app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

સેક્ટરમાં બાકી રહેલા પાણી- ગટરના કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા તાકિદ

Updated: Nov 21st, 2023


ગાંધીનગરના ધારાસભ્યની અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

માર્ચ મહિના સુધીમાં તૂટેલા તમામ રસ્તાઓ રીપેર કરી દેવા પણ સુચના  ઇન્દ્રોડાધોળાકુવા અને બોરીજમાં ચાલતા કામોની પણ વિગતો મેળવી

ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં ચાલી રહેલા પાણી અને ગટરના નવા કામોની આજે ધારાસભ્ય દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. જેમાં પાણી પુરવઠા બોર્ડ, પાટનગર યોજના વિભાગ અને કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં તેમણે પ્રથમ તબક્કામાં જે સેક્ટરોમાં કામ બાકી છે તે ૩૧ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવા માટે તાકીદ કરી હતી. એટલું જ નહીં માર્ચ મહિના સુધીમાં તૂટેલા તમામ રસ્તાઓને રીપેર કરી દેવા પણ સૂચના આપી હતી.

પાટનગર ગાંધીનગર શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ પાણી અને ગટરની નવી લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ બંને એજન્સીઓની વ્યાપક ફરિયાદો નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે. એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહેલી ધીમી કામગીરી તેમજ ખાડા ખોદાયા બાદ તેને સમયસર નહિ પુરવાની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે આજે ગાંધીનગરમાં ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા શહેરમાં ચાલી રહેલા ૨૪ટ ૭ વોટર સપ્લાય, ગટર વ્યવસ્થાનું નવીનીકરણ તથા તેને કારણે નુકશાન થયેલા રસ્તાઓની દુરસ્તી કરી ડામરકામ કરવા માટેની કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનાં અધિકારીઓ, પાટનગર યોજના વિભાગના અધિકારીઓ, પાણી તેમજ ગટર યોજનાના કામના ઇજારદારના પ્રતિનિધિ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટના પ્રતિનિધિ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના સિટી ઇજનેર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રથમ તબક્કે સેક્ટર-૨૦ થી ૩૦ તેમજ સેક્ટર-૧૩ અને ૧૪ના અધૂરાં ગટર-પાણીના કામો સત્વરે ૩૧ મી ડીસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટે પાણી અને ગટરના અધિકારીઓને માર્ગદર્શન આપી અને જરૃરી સૂચનાઓ આપી હતી. આ કામો પૂર્ણ થયે તુરંત જ માર્ચ મહિના સુધીમાં આ તમામ સેક્ટરના રસ્તાના કામો પૂર્ણ કરવા માટે પણ ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓને જરૃરી સૂચના આપી હતી તો ઈન્દ્રોડા, ધોળાકુવા અને બોરીજ ગામે ચાલી રહેલી પાણી તેમજ ગટર લાઈનની કામગીરી અંગે પૃચ્છા કરી થયેલ કાર્યની સમીક્ષા કરી હતી.

Gujarat