ભરૂચ પાસે ભાડભૂત આડબંધ યોજનાનું કામ પૂર્ણ થતાં હજી બે વર્ષ લાગશે

કલ્પસરનો પૂર્ણ શક્યતાદર્શી અહેવાલ ડિસેમ્બર 2022 સુધીમાં આવી જતાં પ્રોજેક્ટ શરૂ કરવા કેન્દ્રની મંજૂરી મેળવાશે
ગાંધીનગર : ગુજરાતની નર્મદા પછીની બહુહેતુક કલ્પસર યોજના વિલંબથી ચાલી રહી છે પરંતુ આ યોજના અન્વયે ભાડભૂત બેરેજનું બાંધકામ ઓક્ટોબર 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. સરકારે આ પ્રોજેક્ટ હેઠળ અનેક અભ્યાસ અહેવાલ તૈયાર કર્યા છે અને મોટાભાગના પૂર્ણ થયાં છે.
બેરેજ એટલે કે આડબંધ નર્મદા નદી પર ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામ પાસે નિર્માણાધિન છે. આ બાંધકામ ઓગષ્ટ 2020માં શરૂ કરવામાં આવ્યું હતું. આ યોજનાનો કુલ ખર્ચ 4167.70 કરોડ થવાનું અનુમાન છે. આ યોજના કલ્પસર યોજનાનો એક ભાગ છે.
ખંભાતના અખાતમાં પ્રવેશતી નર્મદા નદીના મુખથી 25 કિલોમીટર દૂર અને સરદાર સરોવર ડેમથી 125 કિલોમીટરના અંતરે 1663 કિલોમીટર લાંબો આડબંધ બાંધવામાં આવશે. જે 599 મિલિયન ક્યુબિક મીટર ક્ષમતા ધરાવતું મીઠા પાણીનું સરોવર બનશે.
આ આડબંધને 90 દરવાજા હશે જેની પર છ માર્ગીય પુલનું નિર્માણ કરવામાં આવનાર છે. વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે છેલ્લા બે વર્ષમાં 41.70 કરોડના ખર્ચે ભોપાલ સ્થિત દિલીપ બિલ્ડીકોન અને હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની કામગીરી સોંપી છે.
આ યોજના પાછળ અત્યાર સુધીમાં સરકારે 347.85 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને 3819.84 કરોડનો ખર્ચ થવાનો છે. આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે અગાઉ જાન્યુઆરી 2003ના રોજ સરકાર દ્વારા 84 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. યોજનાનો પૂર્ણ શક્યતાદર્શી અહેવાલ (ડીપીઆર) તૈયાર થઇ રહ્યો છે અને ડિસેમ્બર 2022 સુધીમાં તે પૂર્ણ કરવામાં આવશે.
આ 84 કરોડની વહીવટી મંજૂરી સામે 216.50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્યના કલ્પસર વિભાગના રાજ્યમંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે આ યોજનાનો પૂર્ણ શક્યતાદર્શી રિપોર્ટ આવી ગયા પછી રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મેળવવાની થતી યોજના સબંધિત તમામ મંજૂરી મળ્યા પછી આ યોજનાની કામગીરી શરૂ કરવામાં આવશે.

