વડોદરા શહેર-જિલ્લાના ધારાસભ્યોની જૂથબંધી દ્વારા મુખ્યમંત્રીને ભીંસમાં લેવા પ્રયાસ
- વડોદરામાં અવારનવાર ધારાસભ્યોની જૂથબંધી સપાટી પર આવતા રાજકીય ક્ષેત્રેખળભળાટ મચી જાય છે
વડોદરા, તા. 23 જાન્યુઆરી 2020, ગુરૂવાર
વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્યોમાં ચાલતી જૂથબંધી વર્ષ 2012 થી ચાલતી રહી છે અને આ આંતરિક વિખવાદ આજે ફરી એકવાર સપાટી પર આવ્યો છે. જેમાં ધારાસભ્યોની જૂથબંધી દ્વારા મુખ્યમંત્રીને ભીસમાં લેવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાનું ચર્ચાય છે.
વર્ષ 2012 માં મુખ્યમંત્રી પદે હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે વિધાન સભાની ચૂંટણીમાં વડોદરાની અકોટા બેઠક પર ઉમેદવાર તરીકે સૌરભ પટેલને ટિકિટ આપવામાં આવી અને પ્રજાએ તેઓને પણ બહુમતીથી ચૂંટી કાઢયા હતા અને તેમને નાણામંત્રીનું મહત્વનું ખાતું પણ તેમને સોંપાયું હતું. સ્થાનિક ધારાસભ્યો અને મંત્રી સૌરભ પટેલ વચ્ચે આંતરિક વિખવાદ શરૂ થયો હતો.
વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્યોમાં ચાલતી આંતરિક જૂથ બંધીથી ભાજપનું પ્રદેશ મોવડી મંડળ પણ ત્રાસી ગયુ હતું. તે પછીના સમયગાળામાં રાવપુરા બેઠકના તત્કાલિન ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને રાજ્યકક્ષાના ખેલમંત્રી બનાવવામાં આવ્યા અને ધારાસભ્યોમાં પણ ભાગલા પાડી મામલો થાળે પાડી દેવામાં આવ્યો હતો.
વિધાનસભાની વર્ષ 2017 ની ચૂંટણીમાં બાજપને પાતળી બહુમતી મળી હતી. તે બાદ જ્યારે મંત્રી મંડળની રચના થઇ તેમાં વડોદરા શહેર - જિલ્લાની અવગણના થતાં ફરી ધારાસભ્યોમાં અસંતોષ શરૂ થયો હતો અને મુખ્યમંત્રીને ભીંસમાં લેવા પ્રયાસ શરૂ થયા હતા તે વખતે રાવપુરા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને ધારાસભાના સ્પીકર પદે નિમણુંક આપવામાં આવી હતી.
ફરી એકવાર ભાજપની જૂધબંધી જૂન-201૮ માં સપાટી પર આવી જેમાં વડોદરા શહેર-જિલ્લાના ત્રણ ધારાસભ્ય યોગેખ પટેલ, મધુ શ્રીવાસ્તવ અને કેતન ઇનામદારે ભેગા થઇ સરકારમાં બેઠેલા મંત્રીઓ અને અધિકારીઓ લોકોના કામ કરતા નથી તેવા આક્રોશ સાથે બળવો કર્યો હતો.
તેમાં મુખ્યમંત્રીને ભીંસમાં લેવા પ્રયાસ થયો તે બાદ મુખ્યમંત્રીએ ધારાસભ્યોના પેન્ડિંગ કામોનો નિકાલ કર્યો એટલું જ નહીં ત્રણમાંથી બે ધારાસભ્ય યોગેશ પટેલને નર્મદા રાજ્યમંત્રી અને મધુ શ્રીવાસ્તવને ગુજરાત એગ્રો કોર્પોરેશનનો હોદ્દો આપવાની સરકારને ફરજ પડી હતી.