વડોદરા: ન્યાય મંદિર બિલ્ડિંગમાં સીટી હેરિટેજ મ્યુઝિયમ બનાવવાનો પ્રોજેક્ટ 2014 માં વિચાર્યો હતો

- હજુ આઠ વર્ષે તો ન્યાય મંદિર કોર્પોરેશનને તારીખ 25મી એ હસ્તાંતરિત થવાનું છે
- સીટી મ્યુઝિયમનું કામ જલ્દી પૂર્ણ કરવા રજૂઆત
વડોદરા,તા.22 ડિસેમ્બર 2022,ગુરૂવાર
વડોદરાની ઐતિહાસિક ન્યાયમંદિર બિલ્ડિંગમાં સીટી હેરિટેજ મ્યુઝિયમ બનાવવાનો પ્રોજેક્ટ વર્ષ 2014માં વિચારાયો હતો. પરંતુ હજી આઠ વર્ષે પણ મ્યુઝિયમ બન્યું નથી. તારીખ 25મી એ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ન્યાયમંદિર બિલ્ડિંગ વડોદરા કોર્પોરેશનને હસ્તાંતરિત થવાનું છે તેવી જાહેરાત ગઈકાલે વડોદરાના મેયરએ કરી હતી. ન્યાય મંદિર બિલ્ડીંગ સીટી મ્યુઝિયમ તરીકે વિકસાવવા વડોદરા કોર્પોરેશનને આપવા વર્ષ 2017માં કલેકટરને દરખાસ્ત કરવામાં આવી હતી. એ પછી મહેસૂલ વિભાગને અને બાદમાં ફરી કલેકટરને દરખાસ્ત કરી હતી.
વર્ષ 2020 અને વર્ષ 2021ના આરંભે નવચેતના ફોરમ અને વેપાર વિકાસ એસોસિએશન દ્વારા ન્યાય મંદિરમાં સીટી હેરિટેજ મ્યુઝિયમ બનાવવાની માગણીના સમર્થનમાં નગરજનોની સહી લઇ ઝુંબેશ કરી હતી. જોકે તારીખ 17 જાન્યુઆરી 2021ના રોજ તત્કાલીન ગૃહમંત્રી વડોદરા રૂબરૂ આવીને તત્કાલીન કલેકટરને ન્યાય મંદિરનો ચાર્જ આપ્યો હતો, પરંતુ એ પછી છેક હવે વડોદરા કોર્પોરેશનને ન્યાય મંદિર બિલ્ડીંગ હસ્તાંતરિત થવાનું છે. ગયા વર્ષે વડોદરા કોર્પોરેશનમા મળેલી સમગ્ર સભામાં વર્ષ 2020-21 ની વ્યવસાય વેરાની કોર્પોરેશનને સરકાર દ્વારા જે રૂપિયા 21.79 કરોડની ગ્રાંટ ફાળવી હતી, તેમાં આંતરમાળખાકીય કામો કરવાની યાદી તૈયાર કરી હતી. તેમાં ન્યાયમંદિર સિટી મ્યુઝિયમ બનાવવા માટે રૂપિયા 2 કરોડના ખર્ચનો અંદાજનું કામ પણ મુક્યુ હતું. દરમિયાન નવચેતનના ફોરમે જણાવ્યું છે કે અગાઉ કરાયેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સામાન્ય સભાના ઠરાવ મુજબ ત્યાં સીટી મ્યૂઝિયમ બનાવવા નિર્ણય કરાયો હતો. કોર્ટનુ નવા બિલ્ડીંગમાં સ્થળાંતર થતા તે ખંડેર થઈ જતા અંદર ઝાડી ઝાંખરા અને કચરો થતા સંબંધિતોને રજૂઆત કરી હતી. વડોદરા વેપાર વિકાસ એસોસિયેશન સાથે રહીને સમગ્ર ચાર દરવાજામા સહી ઝુંબેશ હાથ ધરી હતી એ પછી પણ નક્કર કાર્યવાહી થઈ ન હતી. જેના કારણે ફરી 27 ફેબ્રુઆરી 2022 ના દિવસે ન્યાયમંદિર, લહેરીપુરા દરવાજા, રાધાવલ્લભ મંદિર વિગેરે ઐતિહાસિક વિરાસતોની જાળવણી માટે ધરણા કરવા પડ્યા હતા. આ વખતે પણ સીટી મ્યુઝિયમની જાહેરાત માત્ર આશ્વાસન બની ન રહે અને ન્યાયમંદિરને બરોડા સીટી મ્યૂઝિયમ બનાવી પ્રવાસનું આકર્ષક કેન્દ્ર જલ્દી બનાવવા અનુરોધ કરાયો છે.

