app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

વડોદરા : આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડીના ગુનાને અંજામ આપતી ગેંગના સાગરીતની આગોતરા અદાલતે ફગાવી

Updated: Aug 22nd, 2023

- અન્ય સહ આરોપીઓ કુમાર પ્રજાપતિ અને પ્રકાશ પ્રજાપતિની હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ

વડોદરા,તા.22 ઓગસ્ટ 2023,મંગળવાર

વડોદરાના આઇટી સલાહકારને ટેલિગ્રામ ઉપર કામ આપવાની લાલચે અલગ અલગ ટાસ્ક પેટે 5.70 લાખ ઉપરાંતનું રોકાણ કરાવી છેતરપિંડી આચરવાના કેસના અદાલતે તમિલનાડુ ખાતે રહેતા આરોપીની આગોતરા અરજ ના મંજૂર કરવાનો હુકમ કર્યો છે.  

શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા મનનભાઈ શ્યામકુમાર પરીખ ટેક્સ કન્સલ્ટન્ટનો વ્યવસાય કરે છે. તેમણે 28 એપ્રિલના રોજ ફરિયાદ નોંધાવી હતી કે, સાત માર્ચના રોજ એક યુવતીએ પોતાની ઓળખ સોપીફાઈ કંપનીની કર્મચારી દિવ્યા તરીકે આપી  ટેલિગ્રામ ઉપર નોકરી અંગેનો મેસેજ મોકલ્યો હતો. અને કામ માટે બે કલાકના રૂ.1500 તથા 4 કલાકના રૂ. 3 હજારની ઓફર કરી હતી. ત્યારબાદ તે જ કંપનીના નામે અન્ય એક ધરમિલા નામની યુવતીએ પરિચય આપ્યો હતો. ત્યારબાદ  અલગ અલગ ટાસ્ક માટે વધુ કમીશનની લાલચે 05,70,477 ભર્યા હતા. તેમ છતાં વધુ નાણાની માંગ કરતા છેતરપિંડીનો શિકાર થયાની જાણ થઈ હતી. દરમિયાન આ કેસમાં સંડોવાયેલ  આરોપી શિવ શંકર ગનેશન (રહે- તમિલનાડુ) એ અત્રેની સેશન્સ અદાલતમાં પોતાના આગોતરા જામીન માંગતી અરજ રજૂ કરી હતી. જેની સુનાવણી હાથ ધરાતા અરજદાર તરફે ધારાશાસ્ત્રી કે. ટી. દવેએ દલીલો કરી હતી કે, અરજદારનું બેંક ખાતુ ફ્રીઝ છે. તેની પાછળનું કારણ આ ગુનામાં સંડોવાયેલ આરોપી દ્વારા અરજદારના ખાતામાં કેટલીક રકમ ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું છે. અરજદાર આરોપી સામેના આક્ષેપ પાયા વિહોણા છે. તેઓ તપાસ અધિકારીને સહકાર આપશે. જેથી યોગ્ય શરતોને આધીન જામીન આપવા જોઈએ.જ્યારે સરકાર તરફે ધારાશાસ્ત્રી અનિલ દેસાઈએ દલીલો કરી હતી કે, તપાસ અધિકારીના સોગંદનામાં મુજબ હાલના અરજદારે અગાઉ ફરિયાદી સાથે દિવ્યા અને ધર્મીલા તરીકે વાત કરી ટેલિગ્રામ ગ્રુપમાં લિંક મોકલી 5.70 લાખ ઉપરાંતની છેતરપિંડી આચરી હતી. અરજદારને જામીનમુક્ત કરવામાં આવે તો તપાસમાં સહકાર આપશે નહીં. જેથી હાલની જામીન અરજીના મંજૂર કરવી જોઈએ. 

આંતકવાદી સંગઠન સાથે નાણાકીય વ્યવહારો ગંભીર બાબત ; ન્યાયાધીશ 

બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ પાંચમા એડિશનલ સેશન્સ જજ મકસુદઅહેમદ મુજફરહુસેન સૈયદએ નોંધ્યું હતું કે, આ ગુનામાં બેંક ખાતાઓમાંથી 25 કરોડથી વધુના વ્યવહારો સામે આવ્યા છે. અને અરજદારના ખાતામાંથી જ હાલના કેસનો રૂ. 4.56 કરોડનો વ્યવહાર છે. જેથી અરજદારની ઇસ્ટોગ્રેશન જરૂરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબના આરોપીના મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી હાલના અરજદારના છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય સહ આરોપીઓ કુમાર પ્રજાપતિ અને પ્રકાશ પ્રજાપતિની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. દુબઈ અને ચીન સાથે પણ 7.2 કરોડનો શંકાસ્પદ વ્યવહાર છે. ખાસ કરીને આ નાણાકીય વ્યવહારો હિજમુલ્લા આંતકવાદી સંગઠન લિબિયા સાથે કરી આંતરરાષ્ટ્રીય ગુનો  હોય ખૂબ જ ગંભીર બાબત છે. હાલમાં તપાસ નિર્ણાયક તબક્કે ચાલી રહી છે. જેથી કેસની હકીકતો અને સંજોગોને ધ્યાને લેતા નિર્ણય કર્યો છે.


Gujarat