કોરોનાને હરાવીને ભૂમિ દેસાઇ ઘરે પહોંચી તો 15 દિવસ બાદ માતાને સન્મુખ જોઇને બે વર્ષની પુત્રી અવાચક બની ગઇ
કોરોના પોઝિટિવ દર્દી અથવા તો તેના પરિવાર સાથે અછૂત જેવો વ્યવહાર ના કરો તેમને તમારી મદદની જરૂર છે: ભૂમિ દેસાઇ
વડોદરા,તા.૦૪ એપ્રિલ ૨૦૨૦,શનિવાર
કોરોનાથી મુક્ત થયેલી ભૂમિ દેસાઇ જ્યારે હોસ્પિટલથી કારેલીબાગમાં આવેલા તેના પિયરમાં પહોંચી તો તેની બે વર્ષની પુત્રી 'સીઆ' તેને જોઇને અવાચક જ બની ગઇ હતી કેમ કે તેણે ૧૫ દિવસ પછી માતાને જોઇ હતી. પાંચ સેંકડ તો તે માતાને જોતી જ રહી હતી અને પછી દોડીને ભૂમીને ભેટવા ગઇ હતી પરંતુ ડોક્ટરોએ હજુ ૧૪ દિવસ સુધી ક્વોરેન્ટાઇનનું પાલન કરવાનું કહ્યું હોવાથી સામ સામે હોવા છતાં માતા પુત્રી એક બીજાને ભેટી શક્યા ન હતા.
ભૂમિના પિતા ભરતભાઇ પંડયાએ કહ્યું હતું કે 'બે વર્ષની સીઆનો સંઘર્ષ પણ ગજબનો છે. હું અને મારો પુત્ર પણ ક્વોરેન્ટાઇન સેન્ટરમા ંહતા. સીઆના માતા પિતા આઇસોલેશન વોર્ડમાં એટલે સિઆ એકલી પડી ગઇ અને મારી પત્ની પથારીવસ હતી એટલે મારા વૃધ્ધ સાળીએ આવીને આ બાળકીની સંભાળ રાખી હતી. ૧૫ દિવસથી માતા-પિતા, દાદા-દાદી, ફોઇ, મામા, નાના સાથે નહી હોવા છતા સીઆએ કોઇ પણ વસ્તુ માટે જીદ્દ કરી ન હતી'
જ્યારે ભૂમિએ વડોદરાના લાકોને ખાસ સંદેશો આપ્યો છે કે 'કોરોનાથી ગભરાવા જેવુ કશુ નથી. એક સામાન્ય બિમારી છે. પરંતુ તકેદારી ખુબ જરૃર છે. મે કોરોનાને હરાવ્યો છે. એક ખેદ જિંદગીભર રહેવાનો છે કે કોરોનાએ માર પપ્પા (સસરા)ને જીવ લઇ લીધો. મારે લોકોને કહેવુ છે કે કોરોના પોઝિટિવ દર્દી અથવા તો તેના પરિવાર સાથે અછૂત જેવો વ્યવહાર ના કરો તેમને તમારી મદદની જરૃર છે. સુરક્ષિત અંતર રાખીને તમે મદદ કરી શકો છો'