વીજ કંપનીની જેમ વડોદરા ગેસ કંપની પણ પ્રિપેઇડ મીટરો લગાવશે
વડોદરા,તા.05 માર્ચ 2024,મંગળવાર
વીજ કંપનીની જેમ હવે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પણ પ્રિપેઇડ ગેસ મીટરો લગાવવામાં આવશે. આગામી પાંચ મહિનામાં શહેરમાં પ્રીપેડ ગેસ મીટરના ઇન્સ્ટોલેશન શરૂ થશે તેમ જાણવા મળ્યું છે.
વડોદરા શહેરમાં અંદાજે અઢી લાખ જેટલા ગેસ ધારકો છે. જેને વડોદરા કોર્પોરેશન અને ગેલ દ્વારા સંયુક્ત કંપની વડોદરા ગેસ લિમિટેડ બનાવી તેઓ દ્વારા ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે. હાલ વડોદરા ગેસ લિમિટેડ પોતાનો લાઇન લોસ ઘટાડવા માટે વિવિધ વિસ્તારોમાં જૂની ગેસની લાઈન બદલવાની કામગીરી કરી રહી છે. જેથી આગામી દિવસોમાં વિજીએલનો ગેસ લોસ ઘટે તેવું અનુમાન છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ શહેરમાં પૂરું પાડવામાં આવતા ગેસ પૈકી 30થી 40% જેટલા ગેસનો લોસ આવે છે જેથી સપ્લાય થયેલો પૂરેપૂરો ગેસ ગ્રાહકોને મળી રહ્યો નથી. જેથી શહેરભરમાં તબક્કાવાર ગેસ લાઇન બદલવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ સંપૂર્ણ ગેસ લાઇન બદલ્યા બાદ ગેસ લોસમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવું અનુમાન છે. જેથી ઘણા વિસ્તારમાં જે લો પ્રેશરની ફરિયાદ છે તેનું પણ નિરાકરણ આવી શકશે.
બીજી તરફ વીજીએલ ગ્રાહકોને સુવિધા આપવાના હેતુસર અને તેની સાથે પોતાની આર્થિક સદ્ધરતાને ધ્યાનમાં રાખીને પ્રિપેડ ગેસ મિટરો લાવવાનું પણ આયોજન કરી રહ્યું છે. ચૂંટણી પછી તરત જ, એટલે કે આગામી ચારથી પાંચ મહિનામાં નવા પ્રીપેઇડ ગેસ મીટરો ઇન્સ્ટોલ થવા લાગશે. જુના સહિતના ગેસ મીટર પ્રીપેડ મીટરમાં કન્વર્ટ થઈ જશે. એમાં દરેક ગેસ મીટર પર જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે અને તે ઓટો સેન્સરથી સજ્જ હશે. એટલે કે ગ્રાહક પોતાની જરૂરિયાત મુજબ પૈસા ભરી ગેસનો વપરાશ કરી શકશે. જ્યારે કોઈ સમયે એવું હશે કે, ગેસ પૂર્ણ થવાનો છે અથવા તો સમય મર્યાદા પૂર્ણ થવાની છે ત્યારે ગેસ કંપનીમાંથી ગ્રાહકને તેના મોબાઈલ ફોન પર મેસેજ આવી જશે. જો કોઈ ઉપભોક્તા ગેસનું ચૂકવવાનું નહીં કરે તેવા સંજોગોમાં પણ ચાર્જિંગ પૂર્ણ થયા પછી પાંચ દિવસ સુધી તેની સેવા યથાવત રાખવામાં આવશે. સૂત્રોએ એમ જણાવ્યું કે, જ્યારે પણ ગેસનું ચાર્જિંગ પૂરું થઈ જશે ત્યારે જીપીએસ ડિવાઇસની મદદથી વાલ્વ આપોઆપ ઇન્ટર્નલ લોક થઈ જશે, એટલે ગેસ મીટરથી આગળ જતો ગેસ સપ્લાય બંધ થઈ જશે.
બાકી વેરા પર 10%નું વ્યાજ પણ 12000 ગેસ ધારકો પાસેથી લીધેલ રૂપિયા 1.20 કરોડની ડિપોઝિટ પર વ્યાજ અપાતું નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વડોદરામાં ઘેર ઘેર ગેસ આપવાની જાહેરાત કરાઈ હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરે ઘરે ગેસ આપવાની જાહેરાત તેમના મુખ્યમંત્રી કાળ દરમિયાન વડોદરામાં કરી હતી. તે હજુ પરિપૂર્ણ થઈ શકી નથી. ત્યારે વર્ષ 2020-21માં કોર્પોરેશને અંદાજે 12000 ગેસ ધારકો પાસેથી કનેક્શન આપવા પેટે રૂ.1,000 લીધા હતા. આ રૂપિયા 1.20 કરોડ કોર્પોરેશનની તિજોરીમાં જમા છે. એક તરફ કોર્પોરેશન બાકી વેરા પેટે મિલકતધારકો પાસેથી 10% જેટલા ઊંચા વ્યાજ સાથે બાકી રકમની વસૂલાત કરે છે. પરંતુ પોતે ડિપોઝિટ લીધેલ માતબર રકમ પર ગેસ ધારકોને હજી સુધી ગેસ કનેક્શન કે જમા ડિપોઝિટ પરનું વ્યાજ મળતું નથી. તેઓને આ રકમ પર કોઈ વ્યાજ ચૂકવવામાં આવતું નથી. આ અંગે ગેસ વિભાગનું કહેવું છે કે, નવા ગેસ ધારકોને કનેક્શન આપવાની પ્રક્રિયા ચાલુ છે. આ વર્ષના અંત સુધીમાં અગાઉ પૈસા ભરી ચૂકેલા 12,000 અને નવા 15,000 મળી અંદાજે 30,000 જેટલા નવા ગેસ ધારકોનો ઉમેરો કરવાનું કામ હાથ પર લેવામાં આવ્યું છે.