર્સિટી તરફથી વિદ્યાર્થીઓને રોજે રોજ અપડેટ આપવામાં આવી રહી છે.
શાહિનના કહેવા પ્રમાણે જિનઝાઉ યુનિવર્સિટીમાં ૪૦૦ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.યુનિવર્સિટીમાં વાયરસને ધ્યાનમાં રાખીને નિયમિત પણે મેડિકલ ચેક અપ પણ કરાય છે.આમ છતા મને લાગે છે કે, અત્યારે જિનઝાઉમાં પણ રોકાવુ હિતાવહ નથી.ઓછામાં ઓછા બે મહિના યુનિવર્સિટીમાં ફરી શિક્ષણ કાર્ય નહી શરુ થાય.આ બાબતે પણ અનિશ્ચિતતા છે.