અનલોક ભારે પડયું:કોરોના બોમ્બ ફુટયોઃનવા 40 કેસ
ગાંધીનગર,03 જુન 2020 બુધવાર
એક સમય એટલે કે તા.ર0 માર્ચે પાટનગરમાં કોરોનાનો એકપણ એકટિવ કેસ રહયો નહોતો પરંતુ ત્યારબાદ ગેરકાયદે છુટછાટ ભોગવવું ગાંધીનગર શહેર જિલ્લાના નાગરિકોને ભારે પડયું હતું અને કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી હતી તે દરમ્યાન લોકડાઉન-3માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા ટેસ્ટીંગ વધારી દેવાના કારણે કોરોનાના સંક્રમણ ઉપર તંત્રને કાબુ મળ્યો હોય તેવી સ્થિતિ ઉભી થઈ હતી પરંતુ છુટછાટવાળું લોકડાઉન-4 અને ત્યારબાદ છેલ્લા ત્રણ દિવસથી અનલોક-1 ચાલી રહયું છે જેમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં લોકો ભયમુક્ત થઈને બેફામ અવર જવર કરી રહયા છે જેના પગલે ગાંધીનગર શહેર અને જિલ્લામાં આજે કોરોના બોમ્બ ફુટયો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.
પાંચ-સાત દર્દીઓ સરેરાશ આવતાં ગાંધીનગર શહેર અને જિલ્લાના વિસ્તારમાં આજે એકાએક 40 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. જેમાં કલોલમાં સૌથી વધારે 1પ દર્દીઓ મળી આવ્યા છે. ગાંધીનગરના ચારેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ દર્દીઓ મળી આવતાં સ્થાનિકોમાં ફફડાટ ઉભો થયો છે. કોર્પોરેશન વિસ્તારમાં પણ આજે છ દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે. જયારે કલોલમાં એક વ્યક્તિનું મોત પણ કોરોનાથી થયું છે.